ચૂંટાયેલા નવા સરપંચનો ગ્રામજનોને કોલ
અબતક,ભૌમિક તળપદા
પડધરી
રાજકોટ જિલ્લાના પડધરીમાં ‘સુખન્વે સૂર્યોદય’ મંત્રને જીવનમંત્ર બનાવનાર પરમાર દંપતિએ તેના કાર્યકાળ દરમ્યાન પડધરીમાં વિકાસ કામોને ટોપ ગિયરમાં રાખ્યા હતાં.તાજેતરમાં જ પડધરી ગ્રામ પંચાયતની પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં ડો.વિજયભાઇ પરમાર 204 મતથી સરપંચ તરીકે વિજય થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી પ્રસરી છે.ડો.વિજયભાઇ પરમાર અગાઉ 2012 થી 2017 સુધી પડધરીના સરપંચ તરીકે રહી ચૂક્યા છે. તેમના સરપંચ તરીકેના કાર્યકાળ દરમિયાન ઘરે-ઘરે પાઇપ લાઇન દ્વારા લોકોને ગેસ આપવાનો પ્રોજેક્ટ પૂર્ણ કરાવ્યો હતો તે સમયે રાજકોટ જિલ્લાનું તાલુકા મથકનું આ પ્રકારની સુવિધા મેળવતું પડધરી ગામ પ્રથમ ગામ હતું. ઉપરાંત વર્ષ 2012-13થી અર્બન પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ પૂર્ણ કરી અને સફળતા પૂર્વકનું સંચાલન કરતી ગુજરાતની સૌપ્રથમ ગ્રામ પંચાયત હતી.
પડધરી ગામ 2012-13થી વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. તેમાં દરબારગઢમાં સ્પોર્ટ્સ એકમનું નિર્માણ, શાસ્ત્રી બગીચાને અદ્યતન બનાવવાનું કામ, રેલવે ફાટકથી બસ સ્ટેશન સુધીના રસ્તાને ફોર ટ્રેક બનાવવાનું કામ, સ્વચ્છ, પારદર્શક અને ભ્રષ્ટાચાર રહીત વહીવટ કુશળતા વગેરે પરમાર પરિવારની કોઠા સુજ છે.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં સતત ત્રીજી ટર્મમાં ડો. વિજય પરમાર ચૂંટાયા
પડધરી ગ્રામ પંચાયત સરપંચની ચુંટણીમાં ડો.વિજયભાઇનો વિજય થતા, તેઓએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પડધરી ગામની વિકાસ યાત્રાને આગળ વધારીશ અને સમગ્ર ગ્રામજનોને નર્મદાનું પાણી મળી રહે તે જ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.પડધરીમાં ત્રીજી વખત સરપંચ તરીકે વિજય થતાં હેતુ-મિત્રો, સ્નેહીજનો ઉપરાંત રાજકીય અગ્રણીઓ દ્વારા અભિનંદનની વર્ષા થઇ રહી છે.