રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરને સેઈફ એન્ડ સિકયોર બનાવવાની સાથે શહેરીજનોને વિવિધ સેવાઓની સરળ ઉપલબ્ધી માટે વખતો વખત કેટલાક વહિવટી સુધારાઓ કરવામાં આવે છે. તમામ મિલકતોનું પ્રોપર્ટી ટેકસ સાથે સંકલન સાધવા તેમજ અન્ય સુવિધાઓનું સંકલન કરવા જીઆઈએસ, ઈઆરએસ સંબંધિત કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭, વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૨ અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૮માં નવા ત્રણ સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે. મહાપાલિકાની તમામ પ્રકારની સેવાઓ ઉપરોકત ત્રણેય સિવિક સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે. તમામ વોર્ડ ઓફિસનું રાજકોટ આઈ-વે પ્રોજેકટથી જોડાણ કરી દેવામાં આવશે. સિટી સિવિક સેન્ટરની તમામ સેવાઓ ડિસેન્ટ્રલાઈઝ પઘ્ધતિથી ઉપલબ્ધ બનાવી આગામી વર્ષ ૨૦૧૯-૨૦માં વહિવટીતંત્રનું વધુ સુદ્રઢીકરણ કરવામાં આવશે.
એડવાન્સ ટેકસ ભરનારને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ
એડવાન્સ વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં સહભાગી થતા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ, મે અને જુન માસ દરમિયાન વળતર આપવામાં આવે છે. નવા નાણાકીય વર્ષમાં પણ પ્રામાણિક કરદાતાઓને અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ આપવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા બજેટમાં કરવામાં આવી છે.
વર્ષના પ્રારંભ એટલે કે એપ્રિલ અને મે માસમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને ૧૦ ટકા વળતર આપવામાં આવશે. જયારે મહિલા કરદાતા અને દિવ્યાંગોને વધારાના ૫ ટકા સાથે કુલ ૧૫ ટકા વળતર આપવામાં આવશે. જયારે જુન માસમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાને વેરામાં અનુક્રમે ૫ ટકા જયારે મહિલા અને દિવ્યાંગ કરદાતાઓને ૫ ટકા વિશેષ વળતર સાથે ૧૦ ટકા વળતર આપવામાં આવશે.