સાણંદ જીઆઈડીસીના ઉધોગ સાહસિકો સાથે મુલાકાત કરી કેન્દ્રીય રેલ રાજયમંત્રીએ સુચનો મેળવ્યા.
ભાજપા પ્રદેશ મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, કેન્દ્રીય રેલ રાજયમંત્રી તથા કેન્દ્રીય સંચાર મંત્રી (સ્વતંત્ર હવાલો) મનોજ સિંહાએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું હતું કે, પુલવામામાં શહિદ થયેલ વીર જવાનોની શહિદી એળે નહી જાય. દેશની પ્રજાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં પૂર્ણ વિશ્ર્વાસ છે. ભારતની રાજનીતિના ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બનાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી નિર્ણાયક સરકાર છે. જેમ અર્થ વ્યવસ્થા ઝડપી વધે તેમ લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સરકાર માટે વધતી જાય. પ્રજાની આ આશા અને આકાંક્ષાઓને સંતોષવાનું કાર્ય ભાજપાની સરકારે કર્યું છે.કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે દરેક ક્ષેત્રમાં માળખાકિય સુવિધામાં વધારો તેમજ છેવાડાના માનવીની ચિંતા કરીને અનેક નકકર કાર્યો કરીને સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસના સુત્રને ચરિતાર્થ કર્યો છે.
કેન્દ્રીય રાજયમંત્રી મનોજ સિંહાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતના મહાપુરુષોની ઉપેક્ષા કરવી એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો છે. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ૪૨ વર્ષ સુધી ભારતરત્નથી વંચિત રાખવામાં આવ્યા. ફરી ઈતિહાસનું પુનરાવર્તન થાય છે અને કોંગ્રેસ પોતાના સ્વભાવગત લક્ષણ પ્રમાણે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો કોઈપણ પ્રકારે વિરોધ કરવા માટે જાહેર જીવનની તમામ મર્યાદા ઓળંગી ચુકી છે. માત્ર ને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિરોધ માટે વિપક્ષો દ્વારા ગઠબંધનની રચના થઈ રહી છે. આ ગઠબંધન નેતા, નીતિ અને નિયતવિહોણુ છે. આવનારી લોકસભા ૨૦૧૯ની ચુંટણી રાજકીય પક્ષના વરણીની નહીં પરંતુ નેતા વરણીની ચુંટણી છે. કેન્દ્રીય રેલ રાજયમંત્રી તથા કેન્દ્રીય સંચાર મંત્રી મનોજ સિંહા સાણંદમાં રવિરાજ ફોઈલ્સ ફેકટરી ખાતે જી.આઈ.ડી.સી.નાં કામદારો, કારખાનેદારો તથા કાર્યકર્તાઓને ભારત કે મન કી બાત – મોદીજી કે સાથ કાર્યક્રમ અંતર્ગત મળ્યા હતા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારબાદ સિંહાએ સાણંદ જીઆઈડીસીના ઉધોગ સાહસિકો સાથે મુલાકાત કરીને તેમના પણ સુચનો મેળવ્યા હતા.