કોરોનાની સારવાર માટે હવે કુલ ૮ ખાનગી હોસ્પિટલ ઉપલબ્ધ : વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ૧૪૮ બેડનો વધારો કરતું વહીવટી તંત્ર
કોરોનાની સારવાર માટે હવે કુલ ૮ ખાનગી હોસ્પિટલ ઉપલબ્ધ : વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ૧૪૮ બેડનો વધારો કરતું વહીવટી તંત્ર
રાજકોટમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી છે. આગાઉ ૩ ખાનગી હોસ્પિટલ કોવિડ-૧૯ તરીકે કાર્યરત હતી. જેમાં ૫ હોસ્પિટલ આજે વધારવામાં આવી છે. જેથી હવે કોવિડ-૧૯ ખાનગી હોસ્પિટલનું કુલ સંખ્યા ૮ થઈ છે.
રાજકોટમાં કોરોના રીતસરનો આતંક મચાવી રહ્યો છે. દરરોજ આવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સામે હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે. જે સંદર્ભે પ્રભારી સચિવ અને ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, કલેક્ટર રેમ્યા મોહન, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.ડી.ઓ. અનિલ રણાવસિયા તથા કોર્પોરેટર અને પ્રાઇવેટ હોસ્પિટલના સંચાલકો સાથે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં શહેરની ૫ ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. હવે આ હોસ્પિટલો આગામી તા.૧૪ને મંગળવારથી શરૂ થનાર છે.
નવી ખાનગી કોવિડ-૧૯ હોસ્પિટલનું લિસ્ટ જોઈએ તો તે આ પ્રમાણે છે. (૧) ન્યુ વિન્ગ વોકહાર્ટ હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ દ્રારા સંચાલિત) સરનામું- મંગલમ હોસ્પિટલ,૧૫૦ ફુટ રીંગરોડ, મહેસાણા બેંકની પાસે, નાલંદા સોસાયટી, રાજકોટ. (૨) ઉદય કોવિડ હોસ્પિટલ (ગોકુલ હોસ્પિટલ દ્રારા સંચાલિત) સરનામું- રાષ્ટ્રીય શાલા મેઇન રોડ, શાળા નંબર ૧૧ સામે, રાજકોટ. (૩) કર્મયોગ હોસ્પિટલ (સ્ટર્લિંગ હોસ્પિટલ સંચાલિત) સરનામું- વરસાણી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ.(૪) એચ. સી. જી. હોસ્પિટલ સરનામું- અસ્થા રેસિડેન્સી, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ. (૫) શ્રેયશ કોવિડ હોસ્પિટલ સરનામું- વિદ્યાનગર મેઇન રોડ, વલ્લભ કથીરિયા હોપિટલ, રાજકોટ.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધી ત્રણ ખાનગી હોસ્પિટલ કોવિડ-૧૯ તરીકે કાર્યરત હતી. જેમાં સ્ટાર સિનર્જી, ક્રાઈસ્ટ અને પરમ હોસ્પિટલનો સમાવેશ થાય છે. હવે આ ત્રણ અને તેમાં ૧૪૮ બેડની કેપેસિટી ધરાવતી બીજી પાંચ હોસ્પિટલ ઉમેરાતા કુલ ૮ ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીઓને સારવાર મળી શકશે.