લાંચીયા તત્ત્વો પર સતત ‘બાજનજર’
સાહેબને રાજી કરવા હોય તો માત્ર ચોકલેટ અને ડ્રાયફૂટના પેકેટને જ ગીફટ ગણાશે, બાકીની વસ્તુઓ શિરપાવ, રોકડના કવરને લાંચની વ્યાખ્યામાં ગણી કાયદેસરની કાર્યવાહી થશે
સરકારી કચેરીઓ નાગરિકોની સહાયતા અને સેવા માટે કાર્યરત હોય છે. પોલીસ ચોકી બહાર લટકાવવામાં આવતા ‘મે આઈ હેલ્પ યુ’ના પાટીયાનો ભાવાર્થ માત્ર પોલીસ બેડા માટે જ નાગરિકોને કાયમી સહાયરૂપ થવાની તત્પરતા પુરતો મર્યાદિત રહેતો નથી. સરકારી ક્ષેત્રના તમામ વિભાગો નાગરિકોની સેવા માટે કાર્યરત હોય છે ત્યારે કોઈપણ નાગરિકને ક્યાંય પણ લાંચ કે શિરપાવ આપવાની જરૂર રહેતી નથી. તેમ છતાં ભ્રષ્ટાચારના માહોલ જેવી પરિસ્થિતિમાં ક્યાંક-ક્યાંક અને વ્યાપક પણે અધિકારી-કર્મચારીઓ પોતાના ફરજના ભાગરૂપે કરવામાં આવતી કામગીરી બદલે પણ અરજદારો પાસેથી ક્યાંકને ક્યાંક કોઈને કોઈ વસ્તુ મેળવવાની અપેક્ષા રાખતા જ હોય છે. લાંચ લેવી અને દેવી બન્ને ગુનો છે પરંતુ એન્ટી કરપ્શન બ્યુરોનું રાષ્ટ્ર વ્યાપી નેટવર્ક હોવા છતાં નાનાથી લઈને મોટા હોદ્દેદારો સુધી વધારાની બક્ષીસ અને પૈસાની આપ-લેનું દુષણ કાબુમાં આવતુ જ નથી. ત્યારે દિવાળીના તહેવારોમાં લેવા-દેવાના રિવાજને પણ બીજા રૂપનું લાંચનું નેટવર્ક બનાવી દેનારાઓ માટે હવે ભેટ અને બક્ષીસના રૂપમાં લાંચ લેવી તે ભૂતકાળ બની જશે.
સરકાર દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં દિવાળીના તહેવારો દરમિયાન નાના-મોટા અધિકારી, કર્મચારીને બક્ષીસ આપવાની સામાજીક પ્રથા પર પણ લાંચ રૂશ્વત વિરોધી ખાતુ નજર રાખશે.
અરજદાર અને અધિકારી વચ્ચેના કામકાજમાં બંધાયેલી આત્મીયતા જો ભેટ સોગાદને સ્વૈચ્છીક રીતે વ્યવહારૂ બનાવે તો પણ આ વખતે દિવાળીમાં અધિકારી-કર્મચારીઓને આપવામાં આવતી ભેદ સોગાદો પર પણ લાંચ રૂશ્વત વિરોધી ખાતુ ધ્યાન રાખશે અને માત્ર ચોકલેટ અને ડ્રાયફૂટના પેકેજને બોણી ગણવામાં આવશે.
આ સીવાયના રોકડના કવર, કિંમતી ચીજવસ્તુના ગીફટ આર્ટીકલને લાંચની વ્યાખ્યામાં લઈ લેવામાં આવશે.