બુટલેગર ઈરફાનના ભીલવાસ સ્થિત મકાનમાંથી એલસીબીએ 28 બોટલ દારૂ ઝડપ્યો
શહેરમાં દારૂનું વેચાણ અટકાવવા એકતરફ પોલીસ જયારે ઠેર ઠેર નાકા બંદી કરી સઘન ચેકીંગ કરતી હોય ત્યારે બુટલેગરો પોલીસના ચેકીંગ સહિતના પડકારોથી બચવા નવો કીમિયો અજમાવતા હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. હવે બુટલેગરો હેલ્થ પરમીટમાંથી દારૂની ખરીદી કરીને જ વેપલો કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. રાજકોટ એલસીબી ઝોન-2એ કરેલી રેઇડ દરમિયાન લિસ્ટેડ બુટલેગરના કબ્જામાંથી 28 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી. હવે 28 બોટલ શરાબની બોટલ મળી આવવી મોટી વાત નથી પણ મહત્વપૂર્ણ બાબત એ છે આ પૈકી 18 બોટલ હેલ્થ પરમીટમાંથી ખરીદવામાં આવી હોય તેવું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝોન-2 એલસીબી પીએસઆઈ આર એચ ઝાલાના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા તેમજ જેન્તીગીરી ગોસ્વામી અને અમીનભાઈ ભલુર નાઈટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન ધર્મરાજસિંહ અને અમીન ભલુરને બાતમી મળી હતી કે, ફૂલછાબ ચોક પાસે ભીલવાસ શેરી નંબર 1માં રહેતા ઈરફાન ઠાસરિયાના કબ્જામાં દારૂની બોટલો છે. જેથી તાત્કાલિક એલસીબીની ટીમ બાતમીવાળી જગ્યાએ પંચને સાથે રાખી પહોંચ્યા હતા.
ઈર્ગન ઠાસરિયાના રહેણાંક મકાનમાં ઝડતી કરતા એક રૂમમાં ખૂણામાં બે પ્લાસ્ટિકની કોથળી પડેલ હતી. જે ખોલીને જોતા ભારતીય બનાવટની 28 દારૂની બોટલ મળી આવી હતી. જેમાં બેલેન્ટાઇન ફાઇનેસ્ટ સ્કોચ વ્હીસ્કીની 06 બોટલ (ફોર સેલ ઈન ગુજરાત સ્ટેટ ઓન્લી), બ્લેક ડોગ ટ્રિપલ ગોલ્ડ રિઝર્વ સ્કોચ વ્હીસ્કીની 6 બોટલ (ફોર સેલ ઈન ગુજરાત સ્ટેટ ઓન્લી), વેટ 69 સ્કોચ વ્હીસ્કીની 6 બોટલ (ફોર સેલ ઈન ગુજરાત સ્ટેટ ઓન્લી), જેમસન ટ્રિપલ ડિસ્ટિલ્ડ આઇરીશ વ્હીસ્કી (ફોર સેલ ઈન મધ્યપ્રદેશ સ્ટેટ ઓન્લી), જે એન્ડ બી સ્કોચ વ્હીસ્કી 4 બોટલ, બ્લેન્ડર્સ પ્રાઈડ વ્હીસ્કીની 2 બોટલ મળી આવી હતી.
હવે 28 બોટલ દારૂ મળી આવવો મોટી વાત ન હતી પણ તે પૈકીની 18 બોટલ પર ફોર સેલ ઈન ગુજરાત સ્ટેટ ઓન્લીનું લેબલ મળી આવ્યું હતું. જેનો અર્થ છે કે, આ દારૂની બોટલ હેલ્થ પરમીટમાંથી ખરીદવામાં આવી હોય. ત્યારે એલસીબી ટીમે આરોપી ઈરફાન નજીર ઠાસરિયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ જથ્થો હારુન ઠેબા રહે ભગવતીપરાવાળા પાસેથી ખરીદ કર્યાનું જણાવ્યું હતું.ત્યારે હવે એલસીબીએ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? કોની પરમીટમાંથી વેચાતો લેવામાં આવ્યો? કોની કોની આ કૌભાંડમાં સંડોવણી છે? આ તમામ મુદ્દે તપાસ આદરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ઈરફાન ઠાસરિયાની અટકાયત કરી છે જયારે હારુન ઠેબાની શોધખોળ શરૂ કરી છે.
પરમીટધારકોની ઓળખ મેળવી ગુન્હો દાખલ કરાશે પરમીટ કેન્સલ કરવા સુધીના પગલાં લેવાશે
હાલ જે રીતે દારૂનો જથ્થો ઝડપાયો છે અને તેમાં 18 બોટલ હેલ્થ પરમીટમાંથી ખરીદવામાં આવી હોય તેવું ધ્યાને આવતા હવે આ માલ ઈરફાનને વેચનાર હારુન ઠેબાની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હવે હારુન ઠેબાની ધરપકડ બાદ કોની પરમીટમાંથી આ દારૂનો જથ્થો ખરીદ કરવામાં આવ્યો’તો તે બાબત પરથી પડદો ઊંચકાશે. જે બાદ પરમીટધારક પર ગુન્હો દાખલ કરી હેલ્થ પરમીટ રદ્દ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
ઈરફાન અને હારુન બંને લિસ્ટેડ બુટલેગર!!!
એલસીબીની રેઇડમાં ઈરફાન ઠાસરીયાના કબ્જામાંથી 28 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને ઈરફાને આ દારૂનો જથ્થો હારૂન ઠેબા પાસેથી ખરીદ કર્યાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, ઈરફાન અને હારુન બંને લિસ્ટેડ બુટલેગર છે. બંને અગાઉ પ્રોહીબીશનના ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે. ત્યારે બંને બુટલેગરોએ પોલીસથી બચવા પરમીટધારકો સાથે મીલીભગત કરી નવો કીમિયો અજમાવ્યાનું પ્રાથમિક અનુમાન છે.