ર૧ એકર જમીનમાં ૩૦૦ સાધકો માટે બે વિશાળ સેલ, બે શુન્યગાર જેવી સગવડો: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સાધકોની ટીમ
રાજકોટનાં ખોખળદળ ખાતે જુનુ ધમ્મકોટ વિપશ્યના ઘ્યાન કેન્દ્ર હતું ૧૮ એકર જમીનમાં વિકસાવેલું હતું તેને હવે મોટું સ્વરુપ આપી જામનગર રોડ રંગપર ખાતે ર૧ એકર જમીનમાં વિકસાવવામાં આવશે.આ કેન્દ્રનું ભૂમિ પુજન તા. ૧૯ ને રવિવારે ૮ થી ૧૦ થશે તેમાં હજારો વિપશ્યી સાધકો ભાગ લેશે. આ કેન્દ્રમાં ૩૦૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવેલ છે. બે વિશાળ હોલ, તથા ૩૦૦ જેટલા સાધકોને રહેવા માટે રુમ બે સુન્યગાર, ચેકડેમ જેવી અન્ય સગવડો આપવામાં આવશે તેમજ મોટી વિશાળ જગ્યામાં કેન્દ્ર હોવાથી વધારે લોકો વિપશ્યતા ઘ્યાને કેન્દ્ર શીબીરનો લાભ લઇ શકશે.
ત્યારે વિપશ્યના ઘ્યાન કેન્દ્ર ગુજરાતમાં ૬, ભારતમાં ૮૮ અને વિશ્વભરમાં કુલ ૧૯૯ વિપશ્યનાનો સ્થાવી કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૧૦ દિવસની નિવાસીય શિબીરોનું સતત આયોજન થતું રહે છે. તે ઉપરાંત વિવિધ સ્કુલોમાં બાલ આનાપાન શિબીરો, યુવકો (૧પ થી ૧૯) વર્ષ માટે સાત દિવસીય શીબીરો, સાથે જ વિશ્વભરની જેલોમાં ૧૦ દિવસીય શિબીરો, ઉપરાંત જુના સાધકોનો લાંબી શિબીરનું સતત આયોજન થતું રહે છે.
વિપશ્યનાની બધી જ શિબીરો નિ:શુલ્ક હોય છે. વિપશ્યના લોકોના વિકારો (દુગુર્ણો) વધતા જાય છે. ત્યારે વિપશ્યનામાં મનોવિકારોને સાક્ષી ભાવે અનુભવ કરી અને તેનાથી મુકત થવાનું શીખવવામાં આવે છે. વિપશ્યના કરીયા બાદ લોકોનો સ્વભાવ તથા જીવન જીવવાની રીત બદલાઇ જતી જોવા મળે છે લોકો પોતાના ક્રોધ અને અહમ પર કાબુ કરી શકે છે અને મગજ શકિતમાં પણ વધારો થાય છે. લોકો સાથે ધટિત થતી ધટનાંઓને ભુલી આગળ વધી શકે છે. પોતાના જીવનમાં વિપશ્યનાથી પ્રેરિત થઇ લોકો પોતાના નિર્ણયો લઇ આગળ વધી શકે છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલાં રમેશભાઇ ઠકકર, જીતેશભાઇ કયાડા, પ્રવિણસિંહ ચાવડા, મહેશભાઇ માંકડીયા, વિજયભાઇ શાહ વિગેરેએ વિપશ્યનાં વિશે માહીતી આપી હતી.વિપશ્યના સાધના: ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમબુદ્ધ દ્વારા શોધ કરાયેલ પુરાતન વિધિકોઈપણ ઘટના, વસ્તુ સ્થિતિને તેના યથાર્થ સ્વભાવમાં જાણવું એટલે વિપશ્યના: તે મન અને શરીરને અનુભૂતિના સ્તરે જાણવાની એક વૈજ્ઞાનિકવિધિ છે
વિપશ્યના એ ભારતની પુરાતન સાધના વિધિ છે. ૨૫૦૦ વર્ષ પહેલા ગૌતમ બુદ્ધે તેની શોધ કરી હતી અને સામાન્યજનો માટે સુલભ બનાવી હતી. વિ-(વિશેષ રીતે જોવું)+પશ્યના-(જોવું). કોઈપણ ઘટના, વસ્તુ, સ્થિતિને તેના યથાર્થ સ્વભાવમાં જાણવું એટલે વિપશ્યના. તે મન અને શરીરને અનુભૂતિના સ્તરે જાણવાની એક વૈજ્ઞાનિકવિધિ છે.
આ સંસારમાં પ્રત્યેક વ્યકિત દુ:ખોથી મુકિત ઈચ્છે છે. જીવનભર સુખી થવા માટે તનતોડ મહેનત કરતો રહે છે પરંતુ દુ:ખનાં કારણોની વાસ્તવિક કારણની સમજ ન હોવાથી તેને દુર કરવાનાં અનેક પ્રયત્નો કરવા છતાં સફળતા મળતી નથી, વ્યકિત પોતે પોતાની ભુલ સ્વીકારવાને બદલે બીજાઓ પર દોષારોપણ કરે છે. સંસારનો દરેક ક્ષેત્રનો, દરેક પરંપરાનો, દરેક સંપ્રદાય, દરેક સમાજનો વ્યકિત માનસમાં કોઈને કોઈ કારણસર વિકારો જેવા કે ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષા, અહંકાર, લોભ, રાગ, દવેષ જગાવ્યે જ રાખે છે.
પરિણામ સ્વરૂપ બેચેન-વ્યાકુળ રહે છે. પોતે પણ અશાંત રહે છે, આસપાસના વાતાવરણમાં પણ અશાંતિ જ ફેલાવે છે. જો વિકાર ન જગાવીએ તો મનમાં સદભાવના-મૈત્રી કરૂણા જાગે છે, જેથી સ્વભાવત: જ મનુષ્ય સુખશાંતિનો અનુભવ કરે છે અને આસપાસના વાતાવરણમાં પણ સુખશાંતિ ફેલાવે છે. આ કુદરતનો સનાતન-સાર્વજનીન નિયમ છે. આ ઉપદેશ સમાજની બધી જ ધાર્મિક પરંપરાઓ, બધા જ ધર્મગુરુઓ, બધા જ ધર્મગ્રંથો આપે છે. બુદ્ધીના સ્તરે પણ આપણે આ બધું ખુબ સમજીએ છીએ. પરંતુ જયારે અપ્રિય ઘટના,
અપ્રિય સ્થિતિ, અપ્રિય વ્યકિતઓનો સંપર્ક થાય છે, પ્રિય સ્થિતિ, પ્રિય વ્યકિતનો વિયોગ થાય છે તો મનમાં વિકાર જાગી જ જાય છે. જીવનભર આ કામ ચાલ્યા જ કરે છે. પ્રતિકૂળ ઘટનાઓ ઘટવા છતાં-મનોનુકુળ ઘટનાઓ ન ઘટવા છતાં મનમાં વિકાર ન જાગે એ શું સંભવ છે ? આ સમસ્યાનો ઉપાય વિપશ્યના સાધનામાં રહેલો છે.
આજે દુનિયાભરનાં લોકોના માનસમાં વિકારો (દુર્ગુણો) વધતા જ જાય છે અને તેના સંદર્ભિત મનોદૈહિક રોગો વધતા જ જાય છે, સાથે સાથે તેનો ઉપચાર કરનારા મનોચિકિત્સકો પણ વધી રહ્યા છે તેમ છતાં પણ યોગ્ય પરિણામો મળતા નથી.
જયારે વિપશ્યનામાં મનોવિકારોને સાક્ષી ભાવે અનુભવ કરી અને તેનાથી મુકત થવાનું શીખવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જયારે ક્રોધ જાગે છે તો તરત જ શ્વાસની ગતિ તેજ થઈ જાય છે અને શરીરમાં જલનની સંવેદના થવા લાગે છે. જો આ વખતે કેવળ શ્વાસ અને શરીર પર થતી સંવેદના અનુભૂર્તિનાં સ્તરે જાણવા લાગીએ છીએ તો ક્રોધની તાકાત ક્ષીણ થવા લાગે છે અને ધીમે ધીમે છુટકારો થવા લાગે છે. આ જ વાત અન્ય મનોવિકારો માટે લાગુ પડે છે.
ગુજરાતમાં ૬, ભારતમાં ૮૮ અને વિશ્વભરમાં કુલ ૧૯૯ વિપશ્યાનાના સ્થાયી કેન્દ્રો કાર્યરત છે. જેમાં ૧૦ દિવસની નિવાસીય શિબિરોનું સતત આયોજન થતું રહે છે. તે ઉપરાંત વિવિધ સ્કૂલોમાં બાલ આનાપાન શિબિરો, યુવકો (૧૫ થી ૧૯ વર્ષ) માટે ૭ દિવસીય શિબિરો, વિશ્વભરની જેલોમાં ૧૦ દિવસીય શિબિરો, ઉપરાંત જૂના સાધકો માટે લાંબી શિબિરોનું સતત આયોજન થતું રહે છે.
બધી જ શિબિરો નિ:શુલ્ક હોય છે. પરંતુ શિબિરોનો ખર્ચ જૂના સાધકોએ આપેલ સ્વૈચ્છિક દાન પર નિર્ભય રહે છે. ૧૯૬૯ થી ૨૦૧૯ સુધીમાં ૫૦ વર્ષમાં વિશ્વભરમાં અંદાજે ૧૬ લાખ લોકોએ વિપશ્યનામાં ભાગ લીધો છે અને સુખી જીવન જીવવાની કળા હસ્તગત કરી છે અને હાલમાં વર્ષે લગભગ દોઢ લાખ લોકો વિપશ્યનાની શિબિરોમાં જોડાય છે.
વર્ષ ૨૦૦૦માં ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સનાં હેડ કવાર્ટર ખાતે મિલેનિયમ વર્લ્ડ પિસ સમિટ’નું આયોજન થયેલ. જેમાં વિશ્ર્વભરમાંથી ૨૦૦ ઉપરાંત ધર્મગુરુઓને નિમંત્રણ આપવામાં આવેલ. અનેક ધર્મગુરુઓ વચ્ચે અસંમજસ્ય ભરી ચર્ચા ચાલી કે આજે વિશ્વભરમાં ધાર્મિક રૂપાંતરણ (ધર્માન્તરણ)ની બહુવિધ પ્રવૃતિઓ ચાલી રહી છે.
જે સમગ્ર માનવ સમાજ માટે અનેક સમસ્યાઓનું, તણાવોનું, દૌર્મનસ્યનું કારણ બને છે, તો આનો શું ઉપાય હોઈ શકે ? જયારે ગોએન્કાજીનો વકતવ્ય આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આજે સમગ્ર મનુષ્યજાત કોઈને કોઈ મનોવિકારથી પીડિત છે, દુ:ખી છે, બેચેન છે તો પ્રત્યેક સમાજના લોકોના મનોવિકારો દૂર થાય અને રૂપાંતરણ દુ:ખમય જીવનથી સુખમય જીવન તરફ થાય, અંધકારમય જીવનથી પ્રકાશમય જીવનમય તરફ થાય, ક્રુરતાથી કરૂણા તરફ થાય તેના હું સમર્થનમાં છું.
કોઈપણ વ્યકિત જો મનમાં ક્રોધ જગાવે છે તો તરત જ તે અંદરથી સળગવા લાગે છે. મનમાં નારકીય અગ્નિનું બીજ વાવે છે તો વર્તમાનમાં પણ સંતાપિત થાય છે અને ભવિષ્યમાં પણ તે બીજ નારકીય અગ્નિની જવાળાઓ સ્વરૂપે જ ફળ આપતું રહેશે, આ કુદરતનો સનાતન-સાર્વજનીન નિયમ છે, જે હિંદુ, મુસ્લિમ, જૈન, શીખ, ઈસાઈ, પારસી, બૌદ્ધ એમ તમામ પરંપરાનાં લોકો પર એક સમાન રીતે લાગુ પડે છે.
કુદરત કોઈનો પક્ષાપાત કરતી નથી. કોઈપણ પરંપરાનો, કોઈપણ દેશનો, કોઈપણ સંપ્રદાયનો, કોઈપણ જાતિનો વ્યકિત હોય, તે જો મનમાં મલિનતા જગાવે છે તો તરત જ દુ:ખી થઈ જાય છે અને આસપાસના વાતાવરણમાં પણ દુ:ખ જ ફેલાવે છે. જો વ્યકિત મનમાં મૈત્રી, કરૂણા, સદભાવના જગાવે છે, તો પોતે સ્વયં પણ સુખી રહે છે અને આસપાસના વાતાવરણમાં પણ સુખશાંતિ જ ફેલાવે છે.
સૌથી મુશ્કેલ, હાડમારી અને જવાબદારીયુકત સેવામાં પોલીસ પરિવારોનાં મનની શાંતિ અર્થે માર્ચ-૧૯૯૯માં ૧૨૦૦ પોલીસ કર્મચારીઓ માટે એક સફળ શિબિરનું સંચાલન કર્યું હતું. પરીણામ સ્વરૂપે પોલીસ કર્મચારીઓમાં તણાવ દૂર થવા લાગે છે, તેનો સમાજનાં લોકો પ્રત્યેનો વ્યવહાર સુધરવા લાગે છે અને સમાજ સુધારણાનાં એક મહત્વપૂર્ણ કાર્યનો આરંભ થવા લાગે છે. સ્કૂલોમાં બાલાઆનાપાન શિબિરનું એક દ્રશ્ય.
જે બાળકો ફકત ૧૦ મિનીટ નિયમિત આનાપાનાનો અભ્યાસ કરે છે. તેમનું મન શાંત થતું જાય છે અને ચિડીયાપનું, પરિક્ષાનો ભય, ક્રોધ, બેચેની ક્રમશ: ઘટવા લાગે છે, અભ્યાસમાં અને ઈતર પ્રવૃતિઓમાં તે ખુબ સારો દેખાવ કરવા લાગે છે અને માનવ સમાજને ચારિત્રવાન ઉતમ નાગરીકોની ભેટ મળે છે. જેના અનુસંધાને આજે વિવિધ સ્કૂલોમાં એક લાખ કરતા વધુ બાળકો આનાપાનાનો અભ્યાસ કરતા થયા છે. આ ૧૦ મીનીટનાં આનાપાનનો અભ્યાસ ૮ વર્ષથી ઉપરની ઉમરની કોઈપણ વ્યકિત કરી શકે છે.
૧૯૭૫માં ગોએન્કાજીએ જયપુરની સેન્ટ્રલ જેલ ખાતે ૧૨૦ કેદીઓ માટે પ્રથમ શિબિર લગાવી હતી. જેના લાભ જોઈને ભારતની તિહાર જેલમાં વિભાગ નંબર ૪માં તા.૪ થી ૧૫ એપ્રિલ, ૧૯૯૪ દરમ્યાન એક ૧૦ દિવસીય શિબિર ૧૦૦૦થી વધુ કેદીઓ માટે યોજાઈ હતી. ત્યારથી માનનીય કિરણ બેદીજીનાં સહયોગથી તિહાર જેલમાં આજપર્યંત કેદીઓ માટે ૧૦ દિવસની શિબિરો નિયમિત યોજાય રહેલ છે અને પરીણામરૂપે દેશવિદેશની અનેક જેલોમાં ૧૦ દિવસીય શિબિરોનું આયોજન થતું રહેલ છે.
શિબિર પુરી કર્યા બાદ પ્રત્યેક કેદીએ વાતનો સ્વીકાર કરે છે કે અત્યાર સુધી હું માનતો હતો કે મને આ સજા અમુક વ્યકિતને કારણે મળી, જેલમાંથી બહાર નીકળીને હું પહેલું કામ તેનો બદલો લેવાનું કરીશ. પરંતુ શિબિર કરવાથી સ્વયં સત્યનો અનુભવ છે અને સમજાય છે કે મને થયેલ સજા માટે બીજું કોઈ નહિ પણ હું પોતે જ અંગત રીતે જવાબદાર છું, મને મારા કર્મોનું જ ફળ મળ્યું છે અને ભવિષ્યમાં દુષ્કર્મ ન કરવા માટે પ્રેરિત થાય છે.
હાલમાં સરકારનાં જુદા-જુદા વિભાગનાં કર્મચારીઓને વિપશ્યના શિબિર કરવા માટે ચાલુ પગારે રજા આપવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ, ગૃહવિભાગ (પોલીસ કર્મચારીઓ), રેલવે વિભાગ, જિલ્લા પંચાયત હસ્તકની સ્કુલના શિક્ષકો એમ અનેક કર્મચારીઓ હાલ ઓનડયુટી વિપશ્યના શિબિરોમાં સામેલ થઈ રહ્યા છે. વધુ માહિતી માટે રાજેશભાઈ પટેલ મો.૯૪૨૭૪ ૩૫૫૬૦, પ્રકાશભાઈ ડાંગર મો.૯૮૯૮૨ ૬૩૬૪૭, અમિતભાઈ સંઘવી મો.૯૪૨૮૩ ૪૫૬૭૧, રમેશભાઈ ઠકકર મો.૯૯૦૯૯ ૭૧૧૧૬, વિનોદભાઈ રાયચુરા મો.૯૭૨૭૧ ૧૩૮૯૧, રાજકોટ સીટી ઓફિસ મો.૭૮૭૮૭ ૨૭૨૨૩નો સંપર્ક કરી શકાય છે.