“સજીધજીને બેઠેલી રીસેપ્શનિસ્ટ અને વેઈટીંગ લોંજમાં સ્પ્રેની ધીમી અને મીઠી સુગંધ પ્રસરી રહી હતી, કોના બાપની દિવાળી ?”
શ્રી માન ૪૨૦
ઉંઝા પોલીસ ઈન્સ્પેકટર જયદેવે સ્વેચ્છાએ ઉંઝાથી બદલી માટે મોકલેલા રીપોર્ટના પરીણામની તે રાહમાં હોવા છતા પોતાની દૈનીક ફરજની કાર્યવાહીમાં કોઈ પ્રકારની ઉણપ કે ક્ષતિ ન રહે તે માટે પુરી તકેદારી રાખી આળસ વગર પુરી ક્ષમતાથી પોલીસ સ્ટેશનની કાર્યવાહી કર્યે જતો હતો.
તે સમયે મોબાઈલ ફોનની સુવિધા રાજયમાં હજુ મર્યાદિત ધોરણે શરૂ થઈ હતી. મોબાઈલ કવરેજ કનેકટીવીટી માટેના ટાવરો મુખ્ય ધોરી માર્ગો ઉપર ઉભા થઈ ગયા હતા પરંતુ દુર ગ્રામ્ય વિસ્તાર હજુ કવરેજ એરીયા બહાર હતો. તે સમયે મોબાઈલ ફોન ચાર્જ આઉટ ગોઈંગ એક મીનીટના રૂ. ૬.૪૦ પૈસા અને ઈન્કમીંગ ચાર્જ તેનાથી અર્ધો હતો. સમય સાથે ચાલવાથી જ સફળ થવાય તે ન્યાયે જયદેવે પણ મોબાઈલ ફોન લીધેલો. જો કે તે સમયે મોબાઈલ ફોન સ્ટેટસ સીમ્બોલ હતુ તેથી કટાક્ષ ભરી દ્રષ્ટિએ પણ જોવાતું. પરંતુ આ સાઘનનો ઉપયોગ કરી જયદેવે ખુબ લાંબા સમયથી વોન્ટેડ અને હજુ પણ ગુન્હા કરતો વોન્ટેડ એવા આંતર જિલ્લા મહાઠગને પકડી પાડેલો. જો કે તે સમયે હજુ કોલ ડીટેઈલ કે ટાવર લોકેશન જેવી સુવિધા પ્રાપ્ત થઈ ન હતી. છતા જયદેવે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ યુકિત યુર્વક મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને આરોપીને મગરૂથી પકડી પાડેલો.
આ મહાઠગ રજત પટેલ તો દિલ્હીના ઠગો ને પણ ઝાંખા પાડી દે તેવો હતો. રજત મુળ તો ભાવનગર નો હતો પણ વર્ષોથી અમદાવાદ રહીને પાકકો અમદાવાદી થઈ ગયો હતો. આ રજત પટેલે પોતાની ઠગાઈ માટેના અનેક અડ્ડા અમદાવાદમાં જ ઉભા કર્યા હતા. પરંતુ રજતની પધ્ધતિ એવી હતી કે જે વેપારીઓ ઝડપથી વધુ પૈસા બનાવી લેવાની લાલચ વાળા અને પૈસાપાત્ર હોય તેવા વેપારીઓનો જ કડદો કરતો.
રજતને અમદાવાદમાં ઠેક ઠેકાણે મોટા માલ ગોડાઉનો હતા.રજત પટેલની વેપારીઓને ઠગવાની પધ્ધતિ અદ્રિતીય હતી. પોતે સફેદ લેંધો ઝબ્બો પહેરી, લકઝરીયસ કારમાં ઠાઠ માઠથી રાજયનાં મોટા શહેરોના બજારો કે માર્કેટ યાર્ડમાં જઈ શરૂઆતમાં બે ત્રણ વખત શરાફી ધોરણે માલ ખરીદી નાણાંકીય વહીવટ વેવારીક ધોરણે કરી દેતો અને પોતાની શરાફી વેપારીની શાખ જમાવી દેતો. રજત એક ઠગાઈ વખતે જે પેઢીના નામે કરી હોય અને જે લેટરપેડ, બીલ, બેંકના ચેક ડ્રાફટ હોય તે બીજી ઠગાઈ વખતે તમામ બદલાઈ જતુ અરે ઓફીસનું સરનામુ તો શું ઓફીસ જ અલોપ થઈ ને બીજે ઉભી થઈ જતી.
જે શહેરમાં તેણે બે ચાર ખરીદીના વ્યવહાર શરાફી ધોરણે કર્યા હોય તે શહેરની માર્કેટમાં બે ચાર વેપારીઓનો લાખો રૂપીયા નો માલ એકી સાથે ખરીદીને અમદાવાદ પોતાના ગોડાઉનોમાં મોકલી દેતો અને તેનો ઝડપી નિકાલ પણ કરી નાખતો. જે તે વેચનાર પેઢી ચેક બેંકમાં નાખે અને ચેક રીબાઉન્ડ થાય જ કેમ કે રજત પટેલના ખાતામાં બેલેન્સ લગભગ નીલ જ હોય.ચેક પાછો ફરતા જ વેપારીઓ ઘાંઘાં થઈને દોડવા લાગતા રજતથી ઓફીસે તપાસ કરતા જાણવા મળે કે ભાડુઆત ઓફીસ ખાલી કરીને ચાલ્યા ગયા છે ! કોઈ અતો પતો લાગે નહિ.
રજત આવા ગુન્હાની ટેવવાળો થઈ ગયો હોય તેમાં ને નીપુણ થઈ ગયો હતો. દર વખતે અલગ શિકાર માટે અલગ શહેર અને અલગ નિશાન તાકતો. તેણે પ્રથમ થી જ અમદાવાદ હાઈકોર્ટમાં એક વકીલ નકકી કરી રાખેલા જયારે તે કોઈ જગ્યાએ ઠગાઈ, વિશ્ર્વાસઘાત કે છેતરપીંડી કરે તેમની પાસે દોડી જતો અને પોતે કરેલ વેપારીના કડદાની વાત કરી થયેલ એફઆઈઆર અંગે જણાવીને કાયદાકીય લાભ મેળવવા માટે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી દેતો અને સિવિલ નેચરના ક્રાઈમમાં રજતને આગોતરા જામીન હુકમ પણ મળી જતો. આગોતરા જામીન મળે એટલે પછી મુદામાલ મળવો અશકય જ થઈ જાય અને પછી કોર્ટની તારીખો ઉપર તારીખો ની મુદત પડે અને વેપારીઓ ધંધો કરે કે કોર્ટમાં સતત હાજર રહે ? આમ રજત પટેલ કયારેય પોલીસની સીધી ગીરફત કે પકડમાં આવ્યો ન હતો તેથી આ ધંધો માફક આવી ગયો હતો અને તેને પોલીસ લોકઅપ કે રીમાન્ડ શું કહેવાય તેની જ ખબર ન હતી.
તે જે હોય તે પણ શ્રીમાન ૪૨૦ રજત ના કમનસીબ કે કુબુધ્ધી થઈ કે તેણે ઉંઝામાં કડદો કરવાનું નકકી કર્યુ. ઉંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ ચતુર અને કાબેલ હતા તેમ છતાં રજતે પોતાની આગવી પધ્ધતિથી ઉંઝા યાર્ડમાં કારમાં આવી બે ત્રણ મોટા સોદા કરી પોતાની સધ્ધર વેપારી તરીકેની શાખ ઉભી કરી વેપારીઓને વિશ્ર્વાસમાં લીધા.
સતત હરીફાઈ વ્યાપાર અને સાહસીકના નાતે એક મારવાડી વેપારીએ રજત પટેલ જોડે ઝીરાનો બહુ મોટી રકમનો સોદો કરી વેચાણ કર્યુ અને રજત માલ લઈને બુચ મારીને રફુચકકર થઈ ગયો. પરંતુ મારવાડી વેપારી બહુ ચાલાક હતો. તેણે રજત પટેલની કરમ કુંડળીની તપાસ પોતાની રીતે જ કરતા રજત તો મહાઠગ હોવાનું અને વોન્ટેડ હોવાનું જાણવા મળ્યુ અને તેની આગોતરા જામીન હુકમ મેળવવાની પધ્ધતિ પણ જાણી લીધી આથી તેણે પોલીસ ફરીયાદ સીધી જ નહી કરતા રજત પટેલનો સંપર્ક ચાલુ રાખી આજીજી કાકલુદી કરી નાણા માટે વાત ચાલુ રાખી આથી રજત તેના વિશ્ર્વાસમાં આવ્યો.
ઉંઝા માર્કેટ યાર્ડના વેપારીઓની એકતા અને સંગઠન બહુ મજબુત હતુ પણ સંગઠન પણ આ કિસ્સામાં પોલીસ ફરીયાદ સિવાય શું કરી શકે ? ઉંઝા માર્કેટ યાર્ડના ચેરમેન ઉંઝાના ધારાસભ્ય અને રાજયના મંત્રી હતા. વેપારીઓ તેમને મળ્યા. ચેરમેનના નાતે તેમણે જયદેવને ફોન કર્યો કે જો ઉંઝામાં ઠગો અને ગુનેગારો આમ જ કળા કરી જાય તો કારોબાર કેમ ચાલે ? જયદેવે રજત પટેલના ભુતકાળની વિગતે વાત કરી રાજયની સીઆઈડી ક્રાઈમ પણ તેને અનેક જિલ્લાના ગુન્હાના કામે શોધે જ છે છતાં ચિંતા નહી ફરીયાદીને મારી પાસે મોકલો ફરીયાદ તો લખી જ લઈએ. પણ કોઠા સુઝવાળા વિધાયકે જયદેવ ને કહ્યુ “ફરીયાદ બરીયાદ તો સમજયા પણ અમારે તો પેલી કહેવત જેવુ છે કે ડોસી મરે તેનો વાંધો નહી પણ જમ ખોરડા ભાળી જાય તેનો વાંધો છે “ઉંઝા યાર્ડમાં આવો બનાવ બને તે અમારા માટે મોટુ કલંક છે આવા ઠગ પીંઢારાઓને તમારી કાઠીયાવાડી સ્ટાઈલથી સબક શિખવાડો જયદેવે કહ્યુ પ્રયત્ન કરીએ ફરીયાદીને મારી પાસે મોકલો.
રજત પટેલના ભોગ બનનાર વેપારી અગરવાલજી થાણામાં આવ્યા. સક્ષમ વેપારી અને તેમાં પણ મારવાડી પછી વાણી વિવેકમાં કાંઈ બાકી હોય જ નહી ને ? જયદેવે ઠગ રજતની તમામ પ્રકારની માહિતી જમાદાર રણજીતસિંહ અને પુનાજી રાયટરથી મેળવી તે સાંભળી ને જયદેવ અચંબો પામી ગયો. કે ગુનેગારો કાયદાનો કેવો દુરુપયોગ કરે છે ! રજત પટેલ અગાઉ જણાવ્યા પ્રમાણે આગોતરા જામીન તો લઈ જ લેતો પણ જે વિસ્તારમાં ઠગાઈ કરી હોય તે મથકના તંત્રમાં કે રાજકારણમાં કે આમ જનતામાં તે એક અબરાડા બાતમીદાર પણ રાખતો જેથી જેવો ગુન્હો નોંધાય એફઆઈઆર થાય એટલે તુરત તે બાતમી આધારે આગોતરા જામીન હુકમ મેળવી લઈને પછીભલે કોર્ટના વોરંટો ફર્યા કરે ! આમ વેપારીને તો ઠીક પણ પોલીસતંત્ર ને પણ અંગુઠો બતાવી દેતો.
જયદેવ પેલી કહેવત “મસાણે (સ્મશાને) ગયેલા લાકડા પાછા ન આવે તે સમજાવીને વેપારી અગરવાલજી ને કહ્યુ તે પ્રમાણે આ રજત પાસે ગયેલા માલનું પણ છે. પણ જો તમે સહમત થાવ તો એક આઈડીઆ છે. અગરવાલજી કહે આ ઠગ પકડાતો હોય તો ગમે તે કરીએ. જયદેવે રજત પટેલ ફરાર થઈને આગોતરા ન લઈ લે તે માટે એક જાળ તૈયાર કરી અગરવાલજીની કોરા કાગળ ઉપર વિગતવારની ફરીયાદ લખી લઈ ઉંઝા પી.એસ.ઓ.ને આપી એ પણ પી.એસ.ઓએ જયાં સુધી જયદેવ ટેલીફોની કહે નહીં ત્યાં સુધી ગુન્હો નોંધવાનો નહીં. એફ.આઈ.આર તેના કબાટમાં રાખી મુકવાની.અગરવાલજી ખુશ થઈ ગયા અને કહ્યુ સાહેબ “આ મહાઠગ રજતે અગાઉ કેટલાયે મોટા નામાંકિત વેપારીઓને ઠગી ગયો છે પણ તેણે મુદામાલનો એક દાણો તો પાછો નથી આવ્યો પણ તે પુરી એક કલાક લોકઅપમાં પણ રહ્યો નથી. તેથી જો તમે ગમે તેમ કરી ને રજતને પકડી પાડો તો ઉંઝા ગંજ બજારમાં મારો પણ ડંકો વાગી જાય કે ભાઈ અગ્રવાલજીનો ચાળો ન કરાય તે ભારે પડી જાય.
જયદેવે મહેસાણા પોલીસવડા સાથે વિગતે વાત કરી રજત પટેલને પકડવાના પોતાના આયોજનની પણ વાત કરી મંજુરી મેળવી લીધી. જયદેવે પી.એસ.ઓ. ને વિગતવાર સમજણ આપી એફ.આઈ.આર આપી વેપારી અગ્રવાલ જમાદાર રણજીતસિંહ અને રાયટર પુનાજી સાથે અમદાવાદ આવ્યો.
આ બાજુ રજત પટેલ પોતાના ઉંઝાના ખબરી સાથે સતત ટેલીફોનથી સંપર્કમાં હતો પણ હજુ ઉંઝામાં ગુન્હો નોંધાયો ન હતો. તેથી તેને એમ કે ફરીયાદને બદલે મારવાડી વાણીયો કાકલુદી કરતો પોતા પાસે આવશે અને ખુબ આજીજી નાણા કે મુદ્રૂમાલ માટે કરશે. તેથી તે પોતે એક વિશાળ વ્યાપારી કોમ્પ્લેક્ષ સ્વર્ગ ની ચોથા માળે આવેલી લકઝરીયસ એ.સી.ચેમ્બરમાં બેઠો હતો. ઓફીસ બહાર ચોકીદારો કે જે ખાસ કમાન્ડો કે બાહુબલી જેવા રાખ્યા હતા. તેમજ ઓફીસમાં રીસેપ્શન કાઉન્ટર ઉપર પણ યુવાન મહિલાઓ સજીધજી ને બેસાડેલી હતી. જયદેવતથા રણજીતસિંહ ખાનગી કપડામાં જ હતા. અગરવાલે ચોકીદારને પરીચય આપી રજત ઉર્ફે શ્રીમાન ૪૨૦ ને ચિઠ્ઠી મોકલી. ચોકીદારે રજતને કહ્યુ ત્રણ વેપારીઓ ઉંઝા થી મળવા આવ્યા છે. રજતે પ્રથમ વિચાર્યુ કે અગરવાલને બે ચાર દિવસમાં નાણા આપી દેવાનું કહી વાત ઠેકાડી દઈએ. તેથી ચોકીદારને કહ્યુ ત્રણે જણાને રીસેપ્શનીસ્ટ પાસે બેસાડો.
ત્રણે જણા ઓફીસમાં રીસેપ્શનીસ્ટ પાસે બેઠા, તે પણ એરકંડીશનજ હતુ અને આ જગ્યા વૈભવશાળી અને ઈન્ટરનેશનલ કંપનીના એકઝીકયુટીવની ઓફિસ જેવી જ સજાવેલી હતી. ત્યાં ધીમી અને મીઠી સુગંધીદાર સ્પ્રેની ફોરમ પણ આવી રહી હતી. જયદેવ વિચારતો હતો કે આમ જ હોય ને ? કોના બાપની દિવાળી? કયાં પરસેવો પાડવો છે. બીજાને ઠગીને બુચ જ મારવાના હોય પછી વૈભવમાં શું કામ મણા રાખે? બહુ વાર થતા જયદેવે રીસેપ્શનિસ્ટને કહ્યુ અમારે બીજે પણ જવાનું છે. શેઠને કહો ને કે ઉતાવળ કરે ! રીસેપ્શનિસ્ટે કહ્યુ સાહેબ ઓવરસીઝ ટેલીફોન ઉપર વાત કરે છે. તથા શેઠે કહ્યુ છે કે જો ઉતાવળ હોય તો થોડીવાર રહીને આવો તો પણ ચાલશે.
રજત પટેલને એસી ચેમ્બરમાં પણ પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને તે ચકરાવે ચડયો હતો. કારણ એવુ હતુ કે રજતે રીસેપ્શનીસ્ટ રૂમમાં કેમેરો ગોઠવેલો એટલે ત્યાં બેઠેલા લોકોને તે પોતાની ચેમ્બરમાં ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકે તેમાં અગરવાલ તો ઠીક પણ જયદેવનો આક્રમક અને સ્ટાઈલીશ ચહેરો જોઈને તેને શરીરમાં કંપવા ઉપડી ગયો અને શંકા થઈ કે આ સુંવાળો વાણીયો ફરીયાદ કર્યા સિવાય કાંઈ આફત લઈ આવ્યો કે ફરીયાદ થઈ ગઈ અને ઉંઝાનો બાતમીદાર થાપ ખાઈ ગયો કે શું?
આથી રજતે ઉંઝા પોતાના બાતમીદારને ટેલીફોન કરી પુછી જોયુ કે એલા ગુન્હો દાખલ થઈ ગયો અને આપણે અંધારામાં તો નથી રહ્યા ને? આથી તેના બાતમીદારે જાતે ઉંઝા પોલીસ સ્ટેશનમાં જઈ પી.એસ.ઓ. ને મળી છેલ્લા બે ત્રણ દિવસમાં કોઈ ઠગાઈ વિશ્ર્વાસઘાતના ગુન્હા દાખલ થયેલ છે. કે કેમ ? તેની ખાત્રી કરી લીધી કોઈ જ ગુન્હો દાખલ થયેલ ન હતો. તેમ છતા કાબા રજતને હવે લગભગ ફસાયાનું જણાતા હવે કોઈ વાત બાકી રાખવા માગતો ન હતો તેથી તેણે તેના વકીલોને મોબાઈલ ફોન ઉપર વાત કરી પણ વકીલ કોર્ટમાં કામે રોકાયેલા હતા અને બે કલાક પછી જ આવી શકે તેમ હતા આથી રજતે નકકી કર્યુ કે હવે વકીલો આવે પછી જ આ ઉંઝા ની ટીમને મળવુ અને તે દરમ્યાન જો મોકો મળે તો રફુચકકર પણ થઈ જવુ.
રાહ જોઈને જયદેવ કંટાળી તેણે રીસોપ્શનીસ્ટને ફ્રેશ થવાનું કહી બાથરૂમનું પુછીને અંદર ગયો પણ તે પહેલા રણજીતસિંહ ને ખાસ સુચના કરી કે આ મુદો હવે કોઈ પણ સંજોગોમાં છટકવો ન જોઈએ.
જયદેવે બાથરૂમમાં જઈ મોબાઈલ ફોનથી પી.એસ.ઓ. ઉંઝાને સીધ્ધુ જ પુછયુ કે સ્ટેશન ડાયરી કયારથી ખુલ્લી છે ? પી.એસ.ઓ એ જવાબ આપ્યો કે પાંચેક કલાક પહેલાથી ડાયરી બાકી છે. જયદેવે પાંચ કલાક પહેલાનો સમય આપીને કહ્યું આ સમયે અગરવાલજીની તમને આપેલ એફ.આઈ.આર . ઉપરથી તે ગુન્હાનો જે ગુન્હા રજીસ્ટ્રર નંબર આવતો હોય તે આપો ભારતીય ફોજદારી ધારા ની કલમો તો જયદેવ પાસે હતી જ. પી.એસ.ઓ.એ રજીસ્ટરમાંથી જોઈ ને ગુન્હા રજીસ્ટર નંબર આપ્યો અને એફ.આઈ.આર ઉપરથી ગુન્હો નોંધવાનું ચાલુ કરી દીધુ અને જયદેવે ગુન્હા નંબર નોંધીને તુરત બહાર આવ્યો.
પણ જયદેવે જેવો આ બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યાં રીસેપ્શનિસ્ટ રૂમમાં તાયફો જોયો, રજત પટેલને બહાર જવુ હતુ. અને ખેચા ખેંચી ચાલુ હતી. રણજીતસિંહે તેને રોકતા હતા. બન્યુ એવુ કે જયદેવે બાથરૂમમાં જતા ટીવી સ્ક્રીન ઉપર દેખાતો બંધ થતા જ રજતે ચેમ્બરમાંથી નાસી છુટવા માટે લગભગ દોટ જ મુકી પરંતુ રણજીતસિંહ રોકતા રકઝક થઈ પણ તુરત જ જયદેવ પાછો આવી જતા રજતના પગ ઢીલા થઈ ગયા અને કહેવા લાગ્યો કે મારૂ બ્લડ પ્રેસર હાઈ થઈ ગયુ છે મારે તાત્કાલીક દવાખાને જવુ છે. રજત હતો પણ ૬૦ વર્ષની આસપાસનો પણ પોલીસે આવા સંજોગોમાં ઢોંગની શકયતા જ ગણીને જોખમ લેવુ જ રહ્યું અને ખરેખર હતું પણ તેમજ છતા જયદેવે કહ્યું અમે તમારી સાથે જ આવીએ છીએ પણ રજતે સાથે આવવાની આના કાની કરતા જયદેવેનો શક પાકો થયો કે રજત ખરેખર ઢોંગ જ કરે છે. દરમ્યાન જયદેવે પોતાના મોબાઈલ ફોનથી પોલીસ જીપ નજીકના બીજા બિલ્ડીંગ પાસે ઉભી રાખેલ તેને બોલાવી લીધી. આમ રકઝક સાથે ટોળુ કોમ્પ્લેક્ષમાં નીચે ઉતરતુ હતુ. તેથી જનતાને કુતુહલ પણ થતુ હતુ અને એકઠા થઈને જોતા હતા. રજતના બાહુબલી ચોકીદારો પણ સાથે થઈ ગયા અને જેવા નીચે આવ્યા ત્યાં રજતના વરઘોડા માટેની પોલીસ બગી સામે તૈયાર જ સશસ્ત્ર જવાનો સાથે ઉભી હતી. ચોકીદારો સમજીને એક બાજુ ઉભા રહી ગયા આથી રજત પટેલે આ બાદ ઢોંગ રચીને જમીન ઉપર ફસડાઈ પડયો પણ પોલીસ જવાનોએ તેને ઉંચકીને જીપમાં બેસાડયો અને જયદેવે ચોકીદારોને કહ્યું તારા આ શેઠને અમે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ છીએ હજુ એકાદ કલાક અમે પોલીસ સ્ટેશનમાં જ છીએ વકીલોને મળ્યુ હોય તો ત્યાં આવી જાય નહી તો પછી ઉંઝા !
જયદેવ રજત પટેલને લઈને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યાં પીઆઈ પટેલે ચેમ્બરમાં જ બેઠા હતા. જયદેવે તેમને ટૂંકી વિગત જણાવતા ત્યાં પીઆઈ પટેલે પોતાના ટેબલના જમણા હાથ બાજુનું ડ્ર્રોઅર ખેંચી તેમાંથી એક પકડ, નોનબેલેબલ વોરંટ જયદેવને બતાવ્યુ અને કહ્યું અમે તો આ મહામાયા ને ઘણા લાંબા સમયથી શોધીએ છીએ. આ પકડ વોરંટના ફરીયાદી મારા સાવનજીકના જ સગા છે તેમનું આ રજત પટેલ લાખોનું ફુલેકુ હિંમતનગર ખાતે ફરેવીને નાસી ગયેલ છે આથી હું જાતેથી તથા મારા ડીસ્ટાફ પણ તેને શોધતા હતા પણ તમે બરાબર તીર માર્યુ વાહ ! શાબાશ.
જયદેવે રજત પટેલને એરેસ્ટ કર્યાની વિધિ પુરી કરીને એલીસબ્રીજ પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી દરમ્યાન રજતના માણસો અને વકીલો અને મહિલાઓ પણ મળવા આવી ગયા. તેમની પાસે અઠવાડીયા પહેલા છોટા ઉદેપુરમાં દાખલ થયેલ ગુન્હા સહિત બીજા પણ આગોતરા જામીન હુકમ તૈયાર જ હતા. તેમણે પુછયુ કે આ કયારનો ગુન્હો છે ? જયદેવે કહ્યુ છ કલાક પહેલાનો ! આથી તેઓ આશ્ર્ચર્યથી જોઈ રહ્યા.
જયદેવ રજત પટેલને ઉંઝા લાવ્યો અને તેને તેની જીંદગીમાં પ્રથમ વખત લોકઅપની મોજ કરાવી. ઉંઝાના વેપારીઓના ટોળે ટોળા રજત ને જોવા ઉમટી પડયા પણ રજત બેશરમ થઈને વેપારીઓને કહી રહ્યો હતો કે આ તો કાઠીયાવાડી પોલીસ અધિકારીએ કોઠા કબાડા કરીને મને પકડી પાડયો બાકી તમારા જેવાનું કાંઈ આવે નહિ.
જયદેવ શ્રીમાન ૪૨૦ રજત પટેલ રહે હાલ અમદાવાદ મુળ રહે ભાવનગર વાળાને પકડયાનો વાયરલેસ મેસેજ પોલીસ વડા મહેસાણા સહીત સીઆઈડી ક્રાઈમ અને ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસવડાઓને મોકલી આપ્યો. આથી બીજા દિવસથી વિવિધ જિલ્લા પોલીસની જીપો ઉંઝા આવવા લાગી અને રજત પટેલના ટ્રાન્સ્ફર વોરંટ ઉંઝા કોર્ટમાં જમા થવા લાગ્યા.
રજતે જયદેવને ગળગળા અવાજે કહ્યુ “સાહેબ તમે તો હમ વતન થઈ અમને ભલે આવા ડામ દીધા પણ આ તમામ જિલ્લાઓ ને જાણ કરી બહુ ખોટુ કર્યુ હવે તો આ લોકો મારી પાળ પીટવામાં કાંઈ બાકી નહી રાખે હવે તો કેટલા મહિને જામીન ઉપર છુટીશ ભગવાન જાણે આથી મારો ધંધો તો હવે ચપટ થઈ જવાનો જયદેવે કહ્યુ શ્રીમાન મહાઠગજી તમે વતનનું નામ કલંકીત કર્યુ છે. વતનના નામે હવે વાત ન કરો તે જ બરાબર છે. તમારી શું દયા ખાવાની આતે કોઈ તમારો ધંધો છે ? આથી રજત ચુપ થઈ ગયો.
જયદેવના ગુન્હાનું કામ તો પત્યુ પણ આવા અઠંગ ખેલાડી એવા ઠગને યુકિત પુર્વક પકડી પાડતા ઉંઝા માર્કેટ યાર્ડના વેપારીઓ અને મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં જયદેવની પ્રતિષ્ઠા વધી ગઈ અને વાહ વાહ થઈ ગઈ.