કલાઉડ સર્વિસ વાર્ષિક ૨૪ ટકાનાં વિકાસ સાથે આગળ વધી રહ્યું છે
કોરોનાનાં કારણે જયારે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે ત્યારે લોકો ઓફિસ જવાના બદલે ઘરે બેસીને જ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે કોરોના બાદ વર્ક ફ્રોમ હોમ શરૂ થતા આવનારો સમય કલાઉડ સર્વિસનો આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ કલાઉડ સર્વિસ કંપનીઓ ૨૪ ટકા વાર્ષિક ગ્રોથ સાથે આગળ વધી રહી છે જે ચાલુ વર્ષે વધુ વ્યાપ મળશે તેવી શકયતા પણ સેવવામાં આવી રહી છે. લોકડાઉન થતાની સાથે જ કલાઉડ સર્વિસ અંગેની માંગમાં અનેકગણો વધારો થયો છે. કારણકે આ સમયગાળા દરમિયાન લોકો વિડીયો કોન્ફરન્સીંગ, વર્ચ્યુઅલ સ્કુલીંગ, એન્ટરટેનમેન્ટ અને ગેમીંગમાં લોકો વધુ સમય પસાર કરી રહ્યા છે. માઈક્રોસોફટ ૩૬૫ કંપનીનાં કોર્પોરેટ વાઈસ પ્રેસીડેન્ટ જેરેડ સ્પેટારોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત માસમાં કલાઉડ સર્વિસમાં કંપનીએ ૭૭૫ ટકાનો વધારો જોયો હતો.
માઈક્રોસોફટ સાથે જોડાયેલા હાલ ૪૪ મિલીયન લોકો માઈક્રોસોફટની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. માઈક્રોસોફટની કલાઉડ સર્વિસ કંપનીએ આશરે ૯૦૦ મિલીયન મીટીંગ અને કોલ મિનીટોનો ડેટા સેવ કર્યો છે ત્યારે લોકડાઉનમાં ઝુમ કલાઉડ મીટીંગ લોકોએ સૌથી વધુ ડાઉનલોડ કરેલી એપ્લીકેશનોમાંની એક છે. વધુમાં આ સમયગાળા દરમિયાન નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ અને હોટ સ્ટોર જોનારા લોકોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આ તમામ ડેટાઓ કલાઉડ ઉપર સ્ટોર કરવાની કામગીરીમાં પણ અનેકગણો વધારો જોવા મળે છે. રિસર્ચ આધારે લોકડાઉન બાદ ૧૫ ટકા જેટલી ભારતીય કંપનીઓ તેમનું કામ ઘરે બેસી કરશે ત્યારે તેઓને પણ કલાઉડ સર્વિસનો લાભ લેવો અત્યંત અનિવાર્ય બની રહેશે. ચાલુ વર્ષમાં કલાઉડ સર્વિસને ઘણીખરી તકલીફો અને સંઘર્ષનો સામનો કરવો પડયો છે ત્યારે લોકોમાં ઉદભવિત થયેલી માંગનાં કારણે કલાઉડ સર્વિસને જે તકલીફો પડી રહી છે તેને કેવી રીતે પૂર્ણ કરી શકાય તે દિશામાં હાલ વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. કલાઉડ સર્વિસ આપતી કંપનીઓએ હાલનાં સમયમાં વર્ક લોડને સરળતાથી સ્વીકાર્યું છે અને તેમનાં ડેટાને સ્ટોર પણ કર્યા છે ત્યારે હવે જે પ્રશ્ર્ન ઉદભવિત થશે તે એ છે કે, લોકોની માંગ દિન-પ્રતિદિન વધી તો રહી છે પરંતુ લોકોના ડેટાની સુરક્ષા તે સૌથી મોટો પ્રશ્ર્ન ઉદભવિત થયો છે અને તેને કેવી રીતે પૂર્ણ કરશે તે પણ એટલું જ જરૂરી છે.