ગિરનાર તીર્થ સાધના સિઘ્ધિની ભૂમિ છે
હર્ષોલ્લાસ સાથે શરૂ થયેલી યાત્રા પ0 દિવસ ચાલશે
આવિશ્વમાં શત્રુજય અને ગિરનાર તીર્થ જૈન ધર્મમાં પ્રસિઘ્ધ છે. શત્રુંજય તીર્થ પર 99 વખત પધાર્યા હતા આથી તેની સ્મૃતિમાં 99 યાત્રા ચાલે છે. તેમ પ્રસિઘ્ધ પ્રવચનકાર પૂ. યંન્યાસ પ્રવર પદમદર્શન વિજયશ્રી મહારાજે જણાવ્યું હતું.
ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય આજીવન આયંબિલના તપસ્વી પૂ. હેમવલ્લભસુરિજી મહારાજ અને પૂ. યંન્યાસપ્રવર પદમદર્શન વિજયજી મહારાજ અને અદ્યાત્મયોગી પૂ. આ. કલાપૂર્ણસૂરિજી મ.સા.ના સમુદાયના તપ પ્રભાવિકા પૂ. સાઘ્વીવર્યા 366 વર્ધમાન તપની આયંબિલના આરાધક હંસકિર્તીશ્રીજી મ.આદિ શ્રમણ શ્રમણીવુંદની પાવન નિશ્રામાં પ00 થી વધારે આરાધને 99 યાત્રા માટે આવી પહોચ્યાં છે.
જૂનાગઢના ભવનાથ ખાતે જૈન સંપ્રદાયની આજથી પ્રારંભ થયેલ નવાણું યાત્રા પ્રસંગે સમગ્ર દેશ માંથી આવેલા આરાધક ભાઈ બહેનોની તથા તમામ પ્રભુ ભક્તોનો કચ્છી ભવનથી ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં ઢોલ.- નગારા સાથે હર્ષોલ્લાસપૂર્વક પ્રવેશોત્સવ યોજાયો હતો. જય જય શ્રી નેમીનાથના જયઘોષ સાથે સર્વે આરાધકોનો અક્ષતથી વધામણા કરવામાં આવ્યા હતા.
મુંબઈના સુપ્રસિદ્ધ સંગીત સમ્રાટ કેતનભાઇ દેઢિયાના સુમધુર સંગીતની સરગમ કાર્યક્રમ સાથે આ ધાર્મિક પ્રસંગનો પ્રારંભ થયો હતો. ત્યારે ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં પ્રભુ ભક્તો જુમી ઉઠ્યા હતા.
આ પ્રસંગે પન્યાસ પ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગિરનાર તીર્થ સાધના અને સિદ્ધિની સાત્વિક ભૂમિ છે, પાપીઓને પણ પાવન કરવાની જેની પ્રચંડ તાકાત છે એવું આ મહાન તીર્થ છે.
અહીં માત્ર પગને ચલાવવાના નથી, પણ અંતરને ચલાવવાનું છે. જેમાં અંતર ચાલે તેને યાત્રા કહેવાય… અને ભીતરના રાગ, દ્વેષ શત્રુઓનો સંહાર કરવા માટે માત્ર યાત્રા નથી, પણ સંગ્રામ છે.
પદ્મદર્શનવિજયજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, ગિરનારની ભોમકા પવિત્ર અણું અને પરમાણુથી આચ્છાદિત છે. પવિત્ર ઊર્જાના સ્ત્રોત આ તીર્થમાં વહી રહ્યા છે. અશુદ્ધિની ગટરગંગા માંથી બહાર નીકળવા માટે ગિરનાર તીર્થ સિદ્ધિ સમ્રાટ તરીકે સમગ્ર વિશ્વમાં સુવિખ્યાત છે. પાપોના પડઘમ જીવનને અશાંત કરે છે, ચિંતનની પ્રસન્નતાને તીતર ભીતર કરનાર તમામ સમસ્યાઓને શાંત કરવાની પ્રચંડ તાકાત શ્રી ગિરનાર તીર્થની છે. ગિરનાર તીર્થ શું છે ? આવો પ્રશ્ન જ અસ્થાને છે. ગિરનાર તીર્થ માત્ર સાધુ-સંતો અને સાવજોની જ ભૂમિ નથી, પવિત્રતાના પુંજ આ ધરતીમાં ધરબાયેલા છે. અહી અંબિકા માતાનું જ્યાં સતત સાનિધ્ય સાંપડી રહ્યું છે, આવી આત્માના દોષોના બલિદાનની ભૂમિ એટલે ગિરનારની તીર્થ…. અહી જે પ્રભુ ભક્તો ભાવ સાથે પ્રભુને ભજે છે તેના તમામ કાર્યો સિદ્ધ થાય છે. મા શક્તિ, દેવી શક્તિ અને મંત્ર શક્તિનો ત્રિવેણી સંગમ ગિરનારથી ઉપર જોવા મળે છે.અત્રે નોંધનીય છે કે, જૈન સંપ્રદાયની પવિત્ર ગિરનારની શ્રેત્રમા નવાણું યાત્રાનો પ્રારંભ આજ તા.10 થી શરૂ થયો છે, ત્યારે દોઢ મહિના સુધી આ નવાણુંમાં દેશ ભરના 600 જેટલા આરાધકો જોડાશે. અને દરરોજ વિવિધ ભક્તિના કાર્યક્રમો યોજાશે.
ભગવાન આદિનાથે 99 વખત શેત્રુંજય તીર્થની યાત્રા કરી’તી
ગિરનાર તીર્થની 99 યાત્રાના અનુસંધાનમાં પ્રસિઘ્ધ પ્રવચનકાર પૂ. યંત્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, આ વિશ્ર્વમાં શત્રુંજય અને ગિરનાર તીર્થ જૈન ધર્મમાં પ્રસિઘ્ધ છે. ભગવાન આદિનાથ શત્રુંજય તીર્થ ઉપર 99 પૂર્વ વાર પધાર્યા હતા. માટે તેની સ્મૃતિમાં 99 યાત્રા ચાલે છે. આ જ રીતે ગિરનાર તીર્થ અનંતા તીર્થકરોની કલ્યાણક ભૂમિ હોવાના કારણે અને ગિરનાર મંડન નેમીનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા આ તીર્થ ઉપર રહેલી છે. માટે નેમિનાથ પ્રભુ પરમ શ્રઘ્ધાના કેન્દ્ર તરીકે જૈનોના હૈયામાં બિરાજમાન થયા છે. ગિરનારના સહભાવનમાં નેમીનાથ પ્રભુના દીક્ષા અને નિર્વાણ કલ્યાણક થયા છે. આથી આ ભૂમિ પવિત્ર ઉર્જા વાળી છે. જેને સંયમ જીવન સ્વીકારવું છે એને કોઇને કોઇ ડિસ્ટર્બન્સ આવતા હોય તે સાધકો આ ભૂમિ ઉપર સંકલ્પ સાથે સાધના કરે છે તેને સંયમની પ્રાપ્તિ સહજમાં થાય છે. આથી ગિરનારનું મહત્વ સાધના અને શુઘ્ધિ માટે વિશેષ છે. આથી જ ગિરનારના નવ્વાણુની મહત્તા છે.
નવ્વાણુ યાત્રા પ0 દિવસ સુધી ચાલે છે ગત સાલ પાંચ લાખ ભાવિકો જોડાયા તા
આ નવ્વાણુની યાત્રા પ0 દિવસ સુધી ચાલે છે. જેમાં પાંચ જગ્યાએ ચૈત્યવંદન કરવાના હોય છે. પરમાત્માની પુજા, બે ટાઇમ પ્રતિક્રમણ પ્રવચન ઓછામાં ઓછું એકાસણાનું તપ કરવાનું હોય છે. કોઇક ભાવુકો આયંબિલ થી પણ નવ્વાણુ કરે છે. પગે ચાલીને ઉપર ડુંગર ચઢવાનો હોય છે. આ 99 માં 7 વર્ષથી માંડીને પપ વર્ષ સુધીના આરાધક ભાઇ-બહેનો જોડાયા છે. જેમાં મોટા ભાગે તો યંગ જનરેશન જોડાયું છે. આ 99 યાત્રા માટે સમગ્ર ભારતભરના રાજયોમાંથી આરાધકો જોડાયા છે. 3પ0 થી વધુ તો દક્ષિણ ભારતનાં આરાધકો છે. સામ્પ્રત સમયમાં ગિરનાર તીર્થ પર રહેલા નેમિનાથ પ્રભુનું આકર્ષણ યુવા વર્ગને વધુ છે. ગત વર્ષ દરયિમાન પાંચ લાખથી વધુ યાત્રિકોએ ગિરનાર તીર્થની સ્પર્શના કરી હતી. પ્રતિ વર્ષ ઓછામાં ઓછા બે નવ્વાણુ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં થાય છે.