વ્યસનો માણસજાતનો શત્રુ છે, તેનાથી દૂર રહો
એસજીવીપી ગુરૂકુળમાં ચાલતી ઓનલાઇન ધનુર્માસની કથામાં માધવપ્રિયદાસજી
એસજીવીપી ગુરૂકુળમાં ચાલતી ધનુર્માસની કથામાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ નવાવર્ષનો બોધ આપતા જણાવ્યું હતું કે માનવજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થને સિદ્ધ કરવા મળે છે. નવા વર્ષનો સુરજ આપણને ચારેય પુરૂષાર્થને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવુ સાહસ અને સમજણ આપે. નૂતનવર્ષનો નવો સુરજ મહાન જ્યોતિર્મય પરમાત્માનું પ્રતિક છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મહિનાઓમાં માગશર માસ હું છું. માગશર મહિનો પવિત્ર ગણવામાં આવે છે. ધનુર્માસ આ માસમાં શરૂ થાય છે. આ માસમાં કરેલ વ્રત, તપ શીધ્ર ફળ આપનાર હોય છે.
છેલ્લા પંદર દિવસથી એસજીવીપી ગુરૂકુળમાં ધનુર્માસની કથા ચાલે છે. દરરોજ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને અન્ય સંતો સત્સંગીજીવન અને શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથો આધારિત ઓનલાઇન ભગવાનની કથા વાર્તા કરી રહ્યા છે. આજે જ્યારે સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારીના સકંજામાં સપડાઇ રહ્યું છે ત્યારે જેમ બને તેમ કરીને આ પ્રકોપ શાંત થાય તેમજ એસજીવીપી હોલીસ્ટીક હોસ્પિટલ, ગુજરાત અને ભારતભરની હોસ્પિટલોમાં કોરોના મહામારીમાં સારવાર લઇ રહેલા દર્દીઓની રક્ષા થાય અને જલ્દી સાજા થાય અને કોરોનાની કોઇ અસર રહે નહીં તે માટે એસજીવીપી ગુરૂકુળમાં કથાને અંતે સંતો દ્વારા દરરોજ જનમંગલ સ્ત્રોતના પાઠ અને ભગવાનની ધૂન કરવામાં આવે છે.
નૂતન વર્ષ ૨૦૨૧ના પુનિત દિને સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ ધનુર્માસ કથા અંતર્ગત જણાવ્યું હતું કે, નુતન વર્ષનો નવો સુરજ મહાન જ્યોતિર્મય પરમાત્માનું પ્રતિક છે. માનવજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થને સિદ્ધ કરવા માટે છે. નવા વર્ષનો નવો સૂરજ આપણને એ ચારેય પુરૂષાર્થને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવુ સાહસ અને સમજણ આપે. ન માત્ર મંગળ પર્વના દિવસોએ પરંતુ આખુ વર્ષ આપણે આપણા ઘર, આંગણા અને શેરીઓને સ્વચ્છ આભલા જેવા અજવાળીએ એ સાથે સાથે આપણું મન પણ શુભ વિચારોથી છલકાતું રહે એજ આજના નૂતન વર્ષે અભ્યર્થના છે. નાતાલને ભલે આપણે આદર આપીએ પણ ભારતીય સંસ્કૃતિના ઉત્સવો રામનવમી, જન્માષ્ટમી, દિપાવલી વગેરે પણ ભૂલાવા ન જોઇએ. નાના બાળકો તો ભગવાનનું સ્વરૂપ છે. તેની સાથે પ્રેમભર્યુ વર્તન કરીને તેને તિરસ્કારીએ નહીં. દારૂ તો દાનવનું પીણુ છે પણ માનવીનું પીણુ નથી માટે તેનો સર્વથા ત્યાગ કરીએ. વ્યસનો ખરેખર માણસનો શત્રુ છે. તેનાથી દૂર રહી કુટુંબમાં કલેશ ન થાય, સમાજમાં પારસ્પરિક સદભાવના વધે માટે સતત ભજન સ્મરણ કરતા રહેવુ એજ નૂતન વર્ષે ભગવાન પાસે પ્રાર્થના છે. અંતમાં નાદબ્રહ્મ ગ્રુપના કલાકારો, દર્શનપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામ ભગત, અમિત ક્યાડા, કૌશિક ગોલાદરા, વલયકુમાર, રિતેશ વગેરેએ ભક્તિસંગીત અને શાસ્ત્રીય સંગીત વાદનનો કાર્યક્રમ રજુ કર્યો હતો.