તું નહિ તો તારો ફોટો પણ ચાલશે…
કુલમુખત્યારનામું મૌખિક રીતે પરત ખેંચી લેવાથી પાવર ઓફ એટર્ની રદ્દ બાતલ થતી નથી !!
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા બે બાબત કહી છે કે, કોઈ વ્યક્તિ કુલમુખત્યારનામું એટલે કે પાવર ઓફ એટર્ની ધરાવતો હોય અને મૂળ માલિક દ્વારા કુલમુખત્યારનામું મૌખિક પરત ખેંચાયું હોય તો પણ કુલમુખત્યાર સંપત્તિ વેચવાનો અધિકાર ધરાવે છે. જ્યારે બીજું અવલોકન કરતા સુપ્રીમે એવું પણ નોંધ્યું છે કે, સંપત્તિના વેચાણ માટે ઓરીજનલ કુલમુખત્યારનામાની પણ જરૂર નથી, કુલમુખત્યારનામાની ફોટો કોપીના આધારે પણ વેંચાણ કરાર કરી શકાય છે. હવે સુપ્રિમના આ ચુકાદાને કારણે દિવાની તકરારોમાં વધારો થવાની દહેશત ઉભી થઇ છે.
સુપ્રીમે કહ્યું કે, પાવર ઑફ એટર્ની ધારક માત્ર કુલમુખત્યારનામાંની નકલ રજૂ કરીને મિલકત વેચી શકે છે અને વેચાણની નોંધણી કરી શકે છે.
આનો અર્થ એ છે કે, જો મિલકતનો મૂળ માલિક મૌખિક રીતે કુલમુખત્યારનામું રદ કરે છે અને રદ કરવા અંગે લેખિત કરાર કર્યા વિના મૂળ દસ્તાવેજ પાછો લઈ લે છે, તો પણ તે કુલમુખત્યાર તેની નકલની મદદથી મિલકત અથવા જમીન વેંચી શકે છે.
જસ્ટિસ કે.એમ. જોસેફ અને પી.એસ. નરસિમ્હાની બેન્ચે જણાવ્યું હતું કે, જોગવાઈઓ (રજીસ્ટ્રેશન એક્ટના) વિશ્લેષણ પર અમને વાદીની દલીલને નકારી કાઢવામાં કોઈ ખચકાટ નથી કે મૂળ પાવર ઑફ એટર્ની બીજા દ્વારા ન રજૂ કરવામાં આવે.
હાથ ધરાયેલ કેસમાં મિલકતના માલિક (વાદી)એ ૧૯૮૭માં તેની જમીન રૂ. ૫૫,૦૦૦ માં વેચવા માટે એક વ્યક્તિ સાથે કરાર કર્યો હતો. તેને સ્થાનાંતરિત કરવામાં આવતાં તેણે વેચાણ પૂર્ણ કરવા માટે કુલમુખત્યારનામું અમલમાં મૂક્યુ હતું. જોકે વેચાણ પૂર્ણ થયું ન હતું. તેથી તેણે મૂળ કુલમુખત્યારનામું પાછું લઈ લીધું અને વ્યક્તિને કહ્યું કે પાવર ઓફ એટર્ની સમાપ્ત થઈ ગયું છે પરંતુ અગાઉના પાવર ઓફ એટર્ની ધારકે રજિસ્ટર્ડ કુલમુખત્યારનામાંની નકલ માટે અરજી કરી અને તે જ પ્રતિવાદીને રૂ. ૩૦,૦૦૦ માં વેચવા માટે આગળ વધ્યો જેણે અગાઉ રૂ. ૫૫,૦૦૦ માં ખરીદવા સંમતિ આપી હતી. રજિસ્ટ્રારની ઑફિસમાં પાવર ઓફ એટર્નીની કૉપી સાથે વેચાણની નોંધણી કરાવી. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે વેચાણની નોંધણી રદ કરી અને કહ્યું કે મૂળ પાવર ઓફ એટર્નીના આધારે થયેલા દસ્તાવેજને રદ્દ કરી મિલકત મૂળ માલિકને પરત સોંપી દીધી હતી.
મામલામાં સુપ્રીમે હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો અને કહ્યું કે નોંધણી માન્ય છે કારણ કે કુલમુખત્યારનામાંના મૌખિક રદની કાયદા સમક્ષ કોઈ માન્યતા નથી અને જમીનના વેચાણની નોંધણી માટે પાવર ઓફ એટર્ની ધારકે માત્ર દસ્તાવેજની નકલ રજૂ કરવાની જરૂર છે અને તે મૂળ હતી.
કુલમુખત્યારનામાંની નકલથી થયેલો દસ્તાવેજ માન્ય રાખવાના નિર્ણયથી દિવાની દાવામાં ધરખમ વધારો થવાની ભીતિ
જે રીતે સુપ્રીમે કહ્યું છે કે, ફક્ત કુલમુખત્યારનામાંની ફોટો કોપીના આધારે પણ વેચાણ કરાર કરી શકાય છે. ત્યારે મોટો વિવાદ એ ઉભો થશે કે મોટાભાગના કેસોમાં કુલમુખત્યારનામાંની ઓરીજનલ કોપી પરત ખેંચીને મૌખિક કુલમુખત્યારનામું રદ્દ કરવામાં આવે છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ ટ્રુ કોપી કઢાવીને વેચાણ કરી શકશે. જેથી મૂળ માલિકના ધ્યાન બાર જ દસ્તાવેજ થઈ જશે જેથી દિવાની દાવાઓમાં વધારો થશે. જેના કારણે કોર્ટ પર કેસોનું ભારણ પણ વધશે.
કુલમુખત્યારનામું હવે કાગળ પર રદ્દ કરવો અતિ આવશ્યક
હવે કોઈ પણ વ્યક્તિ કુલમુખત્યારનામું તૈયાર કરશે અને જરૂરીયાત પૂર્ણ થયે કુલમુખત્યારનામું રદ્દ કરવાનું થાય ત્યારે હવે કાગળ પર જ કુલમુખત્યારનામું રદ્દ કરવું પડશે. જો કાગળ પર કુલમુખત્યારનામું રદ્દ નહીં કરાય તો પાવર ઓફ એટર્ની ધારક સંપત્તિના વેચાણનો સીધો હક ધરાવનાર બની જશે. જે ગમે તે સમયે સંપત્તિનું વેચાણ પણ કરી શકશે. મહત્વપૂર્ણ બાબત છે કે, સંપત્તિનું વેચાણ કરવા માટે પાવર ઓફ એટર્ની ધારકે મૂળ માલિકને જાણ કરવાની પણ જરૂર રહેતી નથી જેથી મૂળ માલિકના ધ્યાન બાર જ વેચાણ કરાર થઈ જાય તો નવાઈ નહીં.