આઈટીસી ક્લેઈમ કરવા ન માગતા હોય તેણે ૨૦ ઓગસ્ટ સુધીમાં જીએસટીઆર ૩-બી ફાઈલ કરવું જરૂરી
કેન્દ્ર સરકારે દેશભરના વેપાર-ઉદ્યોગ જગતને રાહત આપતાં જુલાઇ મહિનાના જીએસટીઆર ૩-બી રિટર્નમાં અગાઉની વેટ, એક્સાઇઝ કાયદાની વપરાયા વગરની અને સ્ટોક પરની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) પણ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે જીએસટીના અમલીકરણના પ્રથમ બે માસમાં વેપારીઓને નિયમિત રિટર્નમાં રાહત આપતાં વેપારના સારાંશરૂપે જીએસટરીઆર ૩-બી રિટર્ન ભરવા જણાવ્યું હતું પરંતુ તેમાં અગાઉની આઇટીસી ક્લેઇમ કરવાની વ્યવસ્થા નહીં હોવાના કારણે વેપારીઓએ વિરોધ કર્યો હતો.
તમામ નોંધાયેલા વેપારીઓએ જીએસટીઆર ૩-બી રિટર્ન ૨૦ ઓગસ્ટ સુધીમાં ભરી દેવાનું હતું અને તેનો ટેક્સ પણ ભરવાનો હતો પરંતુ અગાઉના વેટ અને એક્સાઇઝ કાયદાની આઇટીસી મળવાપાત્ર નહોતી. આ સ્થિતિમાં વેપાર-ઉદ્યોગ માટે બેવડા કરવેરાની સ્થિતિ સર્જાતી હતી અને તેના કારણે વેપારીઓની વર્કિંગ કેપિટલ પર વિપરિત અસર થઇ રહી હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)એ જીએસટીઆર ૩-બી રિટર્નમાં અગાઉની વણવપરાયેલી આઇટીસી નહીં મળવા સામે ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને નાણાંમંત્રી અરુણ જેટલીને પત્ર લખીને જણાવ્યું હતું કે જીએસટી કાયદાની કલમ ૧૪૦ મુજબ વેપારીઓને અગાઉના વેટ અને એક્સાઇઝ કાયદાની બાકી આઇટીસી અને સ્ટોક પરની આઇટીસી પણ મળવાપાત્ર છે. ચેમ્બરે જણાવ્યું હતું કે જો સરકાર આ મુદ્દે યોગ્ય નિર્ણય નહીં કરે તો અદાલતમાં દાદ માંગવામાં આવશે. સરકારે ગુરુવારે જાહેર કર્યું હતું કે વેપારીઓ તેમની બાકી આઇટીસી જીએસટીઆર ૩-બી રિટર્નમાં ક્લેઇમ કરી શકશે પરંતુ તેમણે આઇટીસી ક્લેઇમ કર્યા બાદ ભરવાનો થતો વેરો ૨૦ ઓગસ્ટ સુધીમાં ભરી દેવાનો રહેશે. ઉપરાંત તેમણે ૨૮ ઓગસ્ટ સુધીમાં ટ્રાન્સ-૧ અને જીએસટીઆર ૩-બી ભરવાના રહેશે. જે નોંધાયેલી વ્યક્તિઓ આઇટીસી ક્લેઇમ કરવા ના માંગતા હોય અથવા તો તેના માટે લાયક ના હોય તેમણે ૨૦ ઓગસ્ટ સુધીમાં જીએસટરીઆર ૩-બી ફાઇલ કરી દેવું જરૂરી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જૂના વેટ અને એક્સાઇઝ કાયદાની જીએસટી આપવાનો સરકારનો નિર્ણય આવકાર્ય છે.કારણ કે આઇટીસી જમા હોય તે સંજોગોમાં નવેસરથી ટેક્સ ભરવાની સ્થિતિમાં કંપનીઓ અને વેપારીઓ માટે વર્કિંગ કેપિટલની સમસ્યા ઉદ્ભવે છે