ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 300ને પાર: એક પણ દર્દીનું મોત નહિ
રાજ્યમાં હાલ ૧૮૪૯ એક્ટિવ કેસ: ૮ દર્દીઓની હાલત ગંભીર: ૧૪૯ દર્દીઓ સાજા થયા
ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના ફરી ફુફાડો મારી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને મોરબી કોરોના એપી સેન્ટર તરીકે ઉભરી આવ્યા છે. જેમાં બંને જિલ્લામાં ગઇ કાલે ૨૭-૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં ગઇ કાલે પોઝિટિવ કેસની સંખ્યા ૩૦૦ને પાર પહોંચી છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ ૧૮૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ૮ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
કોરોના કેસના વધતા જતા પ્રમાણ સામે આરોગ્ય વિભાગ સહિતના સ્ટાફે સતત ટેસ્ટિંગનો વ્યાપ વધાર્યો છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રાજકોટ અને મોરબી કોરોનાના એપી સેન્ટર તરીકે બનતું નજરે ચડી રહ્યું છે. જેમાં ગઇ કાલે રાજકોટ અને મોરબીમાં ૨૭-૨૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અન્ય જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં ૩, પોરબંદરમાં ૨, ભાવનગરમાં ૧ મળી સૌરાષ્ટ્રમાં કુલ ૭૦ કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઇ કાલે કોરોના વાયરસના નવા ૩૦૧ કેસ સામે આવ્યા છે. રાહતની વાત છે કે આ દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. તો બીજી તરફ કોરોનાની સારવાર બાદ ૧૪૯ દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ ૧૧૦૫૩ લોકોના મૃત્યુ થયા છે. નોંધનીય છે કે એક દિવસ પહેલાં રાજ્યમાં ૩૦૩ કેસ સામે આવ્યા હતા.
રાજ્યમાં ગઇ કાલે ફરી એક વખત સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૧૪ કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં ૨૭, વડોદરામાં ૨૬, રાજકોટ શહેરમાં ૧૯, ગાંધીનગરમાં ૧૮, વડોદરા શહેરમાં ૧૯, અમરેલીમાં ૧૨, બનાસકાંઠામાં ૬, ભરૂચમાં ૬, રાજકોટમાં ૬, ગાંધીનગર શહેરમાં ૪, મહેસાણા અને સુરત જિલ્લામાં ૪, સુરેન્દ્રનગરમાં ૩, કચ્છ અને પોરબંદરમાં ૨-૨, અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ભાવનગર, સાબરકાંઠા, અને વલસાડમાં ૧-૧ કેસ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૮૪૯ પર પહોંચી ગઈ છે, જેમાં ૮ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે ૧૮૪૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાની સારવાર બાદ ૧૨,૬૭,૮૬૪ દર્દીઓ સાજા થયા છે. તો કોરોનાની સારવાર બાદ ૧૧૦૫૩ દર્દીના મોત થયા છે. ગુજરાતનો રિકવરી રેટ ૯૮.૯૯ ટકા છે. રાજ્યમાં કોરોના સંક્રમણને નાથવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જેમાં ગઇ કાલે કુલ ૬૬૪ લોકોએ વેક્સીનના ડોઝ લીધા હતા. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૧૨ કરોડ ૮૦ લાખ ૯૯ હજાર ૭૬૧ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બીજો અને પ્રિકોશન ડોઝ પણ સામેલ છે.
ગુજરાતમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે ત્યારે ગઇ કાલે ફરી એક વખત ૩૦૦ને પાર પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના ૧૯ શહેરોમાં કોરોનાનાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી.