ભાજપના નેતાઓએ નવા પ્રદેશ પ્રમુખને અનુસરી ટેલિગ્રામ ઉપર વધુમાં વધુ લોકો સાથે જોડાવાની આંધળી દોડ મૂકી
ટેલિગ્રામ ઉપર વધુ મેમ્બરની આંતરિક હરીફાઈ જામ્યા બાદ અંતે નેતાઓને બ્રહ્મજ્ઞાન થતા પાછા વળ્યાં
એક સમયે માઠા સમાચાર આપીને ચિંતા ઉપજાવતું ટેલિગ્રામ હાલ એક સોશિયલ મીડિયા એપ બન્યું છે. જે નેતાઓને ટ્રીન ટ્રીન કરવા લાગ્યું છે. અગાઉના જમાનામાં ટેલિગ્રામ આવે એટલે લોકોના ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાઈ જતા હતા કારણકે મોટાભાગના શોક સમાચાર ટેલિગ્રામ મારફત જ મોકલવામાં આવતા હતા. પણ હવે આ ટેલિગ્રામ ઉપર વધુમાં વધુ મેમ્બર સુધી પહોંચવાની નેતાઓએ હોડ લગાવી છે. જો કે આ આંધળી દોટે મચાવેલું ઘમાસાણ ક્ષણિક જ રહ્યું છે કારણ કે હવે નેતાઓને બ્રહ્મજ્ઞાન થયું છે અને તેઓ પાછળ વળ્યાં છે.
ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખે ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું જેવું શરૂ કર્યું કે તરત રાજકોટથી તેની કોપી કરવાનું શરૂ થઈ ગયું અને ભાજપમાં એકાએક ટેલિગ્રામ ઉપર મેમ્બર નોંધવાનું અભિયાન ચાલુ થઈ ગયું હતું.રોજ સવાર પડે અને મોબાઈલ લઈએ ત્યાંથી રાત્રે મોબાઈલ કોરાણે મૂકીએ ત્યાં સુધી ટેલિગ્રામ એપ્લિકેશનમાં ભાજપના જુદા જુદા નેતાઓ, ધારાસભ્ય, સાંસદ પોતપોતાના ગ્રુપ બનાવીને તેમાં સતત અને સતત નવા નવા સભ્યો ઉમેરતા જાય છે. તેવું જોવા મળી રહ્યું છે. કેટલાય ધારાસભ્યો અને નેતાઓએ તો ફેસબુક ઉપર પણ આ ટેલિગ્રામમાં સભ્ય નોંધણી માટેની આખી વિધિ પોસ્ટ કરીને તેના દ્વારા પણ મેમ્બર વધારવા માટેની કુસ્તી અજમાવી છે. ટેલિગ્રામ એપ્લિકેશન ખોલીએ તો માહિતી ઓછી અને ભાજપના નેતાઓની સભ્ય નોંધણી માટેની દોડાદોડી જ વધારે જોવા મળી રહી છે. દરેક નેતા અને તેમના સમર્થકો બીજા નેતાથી તેઓ પાછળ નહિ રહી જાય તે માટે મચી રહ્યાં છે. ટેલીગ્રામના ગ્રુપમાં ઉપર દેખાતો મેમ્બરનો આંકડો તેમના માટે વજન કાંટા ઉપર દેખાતા ડિજિટલ મીટર જેવો બની ચૂક્યો છે. જેટલા વધારે સભ્યો એટલું વધારે વજન.
છેલ્લા એક પખવાડિયાથી ટેલિગ્રામમાં દેખાતી ભાજપના નેતાઓ વચ્ચેની દોડ એક મોટો સવાલ ઊભો કરી રહી છે કે, તેની શરૂઆત ક્યાંથી થઈ? દોડ માટેનો આદેશ કોણે આપ્યો.? આ સવાલનો જવાબ શોધતા એવું જાણવા મળ્યું કે, વાસ્તવમાં આવી કોઈ દોડ હતી જ નહીં પણ ટોપીવાળા ફેરિયા અને વાંદરાની વાર્તા જેવો ઘાટ થયો છે.
ટેકનોલોજી વ્યવસ્થા અને સોશિયલ મીડિયાનો ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં અગ્રેસર નોંધાયેલા પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર. પાટીલે પ્રમુખ બન્યા પછી થોડા સમયમાં ટેલિગ્રામ ઉપર ગ્રુપ બનાવીને એક સાથે હજારો લોકોને સંદેશ મોકલી શકાય, સીધો સંવાદ કરી શકાય તે માટેનો પ્રયોગ અજમાવ્યો હતો. બે દિવસમાં હજારોની સંખ્યામાં એમાં મેમ્બર જોડાઈ ગયા હતા. પ્લેટફોર્મ જાહેર હતું. તેમાં કોઈ નેતાની સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા હોવાનું ચિત્ર રાજકોટમાં કેટલાક નેતાઓ અને બેક ઓફિસ સંભાળતા તેમના ઘરનાને દેખાતા આંખ ચાર થઈ ગઈ હતી. તેમણે ગણતરીની મિનિટોમાં જ આ આઇડિયાને ઉઠાવી લીધો હતો. પોતાનું ગ્રુપ બનાવ્યું અને સમર્થકો, કાર્યકરોને તેમાં મેમ્બર જોડવા માટેનું ફરમાન કરી દીધું હતું. તેમણે પણ ગણતરીના સમયમાં ૪૫૦૦૦ સભ્યો ઉમેરીને પેલા ટેલિગ્રામના ગ્રુપની ઉપર બતાવતા આંકડામાં પોતાનું વજન ચેક કરવા માંડયું હતું. બસ પછી શું..! ટેલીગ્રામમાં વજન બરાબર હોવાનું દેખાતા તેમણે તેમના સંપર્કમાં રહેતા ધારાસભ્ય, મંત્રી, સાંસદ, આગેવાનોને પણ બતાવ્યું, એટલે પછી શરૂ થઈ ગયો પેલો ટોપીવાળા ફેરીયા અને વાંદરાઓની વાર્તા જેવો ઘાટ. વા વાયો ને નળિયું ખસ્યું અને ગામમાં મચી ધમાધમ..
પ્રદેશ ભાજપના આઈટી સેલ સાથે સંકળાયેલા વર્તુળો સાથે પણ વાતચીત કરતા એવું જાણવા મળ્યું કે આ અભિયાનનો આઈટી સેલ દ્વારા કોઈ ઈશારો નથી કરાયો, પરંતુ બધાએ એકબીજાની ગતિવિધિને જોઈને અનુકરણ કરી શરૂ કરેલું અભિયાન જ છે. જોકે, હવે અત્યારે તો માત્ર રાજકીય વજન બતાવવાની હુંસાતુંસીમાં આગળ વધી ચૂકેલા આ અભિયાનમાં ઊભા કરી દેવાયેલા આ ટેલીગ્રામના જુદા જુદા ગ્રુપનો કેટલો સદઉપયોગ કરાય છે. તે આવનારા દિવસોમાં ખબર પડશે.
ટેલિગ્રામમાં ગ્રુપ બનાવી મેમ્બર બનાવવા માટે ચાલી રહેલી સ્પર્ધામાં હવે ઘણા નેતાઓને બ્રહ્મજ્ઞાન થવા માંડ્યું છે. વા વાયો અને નળિયું ખસ્યું… તેવી વાતમાં પોતે આંધળુકિયા કરીને ટેલિગ્રામમાં મેમ્બર બનાવવા માટે મચી પડયા હોવાથી તેમણે પોતાના ગ્રુપ પણ ધીમે ધીમે ડીલીટ કરવા માંડ્યા છે.
એકને જોઈને બીજા પણ ટેલિગ્રામના રવાડે ચડ્યા!!
સોશિયલ મીડિયામાં ટેલિગ્રામ જ એક એવું પ્લેટફોર્મ છે. જેમાં સૌથી વધુ સંખ્યામાં મેમ્બરો જોડી શકાય છે. ત્યારે ટેલિગ્રામમાં મેમ્બર વધારવાની હોડ કઈ રીતે શરૂ થઈ તે પણ નેતાઓને ખબર નથી. એકને જોઈને બીજા આ રવાડે ચડ્યા હતા. જો કે પછી નેતાઓની આંખ ખુલતા તેઓએ આ હોડને પડતી મૂકી પોતાના રૂટિન કામ ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે.