અમદાવાદ: 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીને ભાજપે સત્તા હાંસલ કરી છે. ત્યારે આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત માટે ખાસ બેઠક બોલાવાઈ છે. જેમાં અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલી ભાજપના નવ નિયુક્ત કોર્પોરેટરની બેઠકમાં અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં પ્રથમ અઢી વર્ષ SC વ્યક્તિને મેયર પદ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં મહિલા કે પુરુષ કોઈ પણ હોઈ શકે છે. જ્યારે અન્ય અઢી વર્ષ મહિલા મેયર માટે અનામત રાખવામાં આવ્યા છે. હવે કિરીટ પરમારનું નામ ફાઈનલ થતાં, તેઓ અમદાવાદના 41માં મેયર બનશે.
નવનિયુક્ત મેયર કિરીટ પરમારનો મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે,મેયર બંગલો નહીં પણ પોતાના નિવાસસ્થાન બાપુનગરની ચાલમાં જ રહીશ. કિરીટ પરમાર શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાંથી ચૂંટાઈને આવ્યા છે. નવા ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના કોર્પોરેટર ગીતા પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની નિમણૂંક કરવામાં આવી છે.