ઘુડખરની ગણતરી પૂર્ણ
કાળિયાર, ચિંકારા, વરૂ , રણલોકડી, રણબિલાડીની વસતીનો પણ અંદાજ મેળવાયો: વસતી ગણતરી માટે ડ્રોનની પણ મદદ લેવાઈ
રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરની દર પાંચ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લે ૨૦૧૪માં યોજાયેલી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા ૪,૪૫૧ નોંધાઇ હતી. ગુજરાતના પાંચ જિલ્લામાં ૧૩ અને ૧૪ માર્ચ એમ બે દિવસ ઘૂડખરની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારે આ વર્ષની ગણતરીમાં ઘૂડખરની વસ્તી ૧૦ ટકા વધીને ૫૦૦૦ને પાર થઈ હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
ગુજરાત સરકારે ૧૨ જાન્યુઆરી ૧૯૭૩ના રોજ કચ્છના નાના રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન વિસ્તાર જાહેર કર્યો હતો. જ્યારે વર્ષ ૧૯૭૮માં કચ્છના મોટા રણનો થોડો ભાગ ઉમેરીને કુલ ૪૯૫૩.૭૧ ચો. કિ.મી. વિસ્તાર રણનું વિશિષ્ટ પ્રાણી ઘૂડખર હોઇ ઘૂડખર અભયારણ્યના નામે રક્ષિત કરવામાં આવ્યું હતુ. રણની આગવી વિશિષ્ટતા ગણાતા અને રણનો પવનવેગી દોડવીર જાદુગર ગણાતા ઘૂડખરની ઉંચાઇ સામાન્યત: ૧૧૦થી ૧૨૦ સે.મી. અને લંબાઇ ૨૧૦ સે.મી.હોય છે. જ્યારે વજન ૨૦૦થી ૨૫૦ કિ.ગ્રા. અને આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. ૫૦થી ૬૦ કિ.મી.ના ઝડપે દોડતા આ ઘૂડખરને દોડતું જોવુ એ જ લ્હાવા સમાન છે. ’ખુશ્બુ ગુજરાત કી’ એડ કેમ્પેન અંતર્ગત સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ઘૂડખર સાથે બે દિવસ મેરોથોન શૂટીંગ કરી ઘૂડખરને ગુજરાતના સરતાજ કહ્યાં હતા.
આ એડ રીલિઝ થયા બાદ રણમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૩૦૦ ટકાનો વિક્રમજનક વધારો નોંધાયો હતો. ઘૂડખરની પ્રસિદ્ધી વિશ્વફલક સુધી પહોંચતા વિદેશી પર્યટકોમાં પણ ઘૂડખર અભયારણ્યે ગજબનું ઘેલુ લગાડ્યું હતુ.વર્ષ ૧૯૪૬માં સૌપ્રથમઘૂડખરની કરાયેલી ગણતરી અનુસાર ઘૂડખરની સંખ્યા ૩૫૦૦ હતી. જે વર્ષ ૧૯૬૩માં ઘૂડખરમાં રોગચાળો આવતા ઘટીને માત્ર ૩૬૨ સુધી પહોંચી હતી. છેલ્લે ૨૦૧૪માં કરાયેલી ગણતરી અનુસાર રણમાં ઘૂડખરની સંખ્યા ૪,૪૫૧ નોંધાઇ હતી.
હવે ૫ વર્ષ બાદ ઘૂડખરની વસ્તી ગણતરી થઈ રહી છે ત્યારે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરની વસ્તી ૧૦% વધીને ૫૦૦૦ને પાર પહોંચી જવાનું ખુદ તંત્રનું માનવું છે. સામાન્ય રીતે ઘૂડખરની ગણતરી સીધી નજરે જોયેલ બ્લોક કાઉન્ટિંગ પધ્ધતિથી કરવામાં આવે છે. જેમાં અલગ-અલગ રીઝીયન, ઝોન અને સબ ઝોન પાડી કુલ ૧૫૦૦૦ વર્ગ કિ.મી. વિસ્તારમાં આ ગણતરી આવરી લેવામાં આવશે.
જેમાં રણનો બન્ની ઘાંસ વિસ્તાર, નળ સરોવર સહિતનો આજુબાજુનો વિસ્તાર અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર વિસ્તાર પણ સામેલ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ઘૂડખરની ગણતરી સીધી નજરે જોયેલ બ્લોક કાઉન્ટિંગ પધ્ધતિથી કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાશકાંઠા અને પાટણ એમ પાંચ જિલ્લામાં ૩ રીજનલ ઓફિસર, ૧૮ ઝોનલ ઓફિસરે, ૭૭ સબ ઝોનલ ઓફિસર કુલ ૧૫૦૦૦ વર્ગ કિ.મી. વિસ્તારમાં ૩૬૨ કાઉન્ટ પોઇન્ટ પર ગણતરી કરી હતી. એક બ્લોકમાં ૩થી ૪ જણાનો સ્ટાફે કુલ ૩૬૨ કાઉન્ટ પોઇન્ટ પર હાથમાં સફેદ ઝંડી સાથે ઘૂડખરની ગણતરી કરી હતી અને જે બ્લોકમાં ઘૂડખરની ગણતરી પુરી થઈ ત્યા બ્લોકના સ્ટાફ દ્વારા સફેદ ઝંડી ઉંચી કરીને ગણતરી પુરી થયાનો મેસેજ આપ્યો હતો.
આ ગણતરી દરમિયાન કોઇ ઘૂડખરનું ઝુંડ બીજા બ્લોકમાં જાય તો એની તારીખ, સમય અને દિશા રજીસ્ટરમાં લખવામાં આવી હતી. જે બ્લોકમાં એ ઘૂડખરનું ઝુંડ પ્રવેશ કરે એ બ્લોક ટીમ પણ એની તારીખ, સમય અને જે દિશામાંથી આ ઝુંડ આવ્યું હોય એ દિશા લખવામાં આવી હતી. તેમજ એજ સાંજે તમામ બ્લોકની ટીમ રજીસ્ટરની મેળવણી કરવામાં આવી હતી.