રાજ્યમાં 8,338 પોઝિટિવ કેસ, 16,629 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત: 38 ના મોત: સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ 19 દર્દીઓનો ભોગ લીધો: 1196 સંક્રમિત
અબતક-રાજકોટ
ગુજરાતમાં કોરોના કેસ કરતા સાજા થતા દર્દીઓની સંખ્યા બમણી થઈ છે પરંતુ સામે મૃત્યુની સંખ્યાએ ટેનશન વધાર્યું છે. ગઈ કાલે રાજ્યમાં 8,338 નવા કેસ નોંધાયા છે તો સામે 16,629 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પરંતુ રાજ્યમાં વધુ 38 દર્દીઓના મોત નિપજતા તંત્ર અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાએ હાહાકાર મચાવતા 19 દર્દીઓનો ભોગ લીધો છે.
ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરમાં ડાઉનફોલ બાદ ફરી નવા કેસમાં વધારો શરૂ થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 8,338 નવા કેસ નોંધાયા છે. તો પહેલીવાર ત્રીજી લહેરમાં રાજ્યમાં 38ના મોત થયા છે. જ્યારે 16,629 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે. સતત ત્રીજા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે.તેમજ હાલ એક્ટિવ કેસની સંખ્યા 75,464 છે જેમાં વેન્ટિલેટર પરના દર્દી ઘટીને 229 થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે. જેમાં 28 જાન્યુઆરીએ 30, 29 જાન્યુઆરીએ 33, 30 જાન્યુઆરીએ 30, 31 જાન્યુઆરીએ 35 અને આજે 1 ફેબ્રુઆરીએ 38 મળી કુલ 166 દર્દીના મોત નોંધાયા છે.
અમદાવાદમાં 2,702 કેસ, વડોદરામાં 2,196 કેસ, સુરતમાં 394 અને ગાંધીનગરમાં 287 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 8, વડોદરા શહેર, સુરત શહેરમાં 3નાં મોત થયાં છે.સૌરાષ્ટ્રમાં પણ કોરોના ફુફાળો મારી રહ્યો છે. જેમાં એપી સેન્ટર બનેલા રાજકોટ જિલ્લામાં 635 કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ કોરોનાના નવા 116 કેસ નોંધાયા છે અને 5 દર્દીઓના ભોગ લીધા છે. ભાવનગર જિલ્લામાં પણ કોરોનાએ ફુફાળો મારતા 5 દર્દીઓના મોત નિપજ્યા છે તો નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબીમાં 116 કેસ, જૂનાગઢમાં 76 કેસ અને ગીર સોમનાથ-સુરેન્દ્રનગર જિલ્લામાં 37-37 કેસ તથા પોરબંદરમાં વધુ 5 નવા કેસ નોંધાયા છે.