નરેન્દ્રભાઇ સોલંકીને પછાત વર્ગ વિકાસ નિગમની જવાબદારી સોંપાઇ છે
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની રાજનીતિમાં ભજવાઇ રહેલા ઘટનાક્રમથી ભાજપે એકાએક સંગઠન અને સરકારી નિમણૂકોનું પગલું ભર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે સવારે ૧૮ બોર્ડ–નિગમોમાં નિમણૂકો કરવાની અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સંગઠનની ચાર પૈકી માત્ર એક ખાલી જગ્યા ભરવાની જાહેરાત કરી છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુસાળીની વરણી કરી છે.બે મહિના પૂર્વે કોંગ્રેસના આંતરિક જૂથવાદના ત્રાસથી મુક્ત થઇ ભાજપનો ભગવો ધારણ કરનારા બળવંતસિંહ રાજપૂતને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બનાવાયા છે સભ્યોમાં પેથાભાઇ આહિર, હેમંત પરસોડાની નિમણૂક કરી છે. જ્યારે પાટીદારોની માગણીને અનુલક્ષીને બનાવાયેલા બિન અનામત વર્ગ આયોગના ચેરમેન પદે ખોડલધામના પ્રતિનિધિ હંસરાજ ગજેરાની નિમણૂક કરી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદે રશ્મિભાઇ પંડયાને મુકાયા છે. આ જ રીતે બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક નિગમના ચેરમેન પદે પૂર્વ સનદી અધિકારી બી.એચ. ઘોડાસરા અને ઉપાધ્યક્ષપદે વિમલ ડી. ઉપાધ્યાયની વરણી કરાઈ છે. જ્યારે નરેન્દ્ર સોલંકીને પછાત વર્ગ વિકાસ નિગમની જવાબદારી સોંપાઇ છે.