- અમને બક્ષી દો માઁઈ બાપ
- ફાયર એનઓસી-બીયુ પરમીશનમાં છૂટછાટ આપવાની રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફગાવી દીધી: આજ સાંજ સુધીમાં નવી એસઓપી આવી જશે
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડ બાદ ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકા પર સુપરસીડ થવાનું જોખમ ઝળુંબી રહ્યું છે. તપાસ સમિતિનો ફાઈનલ રિપોર્ટ બાદ ગમે ત્યારે રાજય સરકાર અથવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહાપાલિકાને સુપરસીડ અંગેની નોટિસ ફટકારવામાં આવે તેવી ભીતિ જણાય રહી છે. દરમિયાન કોર્પોરેશનને સુપરસીડ થતી રોકવા મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ધમપછાડા શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલે પાંચ પૈકી ત્રણેય મુખ્ય પદાધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઘૂંટણીયે પડયા હતા. ધારાસભ્યો અને શહેર ભાજપના હોદેદારોએ હાલ ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતો સીલીંગ કરવાની જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.તેમાં છૂટછાટ આપવાની રજૂઆત સીએમએ એક ઝાટકે ફગાવી દીધી હતી એક લીટીમાં આદેશ આપ્યો હતો કે નિયમાનુસાર જ કામ થાય તેવા પ્રયાસો તમામે કરવા જોઈએ આજે સાંજ સુધીમાં નવી એસઓપી જાહેર થવાની સંભાવના છે.
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલને સાથે રાખી ગઈકાલે સાંજે શહેર ભાજપ પ્રમુખ મૂકેશ દોશી, રાજકોટના ધારાસભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યું હતુ. ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા પર સુપરસીડ થવાનું જોખમ રહ્યુંં છે. ભાજપ શાસીત મનપાને સુપરસીડ થતી રોકવા કોર્પોરેશનના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદેદારો સીએમના ઘુટણીયે પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ રાજકોટમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતો કોર્પોરેશન દ્વારા ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. જેમાં થોડી છૂટછાટ આપવાની રાજકોટના નેતાઓની રજૂઆત સીએમએ ઠુકરાવી દીધી હતી. સાથો સાથ એવી પણ કડક તાકીદ કરી હતી કે, તમામ કાર્યવાહી નિયમાનુસાર થાય તે જોવાની જવાબદારી આપ સર્વની પણ છે. ફાયર એનઓસી અને બીયુ પરમીશન અંગે ગણતરીની કલાકોમાં નવી એસઓપી જાહેર કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
શહેરના દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત 696 આવાસ પાણી કરાવવામાં આવતા ગરીબ લોકો રોડ પર આવી ગયા છે. જેને કોર્પોરેશનની આવાસ યોજનામાં આશરો આપવાની છૂટ રાજય સરકાર દ્વારા આપવામાં આવે તેવી મહાપાલિકાના પદાધિકારીઓ તથા શહેર ભાજપના આગેવાનોની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ આપ્યો હતો આ અંગે ઘટતુ કરવા જવાબદાર ઉચ્ચ અધિકારીને તાકીદ પણ કરી હતી.
અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સીટની તપાસનો સંપૂર્ણ અહેવાલ આવ્યા બાદ કોર્પોરેશનને સુપરસીડની નોટિસ આપવામા આવે તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. આવું થતુ રોકવા કોર્પોરેશનના પદાધિકારીઓએ સીએમને ‘કાલા વ્હાલા’ કર્યા હતા.