ગૃહ બાબતો અંગેની સંસદીય સ્થાયી સમિતિની ભલામણો છતાં સરકારે ભારતીય ન્યાય સંહિતા બિલ, 2023માંથી કલમ 377 અને કલમ 497ને બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે. અકુદરતી સંબંધ સાથે સંકળાયેલી કલમ 377ને સુપ્રીમ કોર્ટ દ્વારા હટાવી દેવામાં આવી હતી પરંતુ સમિતિએ તેને બિન-સહમતિ વિનાના કૃત્યો માટે જાળવી રાખવાની ભલામણ કરી હતી.
કલમ 377 અને 497ને અપરાધ ગણવાની સંસદીય સમિતિની ભલામણ ઠુકરાવી દેવાઈ
સંસદીય પેનલની ભલામણોને અવગણીને સરકાર આઈપીસીની કલમ 377ને બાકાત રાખવાના નિર્ણય પર અડગ છે. આ કલમ અકુદરતી સેક્સ સાથે વ્યવહાર કરવા માટે ઘડવામાં આવી હતી અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 497 વ્યભિચાર સાથે વ્યવહાર કરે છે. મંગળવારે લોકસભામાં બીએનએસની રજૂઆત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બંને કાયદાઓને અપરાધની શ્રેણીમાંથી અગાઉ હટાવી દીધા હતા.
કોર્ટે 2018માં વ્યભિચારને અપરાધની શ્રેણીમાંથી હટાવી દીધું હતું કારણ કે, આ છૂટાછેડા માટે આધાર બની રહ્યું હતું. તે જ વર્ષે સમલૈંગિક યુગલો વચ્ચે સહમતિથી બંધાયેલા સંબંધને પણ અપરાધની શ્રેણીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. જો કે, બીએનએસ બિલ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ સાથે સંકળાયેલી જોગવાઈઓમાં એક નવી કલમ 73 ઉમેરી રહી છે. ખાસ કરીને બળાત્કાર અને જાતીય ગુનાઓમાંથી બચી ગયેલા લોકોની ઓળખને સુરક્ષિત રાખવા અથવા તેમની સાથે સંબંધિત માહિતીને જાહેર કરવા બાબતે આ કલમ ઉમેરવામાં આવી છે.
કલમ 73 કહે છે કે ’જે કોઈ આવી અદાલતની અગાઉની પરવાનગી વિના કલમ 72 માં નિર્દિષ્ટ કરાયેલા કોઈપણ ગુનાના સંદર્ભમાં કોર્ટ સમક્ષ કોઈપણ કાર્યવાહીના સંબંધમાં કોઈપણ બાબતને છાપે અથવા પ્રકાશિત કરે, તો તેને એક મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા કરવામાં આવશે. જે સજાને બે વર્ષ સુધી લંબાવવામાં આવું શકે છે.
સુપ્રીમ કોર્ટ અથવા કોઈપણ હાઈકોર્ટના ચુકાદાને છાપવા અથવા પ્રકાશિત કરવાને આ કલમના અર્થમાં ગુનો ગણવામાં આવશે નહીં. કલમ 72 એવી સામગ્રીને છાપવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકે છે જે જાતીય અપરાધમાંથી બચી ગયેલા વ્યક્તિની ઓળખને છતી કરે છે.
શું હતી સંસદીય સમિતિની ભલામણ?
બ્રિજલાલની આગેવાની હેઠળની ગૃહ બાબતોની સંસદીય સ્થાયી સમિતિએ 4 ડિસેમ્બરે સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલમાં કલમ 377ને તેના રીડ-ડાઉન અવતારમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી. જ્યાં સમલિંગી, બિન-સહમતિયુક્ત જાતીય કૃત્યો પર પ્રતિબંધ છે. ભલામણોમાં સમિતિએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ કલમને વાંચ્યા પછી પણ સેક્શન 377ની જોગવાઈઓ પુખ્ત વયના લોકો સાથે સહમતિ વિનાના શારીરિક સંભોગ, સગીરો સાથે શારીરિક સંભોગના તમામ કૃત્યો અને પશુતાના કૃત્યોમાં લાગુ થશે’. પેનલે જણાવ્યું હતું કે, ભારતીય પરંપરા હેઠળ લગ્નને પવિત્ર સંસ્થાન માનવામાં આવે છે ત્યારે લગ્નની પવિત્રતાં જાળવી રાખવા માટે કલમ 377ની અમલવારી થવી જરૂરી છે.
નવા કાયદામાં શું હશે બદલાવ?
નવા કાયદા હેઠળ અનેક જોગવાઈઓ બદલી નાખવામાં આવશે. આઈપીસીમાં 511 સેક્શન છે જયારે હવે 356 બાકી રહેશે, 175 સેક્શન બદલાશે, 8 નવા ઉમેરાશે અને 22ને દૂર કરવામાં આવશે. તેવી જ રીતે સીઆરપીસીમાં 533 વિભાગો બાકી રહેશે, 160 વિભાગો બદલાશે, 9 નવા ઉમેરવામાં આવશે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ટ્રાયલ કોર્ટે દરેક નિર્ણય વધુમાં વધુ 3 વર્ષની અંદર આપવાનો રહેશે.