પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી જાણે લોકશાહી ઉપર જ સવાલ ઉઠાવી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ક્યાંક બોમ્બમારો તો ક્યાંક મતપેટીની લૂંટ સહિતની અનેક અણબનાવ બન્યા છે. ત્યારે રાજકિય પક્ષો માટે પણ નીચે જોવા જેવું થયું છે. કે માત્ર ખુરશી માટે આટલી હિંસાને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. ખરેખર પશ્ચિમ બંગાળ માટે આ ચૂંટણી ત્યાંની પરિસ્થિતિની વાસ્તવિકતા દર્શાવે છે.

પશ્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે પંચાયત ચૂંટણીનું મતદાન થયું છે.  રાજ્યભરમાંથી વિવિધ સ્થળોએ હિંસા, આગચંપી, પથ્થરમારાના અહેવાલો છે. શનિવારે સવારે 7 વાગ્યે પંચાયત ચૂંટણી શરૂ થઈ ત્યારથી, રાજ્યમાં બપોર સુધીમાં નવ લોકોના મોત થયા હતા અને મધ્યરાત્રિથી કથિત મતદાન સંબંધિત હિંસામાં વધુ ત્રણ લોકો માર્યા ગયા હતા. આવી સ્થિતિમાં પંચાયત ચૂંટણી દરમિયાન 12 લોકોના મોત થયા છે.  મૃતકોમાં પાંચ ટીએમસી અને એક-એક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોનો સમાવેશ થાય છે.  તેમના સિવાય સ્વતંત્ર પક્ષના સમર્થકો પણ હિંસામાં મૃત્યુ પામ્યા છે.

રાજ્યભરમાં ભારે તંગદિલી ફેલાઈ છે. રાજ્યમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી હોવા છતાં ભીષણ હિંસા થઈ હતી.  પૂર્વ મેદિનીપુરના નંદીગ્રામ બ્લોક 1ના રહેવાસીઓએ ટીએમસી પર બૂથ કેપ્ચરિંગનો આરોપ લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. લોકોનું કહેવું હતું કે મહમદપુરના બૂથ નંબર 67 અને 68મા કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવે.  જ્યાં સુધી તૈનાત નહીં થાય ત્યાં સુધી તેઓ મતદાન કરશે નહીં.

મુર્શિદાબાદના બેલડાંગા ખાતે કોંગ્રેસ અને તૃણમૂલ વચ્ચેની અથડામણમાં સત્તાધારી પક્ષના કાર્યકર બાબર અલીનું મોત થયું હતું.  હિંસા બાદ વિસ્તારમાં ભારે તણાવ છે.  કોંગ્રેસ કાર્યકરને ગોળી વાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કૂચ બિહારમાં એક મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી હતી. અને મતદાન શરૂ થતાંની સાથે જ બેલેટ પેપર લૂંટી લેવામાં આવ્યા હતા.  ડાયમંડ હાર્બરમાંથી પણ આવા જ અહેવાલો આવ્યા હતા. મળતી માહિતી મુજબ માલદાના માણિકચક અને ગોપાલપુર ગ્રામ પંચાયતના જીશાર્દ ટોલામાં ભારે બોમ્બમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.  મૃતકનું નામ શેખ મલેક જણાવવામાં આવ્યું છે.  હુગલીમાં ટીએમસી કાર્યકર્તાઓએ એક અપક્ષ ઉમેદવાર પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ મળ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું છે. તમામ 22 જિલ્લામાં એક જ તબક્કામાં મતદાન થયું છે. ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની લગભગ 74,000 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીની જાહેરાત બાદથી બંગાળના ઘણા વિસ્તારોમાં જે પ્રકારની નિરંકુશ હિંસા થઈ છે તેનાથી લોકો આઘાતમાં છે.

કોલકાતા હાઈકોર્ટના નિર્દેશો પર ચૂંટણી માટે 822 કંપની કેન્દ્રીય દળોની તૈનાત હોવા છતાં, મતદાનની શરૂઆત પહેલા રાતથી થયેલી હિંસામાં લોકો માર્યા ગયા હતા. જ્યારે ડઝનેક બોમ્બ-બ્લાસ્ટમાં ઘાયલ થયા હતા. મુર્શિદાબાદ અને કૂચબિહાર જિલ્લાઓ, જે છેલ્લી પંચાયત ચૂંટણી દરમિયાન હંમેશા હિંસાનું કેન્દ્ર રહ્યા છે, મતદાન શરૂ થયાની થોડી મિનિટોમાં ફરીથી મોટા પાયે હિંસા જોવા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.