મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ , 20 એપ્રિલ સુધી સુધારા- વધારા કરી શકાશે , 10 મેંએ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે
1 એપ્રિલ 2023એ 18 વર્ષ પૂર્ણ થતાં હોય તેવા લોકો નવુ ચૂંટણી કાર્ડ કઢાવી શકશે
રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ચૂંટણી કાર્ડ નવા કઢાવવા કે તેમાં ફેરફાર કરવાની કામગીરી દરેક મામલતદાર કચેરીઓમાં 20 એપ્રિલ સુધી થઈ શકશે.
ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને પત્ર મારફત જાણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ તા.1 એપ્રિલથી શરૂ થયો. જેમાં આજે 5 એપ્રિલના રોજ સંકલિત મતદારયાદીના મુસદાની પ્રસિદ્ધિ કરાવવામાં આવ્યો છે
ત્યારબાદ આજથી 20 એપ્રિલ એમ 15 દિવસ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે. એટલે કે આ દિવસો દરમિયાન અરજદારો નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકશે આ સાથે ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરાવી શકશે.
બાદમાં તા.28 એપ્રિલના રોજ હક્ક- દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યારબાદ તા.4 મેને ગુરૂવારના રોજ મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની રહેશે. સાથે ડેટા બેઇઝ અદ્યતન કરવો અને પુરવણી યાદીઓ જનરેટ કરવી સહિતની કામગીરી કરવાની રહેશે.
ત્યારબાદ તા.10 મેને બુધવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આમ 1 એપ્રિલથી સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ શરૂ થવાનો છે. જે 10 મે સુધી ચાલવાનો છે.
કઈ કામગીરી માટે કયું ફોર્મ ભરવું ?
- નવુ નામ દાખલ કરવું – ફોર્મ 6
- નામમાં સુધારો – ફોર્મ 8
- નામ કમી કરાવવું – 7
- સરનામું બદલવું – 8(ક)
16 એપ્રિલે ખાસ ઝુંબેશ: નજીકના મતદાન મથકે થઈ શકશે તમામ કામગીરી
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી કમિશન દ્વારા ખાસ ઝુંબેશના દિવસો પણ રાખવામાં આવતા હોય છે. આ વખતે 16 એપ્રિલે રવિવારના રોજ ખાસ ઝુંબેશ નકકી કરવામાં આવી છે. જેમાં નજીકના મતદાન કેન્દ્રો ખાતે જ ચૂંટણી કાર્ડ નવા કઢાવવાની કામગીરી તથા સુધારા વધારા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે.મોટાભાગના લોકો આ ખાસ ઝુંબેશનો જ લાભ લઈને ચૂંટણી કાર્ડની કામગીરી કરાવતા હોય છે. ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ બાકીના દિવસો હવે પછી નક્કી કરવામાં આવશે.