છેલ્લો ઘા પણ રાણાનો જ…
એકનાથ શિંદે હવે શિવસેનાની પ્રતિનિધિ સભાનો કબજો લઈ આખી સેનાને સતાવાર રીતે ઠાકરેના હાથમાંથી છીનવી લેવા તૈયાર 282 સભ્યોમાંથી 188 સભ્યોનું સમર્થન મળશે એટલે સેનાના નાથ શિંદે બની જશે
પેલો ઘા તો રાણાનો હોય છે… પણ તેની સાથે જો છેલ્લો ઘા પણ રાણાનો પડે તો દુશ્મનની શુ હાલત થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ બની જાય. આવુ જ મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહ્યું છે. શિંદે છેલ્લો ઘા મારવા જઈ રહ્યા છે. જેથી તેઓ જ સેનાના શિવ બની શકે. બધું હસ્તગત કર્યા પછી હવે તેઓ ઘા શિવસેનાની પ્રતિનિધિ સભા કબજે કરીને મારવા જઈ રહ્યા છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્યો અને સાંસદોને તોડીને પાર્ટીના સમગ્ર સંગઠનને સંભાળવા માટે નિર્ણાયક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. હવે તેઓ શિવસેનાને સંપૂર્ણ કબજે કરવાની માટે તૈયારીમાં છે. શિવસેનાના ધારાસભ્યો, સાંસદો અને કાઉન્સિલરો મોટાભાગે વિભાજિત છે પરંતુ એકનાથ શિંદે માટે શિવસેના સંગઠન પર નિયંત્રણ રાખવું એટલું સરળ નથી. જો કે, તેઓએ આ દિશામાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાદ હવે તેમની નજર શિવસેનાના પદાધિકારીઓ પર છે.
શિવસેના સંગઠનમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી પ્રતિનિધિ સભામાં 282 સદસ્યો છે. એકનાથ શિંદે હવે તેમાંથી બે તૃતીયાંશ એટલે કે 188 સભ્યોને તોડવાની તૈયારી કરી રહ્યા છે. જો તે આમાં સફળ થશે તો શિવસેના અને ઉદ્ધવ ઠાકરે માટે મુશ્કેલ બનશે.
કાયદા પ્રમાણે માત્ર ધારાસભ્ય અને સાંસદના વિભાજનનો મતલબ પાર્ટીમાં વિભાજન નથી. તેના માટે સંગઠનમાં વિભાજન થવું જોઈએ. એટલા માટે જો એકનાથ શિંદે પ્રતિનિધિ સભાના 188 સદસ્યોને પોતાના પક્ષમાં કરી લે છે તો તે પૂરી પાર્ટીમાં વિભાજનના દાવાને મજબૂત કરશે. જોકે, શિવસેના તે જોખમને સમજી ચૂકી છે. એટલા માટે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે હાલમાં સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યા છે.
પાર્ટી બંધારણમાં શિવસેનાના પ્રમુખથી લઈને શાખા પ્રમુખ સુધી કુલ 13 પદ છે. મુંબઈમાં ધારાસભ્યો, સાંસદો, જિલ્લા પ્રમુખો, જિલ્લા સંપર્ક પ્રમુખો અને વિભાગાધ્યક્ષોની પ્રતિનિધિ સભા હોય છે. પ્રતિનિધિ સભામાં કુલ 282 સદસ્ય હોય છે. જો શિવસેના પ્રતિનિધિ સભાના સદસ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ એકનાથ શિંદે સમૂહનું સમર્થન કરે છે તો, શિવસેના મુશ્કેલમાં પડી શકે છે. એકનાથ શિંદે તેના માટે પરદા પાછળ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે.
બીજી તરફ, રાષ્ટ્રીય કાર્યકારિણીના કુલ 14 સભ્યોમાંથી 9 સભ્યોને ચૂંટવાનો અધિકાર છે. બાકીની પાંચ બેઠકોના સભ્યોની પસંદગી પાર્ટીના વડા દ્વારા કરવામાં આવે છે. આ સભ્યો દર પાંચ વર્ષે ચૂંટાય છે. આ સભ્યો વર્ષ 2018માં ચૂંટાયા હતા. રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો પક્ષના નેતાઓ છે. હાલમાં રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આદિત્ય ઠાકરે, મનોહર જોશી, લીલાધર ડાકે, સુભાષ દેસાઈ, દિવાકર રાઉત, સંજય રાઉત અને ગજાનન કીર્તિકર સામેલ છે.
શિવસેનાનું પ્રતીક મેળવવા ચૂંટણી પંચ સમક્ષ માંગ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નવસર્જિત શિવસેનાના સ્થાપક એકનાથ શિંદેએ કેન્દ્રીય ચૂંટણી આયોગને એક પત્ર મોકલ્યો હતો. તેમાં તેમણે માગ કરી કે, તેમના સંગઠનને શિવસેનાના રૂપમાં માન્યતા આપવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, અમને શિવસેનાનું ધનુષ-બાણનું પ્રતીક મળવું જોઈએ.
મહારાષ્ટ્રના રાજકારણનું ચિત્ર
- શિંદે જૂથે શુ કર્યું?
* વિધાનસભા હસ્તગત કરી
* અનેક નગરપાલિકાઓ કબજે કરી
* રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા મજબુર કર્યા
* લોકસભામાં નવસર્જિત શિવસેનાના નેતાની નિમણૂક કરી પક્ષને ત્યાં માન્યતા અપાવી.
2.હવે શું કરવાનું બાકી ?
* શિવસેનાની પ્રતિનિધિ સભા ઉપર કબજો