- સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા!
- ઇમરજન્સી પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ સગર્ભાને હોસ્પિટલ લઈ જવા નીકળી: સ્થિતિ ગંભીર બનતાં રસ્તામાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી
- બ્રીચ ડિલીવરી પધ્ધતિ દ્વારા બર્ન્સ-માર્શલ ટેકનીક (માથાના ભાગને સફળતાપૂર્ણ બહાર કાઢવું) નો ઉપયોગ કરીને બાળકને બચાવવામાં આવ્યું
- પ્રસુતિ બાદ બાળકના ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી : આ પરિસ્થિતિમાં EMT(ઈમરજન્સી મેડિસીન ટેકનિશીયન) પોતાની કુનેહ થી કુશળતાપૂર્વક નાળ દૂર કરી
- ડિલિવરી પછી, બાળક આખું ભૂરું હતું અને રડ્યું ન હતું. EMT એ તરત જ એર-વે નું સક્શન આપીનમે બાળકને સાફ કર્યું, નાળને ક્લેમ્પ્ડ કરી, કાપી નાખી અને બાળકને હૂંફ માટે ધાબળામાં લપેટી દીધું
- ગાયનેકોલોજીસ્ટ તબીબોના મતે આવી પરિસ્થિતિઓમાં 10 હજાર કેસમાંથી માત્ર 01 કેસમાં બાળકનું બચવું શક્ય છે
- ગુજરાતમાં કોઈપણ આરોગ્ય ઈમર્રજન્સી પરિસ્થિતિમાં દરેકના હોઠે રહેલો નંબર એટલે 108. તાજેતરમાં 108 એમ્બ્યુલન્સ માં રેરેસ્ટ ઓફ ધિ રેર કિસ્સો બન્યો .
28મી ડિસેમ્બર 2024(શનિવાર) સાંજે 05:50 કલાકે 108ની કચેરીમાં એક ફોન રણકે છે. ફોન કરનાર કોલર કહે છે કે, એક મહિલાને ગર્ભાવસ્થાના 09 માસ પૂરા થયેલ છે અને હાલમાં તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવે છે. બસ આટલું સાંભળતા જ કુદરતી કે કૃત્રિમ આપત્તિમાં સદાય સેવા તત્પર એવી 108નું તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી અને જરૂરી ટ્રીટમેન્ટ શરૂ કરી.
EMT (ઈમરજન્સી મેડિસીન ટેકનિશીયન) યોગેન્દ્ર ગાંધીને એક ફોન એવો મળેલો હતો, જેમાં કોલર કહે છે કે દર્દી જ્યોતિ ભરવાડ તીવ્ર પ્રસૂતિ પીડા અનુભવી રહી છે. બસ આ સંભાળતા જ 108ની ટીમ ઘટના સ્થળ પહોચી અને ત્યાં ડૉ. મુકેશે EMTને જાણ કરી કે બાળક બ્રીચ પ્રેઝન્ટેશન(સામાન્યપણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું ગર્ભાશયના મુખ મારફતે બહાર આવે પરંતુ જ્યારે પગ કે અન્ય ભાગ બહાર આવે તો બ્રીચ ડિલીવરી કહેવાય છે) માં છે. પ્રોટોકોલને અનુસરીને, EMT યોગેન્દ્રકુમારે ઓનલાઈન મેડિકલ ડિરેક્શન માટે ડૉ. કલ્પેશનો સંપર્ક કર્યો. તેમજ તેમના માર્ગદર્શન હેઠળ પાયલોટ અજીતસિંહ ગોહેલ સહિત EMTએ માતાને કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી હતી અને ટ્રીટમેન્ટ શરૂ કરી.
EMT યોગેન્દ્રકુમારે ઓન-રુટ જ માતાને IV (Intravenous ) લાઇન લગાવી અને ઓક્સિજન સ્ટાર્ટ કર્યુ. ડિલિવરીના બીજા ચિહ્નો માટે માતાની તપાસ કરી. સગર્ભાની તપાસ કરતા બાળકની નાળ ગળામાં વીંટળાઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી 108 ટીમે સગર્ભા મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જોખમ રહેલું હોવાનું માલુમ પડતા એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની પ્રસુતિ કરાવવાનું નક્કી કર્યું.
EMT એ બ્રીચ ડિલિવરી માટે જરૂરી તૈયારીઓ કરી, એમ્બ્યુલન્સના હેલોજન લેમ્પને બાળકને હૂંફ આપવા માટે ચાલુ કર્યો અને પાઇલટને વાહનને સલામત સ્થળે પાર્ક કરવાની સૂચના આપી હતી.
આ બ્રીચ ડિલીવરી માં બર્ન્સ-માર્શલ (માથુ ડિલીવર કરાવવાની)ટેકનીકનો ઉપયોગ કરીને બાળકના માથા સુધી ડિલિવરી કરાવી હતી. ગળા અને તેની આસપાસ નાળ વિટળાયેલ હતી. તેમ છતાં EMTએ કુશળતાપૂર્વક નાળ દૂર કરી અને સફળતાપૂર્વક બાળકને જન્મ અપાવ્યો.
ડિલિવરી પછી, બાળક આખું ભૂરું હતું અને રડ્યું ન હતું. EMT એ તરત જ એર-વે નું સક્શન, બાળકને સાફ કર્યું, નાળને ક્લેમ્પ્ડ કરી, કાપી નાખી અને બાળકને હૂંફ માટે ધાબળામાં લપેટી દીધું. બાળકનો APGAR સ્કોર 0 હોવાથી, EMTએ બેગ- વાલ્વ- માસ્ક વેન્ટિલેશન અને સીપીઆર આપવાનું શરૂ કર્યુ. સતત સીપીઆર પછી બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 80 સુધી પહોંચી ગયા. EMTએ 06 મિનિટ સુધી BVM વેન્ટિલેશન ચાલુ રાખ્યું, જે દરમિયાન બાળકના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ 120 પર સ્થિર થયા, અને શ્વાસન દર મિનિટ દીઠ 26 શ્વાસોચ્છવાસ થયો. EMTની પોતાની આવડતથી અને ERCP તબીબની સલાહ મુજબ એમ્બ્યુલન્સ વાનમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને મહિલાએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. આમ, 108ની ટીમે માતા અને બાળક બંનેનો જીવ બચાવતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી હતી.
સતત સંભાળ અને દેખરેખ પૂરી પાડ્યા પછી, માતા અને બાળક બંનેને લગભગ 20 કિમી દૂર એલજી હોસ્પિટલમાં સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા. હેન્ડઓવર સમયે બંનેની હાલત સ્થિર હતી. એલજી હોસ્પિટલના પ્રાપ્ત ગાયનેકોલોજિસ્ટે કહ્યું કે, આ દુર્લભ કેસોમાંનો એક છે. કારણ કે આવી પરિસ્થિતિઓમાં બચી જવાનું 10 હજાર કેસમાંથી માત્ર 01 કેસમાં જોવા મળે છે. તેમણે 108 ટીમની તેમની અસાધારણ કાળજી અને સમયસર હસ્તક્ષેપ માટે પ્રશંસા કરી જેણે માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી.
હાલમાં માતા અને બાળક બંને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓ સુરક્ષિત અને ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. આ વિકટ પરિસ્થિતિના સંચાલનમાં 108 ટીમના અસાધારણ પ્રયાસોને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યા હતા.