જયદેવે ભામા ઝાલાને પાણી ચડાવ્યું કે “સિંહો કી નહી લેંહડે, હંસો કી નહી પાંત !

ફોજદાર જયદેવ મુળી પોલીસ સ્ટેશનમાં હુકમ થતા હાજર થઈ ગયેલ પણ નિયમ મુજબ જીલ્લા પોલીસ વડાને કોલ ઓન કરવા માટે સુરેન્દ્રનગર તુરત જવું જોઈએ પરંતુ જયદેવ ચાર-પાંચ દિવસ પછી ગયો.

સુરેન્દ્રનગર જીલ્લાનાં પોલીસ વડાએજ તમામ વાતો, બાબુભૈયા ખૂન કેસ, ગોસાઈ, મુળીનું રાજકારણ, ફોજદારોનું સીકમાં જતા રહેવું અને સરલા ગામનો ખૂન કેસ અને સી.આઈ.ડી. ક્રાઈમની તપાસ અંગે જ ચર્ચા કરી. તેમજ જણાવ્યું કે ઉચ્ચ અધિકારીઓની તીવ્ર ઈચ્છા છે કે સરલા ખૂન કેસનો આરોપી વજુ કરપડા જલ્દી પકડાઈ જાય. જોકે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ તથા ટાસ્ક ફોર્સ પણ આ આરોપી વજુ કરપડાને પકડી શકી નથી તેનો પણ અફસોસ કર્યો. જયદેવે ટાપસી પૂરી કે કદાચ આરોપી જીલ્લો છોડીને રાજકોટ અમરેલી કે જૂનાગઢ જીલ્લામાં નાસી ગયો હોય, પરંતુ પોલીસ વડાએ કહ્યુંના પાકા સમાચાર છે. કે મૂળી તાલુકામાં જ છે. મોટા માથાઓનો સાથ અને સહકાર છે. જયદેવે તેનો અર્થ એ કર્યો કે પોલીસ વડા પણ મૂળી થાણાની પોલીસ અને રાજકીય ચોપાટથી સંપૂર્ણ માહિતગાર હતા પરંતુ આ સરલા ખૂન કેસનો આરોપી તાત્કાલીક પકડાય જાય તેવી તેમની ઈચ્છા, સુચના અને તાલાવેલી પણ હતી જયદેવે તેમને પોતે પોતાના તમામ પ્રયત્નો કરશે તેમ વિશ્ર્વાસ આપ્યો. પરંતુ પોલીસ વડાએ જયદેવને એલ.સી.બી.ના ફોજદાર ઝાલાને મળતા જવાનું ખાસ કહ્યું.

એલ.સી.બી.ના ફોજદાર ઝાલા પ્રમોટી ફોજદાર હતા. અને જયદેવની જ બેચના અને બંને જણા અરસ પરસ સુપરિચિત હતા જયદેવ આમેય તેમને મળવા જવાનો જ હતો. ફોજદાર ઝાલાએ જયદેવને પહેલા તો ધ્રાંગધ્રા ને બદલે મુળી મૂકવા બદલ અફસોસ વ્યકત કર્યો. તેમણે પણ મૂળીની તમામ પ્રકારની પરિસ્થિતિની વાત કરી. અને ખાસ સલાહ આપી કે આપણી તો બદલીઓ થતી જ રહે પણ એવું કામ ન કરવું કે જેથી આપણે બહાના રૂપ બનીએ.જયદેવે કહ્યું હવે હમણા તો મારી મુળીમાંથી કોઈ સંજોગોમાં બદલી નહી થાય કોઈ વિકલ્પ જ નથી. બાકી રહ્યું મુળીમાં જે હવે કામ કરવાનું છે તે મારે બહાના રૂપ બનવા જેવું જ રહેલ છે. એટલે તે કર્યા સિવાય છૂટકો પણ નથી ને? તેઓ દુ:ખ સાથે સહમત પણ થયા.

બાદ જયદેવ ટાસ્કફોર્સના ફોજદારને મળ્યો તેમણે તો આખા મુળી તાલુકા અને મુળી ગામને જ નાલાયક જાહેર કરી દીધું તેમની પાસેથી જ જયદેવ ને જાણવા મળ્યું કે થોડા દિવસો પહેલા તેઓએ ટાસ્ક ફોર્સ તથા પોલીસ હેડ કવાર્ટરની પોલીસ સાથે મુળી બજારમાં વરલી મટકાના જુગારની રેઈડ કરેલી તો તેમના ઉપર હુમલો થયેલ અને પથ્થરમારો પણ થયેલ વધુમાં તેમણે તો ભૂતકાળમાં કયા કયા અધિકારીઓ ઉપર હુમલા થયેલ તથા એક ઉચ્ચ પોલીસ અધિકારી તથા અન્ય અધિકારીઓ પણ મુળી થાણામાં હાજર હોવા છતાં લોકોનું ટોળુ આવી થાણાના લોક અપમાં પૂરેલ દારૂ પીધેલ ઈસમને ભગાડીને ! લઈ ગયેલાની જુની વાતો કરી. જયદેવે હળવા ટોનમાં કહ્યું ‘ તો શું તેમને કાયદો લાગુ ન પડે?’, આ સાંભળીને તેઓને ઓછું આવ્યું હોય તેમ લાગ્યું અને ઉગ્ર થઈ ને બોલ્યા ‘તો બાપુ તમે કાયદો લાગુ પાડી દેજો!’ પરંતુ જયદેવે હસતા હસતા કહ્યું એમ નહિ સાહેબ, સમય સમય બલવાન હે નહિ મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટીયો વહી ધનુષ્ય વહી બાણ! ભલે પોલીસ મુળીમાં કાયમ પીછેહઠ કરતી હોય, કયારેક તો કુદરત ‘કાબા’ની જેમ મોકો આપશે ને?’ તેઓ બહુ ઉશ્કેરાઈ ગયેલા તેથી બોલ્યા ‘હા મોકા ની રાહ જોજો, હજુ ચાર પાંચ દિવસ જ થયા છે. અહીથી જઈને થોડા દિવસમાં જ કેટલાય સાંપને તમારે પકડવાના જ છે. અને જો લોકોને હાથ જોડતા ન થઈ જાવ તો મને ફટ કહેજો!’ જયદેવે વિનયથી જ વધુ પુછયું ખરેખર એવા કયા કયા પ્રસંગો છે કે ફોજદારે હાથ જોડવા પડે?

તેમણે કહ્યું કે એક તો મુળી આખુ ગામ જ લગભગ દરબાર પરમારોનું છે. તેમાં વળી ઘર દીઠ લગભગ એક એક નિવૃત પોલીસ કર્મચારીઓ કોન્સ્ટેબલની રેન્કથી લઈ હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, ફોજદાર, પોલીસ ઈન્સ્પેકટર અને ડીવાયએસપી સુધીની રેન્કના અધિકારીઓ ગામે રહે છે.

મુળી પોલીસ સ્ટાફ બાજુના જકાત નાકાથી આગળ ગામમાં પણ લગભગ જતો નથી કોઈ નાની અમથી મારામારી જે એન.સી. જેવો જ ગુન્હો હોય તો પણ પક્ષકારો પાસે એકાદ નિવૃત કાયદે આઝમ ચડી જાય એટલે સીધો જ રાયોટીંગનો ગુન્હો બનાવી દે જેટલા સભ્યો પછી ભલે બહારના કે ખેતરે ગયા હોયતેમના નામ પણ ઉમેરી દે વળી સામાન્ય મારામારી થઈ હોય તો પણ ખૂનની કોશિષની ખોટી એફઆઈઆર લખાઈ ને તૈયાર જ આવે તેમાં તહોમતદારોના નામ હથીયારો, સાહેદો, ગુન્હાની જગ્યા અને સમય સહિત રેડીમેઈડ જ હોય પોલીસે તો ફકત કોલમ ભરીને એફઆઈઆર જ લખવાની હોય. પોલીસને આવો ખોટો સેશન્સ કોર્ટ ટ્રાયલ ગંભીર ગુન્હો નોંધવો એટલે ઉપરી અધિકારીઓ ધૂળ કાઢી નાખે કે ખોટોનોંધ્યો જ કેમ? એટલે પોલીસે હાથ જોડીને તેમને વિનંતી કરવાની કે ખોટુ રહેવા દો ને ભાઈ સાહેબ, ત્યાં સામે પક્ષે પણ કોઈક નિવૃત પોલીસ કર્મચારી અધિકારી હોય જરૂતે પણ ઉપર પ્રમાણેની તૈયાર ખોટી એફઆઈઆર રાયોટીંગ વીથ એટેમ્પ્ટ ટુ મર્ડરની લેખીતમાં જ લઈને આવે. વળી પોલીસ,ખાસ તો ફોજદારે જ ખોટી ફરિયાદ નહી કરવા માટે હાથ જોડીને વિનંતી કરવાની કે રહેવાદોને ભાઈ સાહેબ તમે પણ એક વખત પોલીસ ખાતામાં હતા, મજબુરી સમજો તો સા‚ આમ પોલીસ ઉપર પક્ષકારો અને ગુનેગાર જ હાવી થઈ જાય ત્યાં પોલીસ તો બીચારી જ ! જયદેવની સમક્ષ ભવિષ્યનો વધુ એક વિકટ કોયડો કે કોઠો વિંધવાનો પ્રશ્ર્ન આવી ને ઉભો રહ્યો. પણ જયદેવે નકકી કર્યું કે સારૂ કર્યું વહેલા આ પ્રશ્ર્ન સામે આવી ગયો કે વિચારવા અને આયોજન કરવાનો સમય તાે મળી ગયો! ટાસ્કફોર્સના ફોજદારે બીજી એક વાત કરી કે ગુન્હા કે ગેંગવોર થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનશે અને ઉજાગરો મુળી ફોજદારે કરવાનો કેમકે થાનગઢની ગેંગ વોરનાં એક પક્ષકાર મૂળીના ગામડાઓ રામપરડા, વેલાળા, દેવપરા વિગેરેમાં રહેતા કાઠી છે. એટલે પકડવાની રામાયણ પણ તમારે જ કરવાની છે. જયદેવે ટાસ્કફોર્સના ફોજદારનો આભાર માની રવાના થયો.

મુળી જતા જતા રસ્તામાં જયદેવ વિચારતો હતો કે જે મળે છે તે કાંઈક ને કાંઈક મુશ્કેલી અને તકલીફ વાળી વાતો જ કરે છે. કોઈ નિમણુંકના અભિનંદનતો આપતુ નથી પરંતુ જયદેવ મકકમ પણે માનતો હતો. કે ‘દુ:ખનું ઓસડ દાડા (સમય) છે.’ એટલે સમય સમયનું કામ કરતો રહેશે. આપણે નાહિંમત થયા વગર ધીરજ રાખી પુરૂષાર્થ ચાલુ રાખવો. પરંતુ અત્યારે સૌ પ્રથમ અગ્રતાના ધોરણે કરવાનું કામ હતુ સરલા ગામના કાઠી વજુને પકડવાનું. આ વજુ કરપડા પકડાય અને સીઆઈડી ક્રાઈમ તેની પૂછપરછ કરી તેનું નિવેદન લે અને તેમાં જે જે પોલીસ અને પબ્લીકના માણસોનાં તે જે નામ આપે એટલે પાછી મુશ્કેલીઓની વણઝાર ચાલુ થાય તે આરોપીઓને પકડવાના જયદેવે.વળી આના ‘બહાના રૂપ’ પણ જયદેવ જ બને ! પરંતુ કામ કર્યા સિવાય કોઈ છૂટકો પણ નહતો.

જયદેવ માટે મોટો પ્રશ્ર્ન હતો આ વજુ કરપડાને જોયે ઓળખે કોણ? કોઈ પોલીસ સ્ટાફઆ વજુને પકડવા સાથે આવવા સ્વેચ્છાએ તૈયાર થાય કે કેમ? જો પરાણે સાથે આવે તો વજુ હાજર હોય તો પણ ઈચ્છા નહોય તો ઓળખે પણ નહિ. કેમકે સ્વેચ્છાએ કરેલુ કામ જ સફળતા અપાવે બાકી વેઠ!

સારા જમાદારો શકિતસિંહ, મંગળસિંહ, જસુભા, જયુભા અને પ્રતાપસિંહ કદાચ સાથે આવવા તૈયાર પણ થાય પરંતુ તે પછી તે પક્ષકારમાં ગણતરી થતા હથીયાર બુઠા થઈ જાય તેમની પાસેથીબીજા ઘણા કામ લેવાના હતા. એટલે જયદેવે ફરીથી જમાદાર સવાઈ રીબેરો ઉર્ફે ભામા ઝાલા ઉર્ફે ભારતસિંહને વિશ્રામગૃહમાં બોલાવ્યા, થોડી આડી અવળી વાતો કરી તેમનો રોફ અને તાબાના માણસો પાસેથી કામ લેવાની આવડત તથા તેમની શિસ્તના વખાણ કર્યા એટલે ભારતસિંહ ફૂલફોર્મમાં આવી ગયા અને બોલ્યા ‘સાહેબ આતો ઉમર થઈ, આ ઉંમરે સાયકલ શીખુ તો પણ ભુંડો લાગુ તે મારી મજબુરી છે, બાકી હું ભુકા કાઢી નાખુ હું ભામા ઝાલા શું? જયદેવને લાગ્યું કે જમાદાર છે જુસ્વાવાળા તેથી ઉપયોગમાં લેવા પ્રયત્ન કરીએ તો કાંઈ ખોટું નહિ જયદેવે સીધુ જ કહી દીધું ‘આપણે એમ કરી કે આ સરલા ગામનાં વોન્ટેડ વજુ કરપડાને પકડી લઈએ તમેતો ઓળખો જ છો પછી કયાં પ્રશ્ર્ન છે. ‘ભારતસિંહે ફોર્મમાં ને ફોર્મમાં તુરત હા પાડી દીધી’, હા તેનાથી હું થોડો ફાટી પડુ છું?’

જયદેવે કહ્યુંં એમ કરીએ આજે સાંજે રોલકોલમાં તમામ પોલીસ દળની હાજરીમાં હું એક યોજના મુકીશ કે મુળીના એક બહુ ચર્ચિત વોન્ટેડ આરોપીને પકડવા જવાના અભિયાનમાં કોણે કોણે જોડાવું છે? જોઈ એ તો ખરા કોણ કોણ જીગરવાળા છે ભારતસિંહ કહે ભલે સાહેબ.

સાંજે આઠ વાગ્યે મૂળી પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફની હાજરીમાં જયદેવે જાહેરાત કરી કે મૂળીના એક બહુ ચર્ચિત વોન્ટેડ આરોપીને પકડવા જવાના અભિયાનમા કોણ કોણ સ્વેચ્છાએ જોડાવા માંગે છે? હાથ ઉંચા થયા એજ શકિતસિંહ, પ્રતાપસિંહ, જસુભા અને જયુભા બે અન્ય એ આંગળી ઉંચી કરી એકતો સવાઈ રીબેરો ઉર્ફે ભારતસિંહ અને બીજા જોરાવરસિંહ ઉર્ફે જે.કે. જયદેવે હાથ ઉંચા કરેલ જવાનોનેપાણી ચઢાવતા કહ્યું વાહ મર્દો હજુ પણ પડયા છે.તમે પેલા સુભાષીત ‘બહુરત્ના વસુંધરા’ ને સાચુ ઠેરવી દીધું જયદેવે આ તમામને વાળુ પાણી કરી રાત્રે વિશ્રામગૃહમાં મીટીંગમાં આવવા જણાવ્યું પણ મુત્સ્દીગીરીથી શકિતસિંહ, પ્રતાપસિંહ અને જસુભા તથા જયુભાને ખાનગીમાં બોલાવી રાત્રે વિશ્રામગૃહમાં આવવાની ના પાડી દીધી. પાછળ હવે બે જણા રહ્યા હતા રીબેરો અને જે.કે.!

રાત્રે સાડા નવ વાગ્યે જયદેવ વિશ્રામગૃહમાં વાળુ પાણી કરીને બેઠો ત્યાં એક યુવાન આવ્યો નમસ્તે કહીને કહ્યું સાહેબ હું જમાદાર જોરાવરસિંહ ઉર્ફે જે.કે.નો પુત્ર છું મારા પપ્પાને અત્યારે તાવ આવ્યો છે. એટલે નહિ અાવે.જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ દવા, લીધી કે કેમ તે પણ પુછયું. રાત્રીના દસેક વાગ્યે ભારતસિંહ ઝાલા દેખાયા પટ્ટાવાળી ડીઝાઈનનો લેંધો ઉપર સફેદ પોપલીનનું છઠીયું આંખે ચશ્મા એક હાથમાં ધોકો બીજા હાથમાં પાંચ સેલની ટોર્ચને ધીમા ખોંખારા ખાતા ખાતા ચાલ્યા આવે જયદેવે તેમને આવકાર્યા અને ખુરશી ઉપર પરાણે બેસાડયા પછી ભારતસિંહે જ પુછયું કે જો‚ભા કે કોઈ હજુ આવ્યા નથી? જયદેવે કહ્યું જો‚ભાને તાવ આવ્યો છે એટલે નથી. આવ્યા,બાકીના ને મેં જ ના પાડી દીધી કે એક ભારતસિહ વિશ્રામગૃહ પાસે રહે છે હું તેમને મળી લઈશ તેમ કહ્યું છે એટલે નથી આવ્યા. આથી ભારતસિંહ જમાદાર બોલ્યા ‘સાહેબ આતો હું ભામા ઝાલા મુળીમાં ટકી શકુ બાકી મૂળીના પરમારો સામે જો‚ભાને તો શુંં પણ પાંચ પાંચ ફોજદારો અને એલ.સી.બી. તથા ટાસ્કફોર્સને પણ તાવ આવી જાય છે હો!

જયદેવે સીધી જ વાત કરીકે અત્યારે નીકળીશું? ભારતસિંહ બોલ્યા આપણે બેજ જણા? જયદેવે ભારતસિંહ ઉર્ફે સવાઈ રીબેરોને પાનો ચડાવવાપેલુ સુભાષીત લલકાર્યું ‘સિંહો કી નહિ લેંહડે ઔર હંસો કી નહિ પાંત,સિંહના કોઈ ટોળા ન હોય અને હંસોની લાંબીહારો ન હોય ભારતસિંહ ! ભારતસિંહ બોલ્યા ભલે ભલે સાહેબ હું ડ્રેસ ચડાવી ને આવું છું વાહન શું લેશું? જયદેવે કહ્યું ‘ભારતસિંહ એમ કરો સવારે સાડા ચાર વાગ્યે આવો આપણે બે જણા મોટર સાયકલ ઉપર વજુને નાખીને લઈ આવીશું ભારતસિંહ કહે ભલે સાહેબ અને ગયાં.

વિશ્રામગૃહમાં વહેલી સવારે ચાર વાગ્યે જ ભારતસિંહ ડ્રેસ પહેરીને ધોકા તથા બેટરી સાથે આવી ગયા!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.