૧૧ દિવસમાં બે બનાવથી ચુડા પંથકમાં તંત્ર સામે રોષ

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા પીજીવીસીએલની બેદરકારીથી વધુ એક યુવાનનો ભોગ લેવાયો હતો. ૧૧ દિવસમાં આવો આ બીજો બનાવ બનતા લોકોમાં ચુડા પીજીવીસીએલ સામે રોષ વ્યાપ્યો છે.

ચુડા તાલુકાના ખાંડીયા ગામે રેતીના વોશ પ્લાન્ટ પાસે ટ્રક ઉપર તાડપત્રી બાંધી રહેલા યુવકનું નીચે લટકતી વીજ લાઈનને સ્પર્શી જતા શોક લાગ્યો હતો. વીજ શોક લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. વોશ પ્લાન્ટના માલિકે નીચે લટકતી હાઈટેન્સન વીજ લાઈન ઊંચી કરવા રજૂઆત કરી હતી. પરંતુ ચુડા ઙૠટઈક કચેરી દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નહોતી. ચુડા પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મીઓની ઘોર બેદરકારીને કારણે છેલ્લા ૧૧ દિવસમાં ૨ યુવાનો મોતને ભેટી ચૂકયા છે.

બિહારના દરિહરા ચત્રભુજ, સારન અને હાલ ભાવનગર રહેતા ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રવિન્દ્ર નાગેશ્વર રાય ચુડા તાલુકાના ખાંડીયા ગામે ચાલતા રેતીના વોશ પ્લાન્ટમાં રેતી ભરવા આવ્યા હતા. રવિન્દ્ર રેતી ભરીને ટ્રક ઉપર તાડપત્રી બાંધી રહ્યા હતા ત્યારે માથા ઉપરથી પસાર થતા નીચે લટકી રહેલા વીજ વાયરને અજાણતા સ્પર્શી  ગયા હતા. હાઈટેન્સન વીજ લાઈનનો શોક લાગતા રવિન્દ્ર રાય નીચે પટકાયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેતી વોશ પ્લાન્ટના માલિક યશપાલસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, મયુરસિંહ રાણા દોડી આવ્યા હતા. રવિન્દ્ર રાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.

ચુડા પીજીવીસીએલની બેદરકારીને કારણે તા.૨૪ સપ્ટેમ્બરના રોજ કારોલમાં વીજ શોક લાગતા યુવકનું મોત થયું હતું.ચુડા પીજીવીસીએલ કચેરીની કામગીરી પ્રત્યે ફિટકાર વરસી રહી છે.

આ અંગે રેતી વોશ પ્લાન્ટના માલિક યશપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી નીચે લટકી રહેલા હાઈટેન્સન વીજ લાઈન ઊંચી કરવા લેખિત, મૌખિક અને ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી છે. છતાં ચુડા ઙૠટઈક કચેરીએ અમારી અરજીની ગંભીરતા નહીં સમજતાં અંતે આ દુર્ઘટના સર્જાઈ છે.

બિહારથી પેટયું રળવા આવેલ યુવાનનું મોત અમારા માટે આઘાતજનક છે. મૃતકનો પુત્ર દિવ્યાંગ છે. તેમના પરિવાર માટે રવિન્દ્ર રાય જ આધાર હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.