ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન પરમીશન સિસ્ટમની ક્ષતીઓ અંગે ક્રેડાઇએ કરેલી રજૂઆત બાદ સરકારનો નિર્ણય: બિલ્ડરોની દિવાળી સુધરી

ઓનલાઈન બિલ્ડીંગ પરમીશન પ્લાન સિસ્ટમની અમલવારીથી છેલ્લા પાંચ માસથી રાજયભરમાં બાંધકામ ઉધોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. સોફટવેરમાં અનેક ખામીઓના હિસાબે પ્લાન ઈનવર્ટ થતા ન હોવાના કારણે બિલ્ડરો અને આર્કિટેકટ તોબા પોકારી ગયા હતા. આ નવી સિસ્ટમમાં રહેલી ક્ષતિઓ અંગે ક્રેડાઈ ગુજરાત દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ અનેક વખત રજુઆત પણ કરવામાં આવી હતી.

ગઈકાલે ક્રેડાઈ અને રાજય સરકાર વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી ત્રણ માસ સુધી રાજયભરમાં ઓફલાઈન બિલ્ડીંગ પરમિશન પ્લાન સ્વિકારવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજયભરમાં બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજયમાં ફરી રીયલ એસ્ટેટ ક્ષેત્રે દિવાળી આવે તેવા સુખદ એંધાણ વર્તાય રહ્યા છે.

રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે ગત ૧લી મેથી રાજયભરમાં ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન્ટ પરમીશન સિસ્ટમની અમલવારી શરૂ કરવામાં આવી હતી. કોઈ પણ બિલ્ડર કે આર્કિટેકટે બિલ્ડીંગ માટે પ્લાન મુકવો હોય તો તે ઓનલાઈન જ મુકી શકે તેવો નિયમ હતો.

ઓફલાઈન પ્લાન સ્વિકારવામાં આવતા ન હતા. ૨૦૦થી વધુ લેયરવાળી સિસ્ટમ અને સોફટવેર હોવા છતાં આ નવી પઘ્ધતિમાં અનેક ખામીઓ હોવાના કારણે રાજયભરમાં બિલ્ડીંગ પ્લાન ઈનવર્ટ ન થતા હોવાના કારણે બિલ્ડરોમાં હાહાકાર મચી ગયો હતો. રાજયભરમાં ૫ હજારથી વધુ પ્લાન પેન્ડીંગ હતા.

આ અંગે ગુજરાતમાં બિલ્ડરોની જાણીતી સંસ્થા ક્રેડાઈ દ્વારા રાજય સરકાર સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં રાજયભરની તમામ મહાનગરપાલિકા અને સતામંડળોને ક્રેડાઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

કે જો ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પરમીશન પઘ્ધતિમાં રહેલી ક્ષતિઓ તાત્કાલિક અસરથી દુર કરવામાં નહીં આવે તો બિલ્ડરો દ્વારા બિલ્ડીંગ પ્લાન્ટ ઈનવર્ટ કરાવવાનું બંધ કરી દેવામાં આવશે જેની વ્યાપક અસર જોવા મળી હતી. રાજયભરમાં છેલ્લા પાંચેક માસથી બાંધકામ ઉધોગ લગભગ ઠપ્પ જેવી હાલતમાં છે. પ્લાન ઈનવર્ટ ન થવાના કારણે કેટલાય પ્રોજેકટો રઝળી રહ્યા છે.

ગઈકાલે રાજય સરકાર અને ક્રેડાઈ ગુજરાત વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ત્રણ મહિના સુધી ઓફલાઈન બિલ્ડીંગ પ્લાન્ટ સ્વિકારવામાં આવશે એટલે કે બિલ્ડરો અને આર્કિટેકટ જુની પઘ્ધતિ મુજબ મેન્યુઅલી અધિકારી સમક્ષ બિલ્ડીંગ પ્લાન મંજુરી માટે રજુ કરી શકશે.

ઓનલાઈન બિલ્ડીંગ પ્લાન પરમિશન સિસ્ટમના સોફટવેરમાં રહેલી ક્ષતિઓ દુર થયા બાદ આ સિસ્ટમ ફરીથી શરૂ કરી દેવામાં આવશે. રાજય સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં બિલ્ડરોની દિવાળી સુધરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજયમાં ફરી બાંધકામ ઉધોગ ધમધમવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.