શ્રીજી ગૌશાળા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં નૃસિંહ, વામન, રામ અને કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી: મુખ્ય મનોરથી રમેશભાઈ ધડુકે ગૌસેવાર્થે રૂ.૧૧ લાખનું અનુદાન આપ્યું
સજીવ ખેતી દ્વારા ‘સંજીવની’ ઉગી શકે છે: કિશાન સંમેલન સંપન્ન
નુતન, અનુપમ એવી ગૌભૂમિ-શ્રીજી ગૌશાળામાં ગૌમાતાના સેવાર્થે ચાલી રહેલો શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ ગઈકાલે મધ્યાંતરે એટલે કે ચોથા દિવસમાં પ્રવેશ્યો હતો. ભાગવત કથાનો પાંચમાં સ્થાનલીલામાં પ્રવેશ કરતા ભાગવત વિભૂષિત પ.પૂ.ગોવર્ધનેશ મહોદયએ જણાવ્યું હતું કે, સ્થાન અર્થાત સ્થિતિ. સ્થિતિ બે પ્રકારની હોય છે. દેશસ્થ અને આત્મસ્થ. આ સ્થિતિ વિશે મહાપ્રભુજીએ સરસ વાત કરી છે પણ અહીં આત્મસ્થિતિનું વધુ મહત્વ છે. આત્મસ્થિતિ એટલે અંતમુર્ખી થઈ જવું. અધ્યાત્મ, સત્સંગ, હરિસ્મરણ આપણને અંતર્મુખી બનાવે છે અને આનંદ આપણી અંદર જ છુપાયેલો છે અને એ આનંદ સેવાથી પ્રાપ્ત થાય છે અને સેવા સત્સંગ કે ભકિત કરવા માટે બાલ્યાવસ્થા એ સૌથી શ્રેષ્ઠ છે પરંતુ આજનો યુવાન તો વ્યસનમાં અને ફેશનમાં બગડી ગયો છે પણ વૈષ્ણવો, તમારે વ્યસન રાખવું જ હોય તો વિદ્યા અને ઠાકોરજીના ચરણની સેવાનું વ્યસન રાખો અને એક વાત ખાસ યાદ રાખજો કે પુષ્ટીમાર્ગ એ શોખીનોનો માર્ગ છે. તમારો શોખ એ ઠાકોરજી તરફ હોવો જોઈએ જેને જેટલો વધારે શોખ એટલું એ વધુ માણી શકે પણ કેન્દ્રમાં તો ઠાકોરજી જ હોવા જોઈએ.
આજે આપણે પુષ્ટીમાર્ગને બહુ કઠિન બનાવી દીધો પણ પુષ્ટીમાર્ગ તો ખુબ સરળ છે અને ભકિત માર્ગ તો હંમેશા સરળ જ હોવાનો, જ્ઞાનમાર્ગ કઠિન છે, કર્મમાર્ગ કઠિન છે પરંતુ ભકિતમાર્ગ ખુબ સરળ છે અને જે સાચો વેરાગી હશે એની પરીક્ષા તો યુવાવસ્થામાં જ થશે. ગોવર્ધનેશ મહોદયએ ગૌમહાત્મય વિશે વાત કરતા કહ્યું હતું કે, જે જીવ ગાયની સેવા કરતો હોય એને કોઈપણ ગ્રહ નડતો જ નથી ! જેને અનુગ્રહ હોય એને કોઈપણ ગ્રહ ન નડે. ગૌસેવા એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થને સિદ્ધ કરે છે. નિયમિત ગૌગ્રાસ દેવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગૌસેવાથી બે પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. ભૌતિક લાભ અને આધિભૌતિક લાભ.
આપણે ત્યાં તો શાસ્ત્રોમાં એવા પણ ઉલ્લેખો મળે છે કે, જે સ્થાનમાં ગાય રહે છે એ સ્થાન પર કોઈ જીવનું મૃત્યુ થાય તો એ ઉતમ ગતિને પ્રાપ્ત કરે છે, જીવ મુકિતને પ્રાપ્ત કરે છે. ગાયના ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. ગઈકાલની કથામાં પ્રખર આચાર્ય ગોવર્ધનેસજીએ નૃસિંહ જન્મ, વામન જન્મ, રામજન્મ અને નંદોત્સવ-કૃષ્ણ જન્મોત્સવની વધાઈ આપી ત્યારે સમગ્ર વૈષ્ણવો-ભાવિકો-શ્રાવકો આ ઉત્સવમાં ભાવવિભોર થઈ ઝુમી ઉઠયા હતા. નંદોત્સવ વખતે પટાંગણમાં દિવ્યાતી દિવ્ય વાતાવરણ સાથે નંદ ઘેર આનંદ ભયોના નાદથી જાણે વ્રજ ખડુ થયું હતું. મહોદયએ દસમાં સ્કંધના આરંભ સાથે અને કૃષ્ણ જન્મની વધાઈ અને ગઈકાલની કથાને વિરામ આપ્યો હતો.
કથા પૂર્વેના ઉપક્રમમાં પૂજય શ્રીના અંતરંગ વૈષ્ણવ ઈલાબેન દેસાઈ પણ અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહીને પોતાની પ્રસન્નતા વ્યકત કરી સૌ વૈષ્ણવોને ઈ.સ.૨૦૧૮ની લીલી પરીક્રમા સંગાથે કરવાનું ભાવભર્યું નોત‚ આપ્યું હતું. ત્યારબાદ હરિરાય મહોદયે પણ ગૌમહાત્મય અને ગૌપ્રીતિ, ગૌરક્ષા-ગૌભકિતની સંવેદનમય વિચાર કણિકાઓ દ્વારા પોતાની હૃદય પ્રસન્નતા વ્યકત કરી હતી. ચોથા દિવસના આ ભવ્યાતીભવ્ય જ્ઞાન મહોત્સવના આ ગૌસેવાના અનુપમ-દિવ્ય સેવાકાર્યમાં કથાના મુખ્ય મનોરથી સેવા રમેશભાઈ ધડુક દ્વારા રૂ 11 લાખ જેવી માતબર ધનરાશિ ગૌસેવાર્થે અર્પણ થઈ હતી, તેમજ બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણીએ પણ રૂ 5,૫૧,000/- જેવી ધનરાશિનું દાન અર્પણ કર્યું હતું. શ્રીજી ગૌશાળા-રાજકોટના ટ્રસ્ટીગણ પ્રભુદાસ તન્ના, અશોકભાઈ રાયચુરા, વિનુભાઈ તન્ના, મનોરથી ધડુક પરીવારનું મહોદયે અભિવાદન કર્યું હતું.
શ્રીજી ગૌશાળાના ઉપક્રમે યોજાયેલ ભાગવત સપ્તાહના ચોથા દિવસે ખેડુતોને સજીવ ખેતીની ઉપયોગીતા અને તેની પઘ્ધતિ વિશે જાણકારી આપવા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રાસાયણિક ખાતરોની હાનિકારકતા અને સામાપક્ષે જૈવિક પઘ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતા દેશી ખાતરની ઉપયોગીતા અંગે તજજ્ઞો દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ સંમેલનમાં ખેડૂતો સાથે પ્રશ્ર્નોતરી યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોને મુંજવતા સવાલોનું સમાધાન આપવામાં આવ્યું હતું.
ગોપાલભાઈ સુતરીયા દ્વારા સરળ ભાષામાં ખેડૂતોને મુજવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગોપાલભાઈ સુતરીયાએ શુકલ યજુર્વેદની ઋચા ટાંકતા જણાવ્યું હતું કે, ગાયની તુલના વિશ્ર્વના બીજા કોઈ પ્રાણી સાથે થઈ શકે નહીં. જેવી ગાયની સ્થિતિ હશે તેવી ગામ અને દેશની સ્થિતિ હશે. જો ગામથી લઈને દેશની સ્થિતિ સુધારવી હશે તો ગોવંશની સ્થિતિ સુધારવી પડશે.
આ અંગે વિસ્તારથી ખેડુતો અને ગૌપાલકોને સમજણ આપતા ગોપાલભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે, ગાયો માટે જે કેલ્શીયમની ટીકડીઓ આવે છે તે ન વાપરતા અવેડામાં ત્રણ-ચાર દિવસે કળી ચુનાનું પોતુ ફેરવી દેવુ જેથી ગાયોને યોગ્ય માત્રામાં કેલ્શીયમ તો મળી જ રહેશે સાથો સાથ પાણીમાં રહેલા બેકટેરીયાઓ પણ નાશ પામશે. આજ રીતે યુરીયા ખાતર અને બીજા ખાતરો જમીનને લાંબે ગામે સખત બનાવે છે.
જેનાથી જમીનમાં પાણી ઉતરતુ નથી, લાભદાયી બેકટેરીયા અને અળશીયા ઉછરી શકતા નથી અને જમીન રસકસ વગરની બની જાય છે.એની જગ્યાએ દેશી ખાતર જાતે બનાવવાની પઘ્ધતિ અને તેમાં ગૌમુત્રનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે ઉંડાણપૂર્વક જાણકારી આપી હતી. કોપર, મેગેનીઝ, સલ્ફર અને કુદરતી સ્ટીરોઈડ ગૌમુત્રમાં સાત્વિક ફોમમાં રહેલું છે જેના ફાયદા વર્ણવ્યા હતા.
ડેપ્યુટી કલેકટર અને કૃષિ વિભાગ સંભાળતા જયેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના થાય તે માટે પ્રયત્નશીલ છે. સરકાર તરફથી પણ આ અંગે સકારાત્મક વાતાવરણ પુરુ પડાઈ રહ્યું છે. ટુંક સમયમાં આ અંગેની કાર્યવાહીને લીલીઝંડી મળી શકે તેમ છે. ઓર્ગેનિક યુનિ.ની સ્થાપના પછી ગુજરાતમાં ખેતીનું ચિત્ર સકારાત્મક રીતે બદલાઈ જશે તેવો આશાવાદ વ્યકત કરતા જયેશ પટેલે જણાવ્યું હતું કે, યુરીયા અને અન્ય ખાતરોમાં આપવી પડતી સબસીડીનો બોજો સરકાર ઉપરથી ઓછો થશે કેમ કે સજીવ ખાતરનું ઉત્પાદન વધતા ધીમે ધીમે યુરિયાની જ‚રીયાત જ નામ પ્રેસ થઈ જશે. ડ્રીય ઈરિગેશન અને દેશી ખાતર આધારીત કાર્યપઘ્ધતિ વધુમાં વધુ અપનાવવા ઉપર ભાર મુકતા જયેશભાઈએ જણાવ્યું હતું કે, ખેતીનો ઉધોગ તરીકે ન મુલવતા સંસ્કાર તરીકે અપનાવવાથી અન્નના કણકણમાં સંસ્કારીતાનું સિંચન થશે જે આખરે તો દેશની પ્રગતિમાં સહાયક બની રહેશે.