સિવિલ હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગના કારણે એમ્બ્યુલન્સનો પ્રવેશ પણ મુશ્કેલ
સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે સીવીલ હોસ્પિટલ અનેક સમસ્યાઓથી પીડાતી હોવાથી તે એક ચર્ચાનો વિષય બન્યો છે. સીવીલ હોસ્પિટલમાં આડેધડ થતા પાર્કિંગના કારણે ટ્રાફીકની સમસ્યા એક જટીલ સમસ્યા બની છે.
શહેરની આન, બાન અને શાન સમાન સિવિલ હોસ્પિટલ આજે ટ્રાફીકની સમસ્યાને કારણે દર્દીઓ અને તબીબો માટે શિરદર્દ સમાન બની ગઈ છે. અહીની રોજીંદી ટ્રાફીકના લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ આવતા હોવાથી અહી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આવા વાહનોના પાર્કિંગના બદલે હોસ્પિટલમાં પડયા પાથર્યા રહેતા લુખ્ખાઓ અને લાગવગીયા લોકોનાં બાઈક અને કાર જેવા વાહનો પહેલેથી જ પાર્ક થઈ ગયેલા હોય છે.જેના કારણે દર્દીઓને લઈ આવતા વાહનોને ક્યા અને કેવી રીતે પાર્ક કરવા જેવી સ્થિતિ ઉભી થાય છે. અંતે લોકો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફીકની સમસ્યા જોવા મળે છે.
શહેરની બહાર નોકરી કરતા લોકો અને શહેરની નજીક આવેલા ગામડાઓમાં પેસેન્જરમાં ફેરા કરતા વાહનોના ચાલકો પણ હોસ્પિટલમાં પોતાના વાહનો પાર્ક કરી જતા રહે છે. જેના કારણે સવારથી સાંજ સુધી આખો દિવસ ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.
આ ઉપરાંત માથાભારે તત્વો અને લાગવગીયા લોકો સીવીલ હોસ્પિટલમાં આવી રોફ જમાવે છે અને વાહનો ગમે ત્યાં પાર્ક કરે છે. સિકયુરીટી ગાર્ડ દ્વારા આવા તત્વોને વાહનો સાઈડમાં પાર્ક કરવાનું કહેવામાં આવે તો તેઓ સિકયુરીટી ગાર્ડને પણ ધમકાવે છે. વાહન પાર્ક કરવાના પ્રશ્ર્ને સિકયુરીટી ગાર્ડ સાથે આવા‚ તત્વોએ ઝઘડો કર્યો હોવાની ઘટના પણ અનેકવાર સર્જાઈ છે. ટ્રાફીકની સમસ્યા હલ કરવમાં સિકયુરીટી ગાર્ડ નિષ્ફળ ગયા હોય તેવું લાગે છે.
સીવીલ હોસ્પિટલનાં મુખ્ય પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ બંને બાજુ લારી ગલ્લાના ખડકલા કરી દેવાયેલા છે. ટ્રોમા કેર સેન્ટર, ઓપીડી બિલ્ડીંગ, બન્સ વોર્ડ, ઈમરજન્સી વોર્ડ તેમજ જૂના બિલ્ડીગમાંથી સ્થળાંતર કરેલા વોર્ડ નં. ૭ અને ૧૧ સામે જ બાઈક અને રીક્ષા જેવા વાહનોના ખડકલા કરી દેવાતા ટ્રાફીક જામ થાય છે. રસ્તાની બંને બાજૂ વાહનો પાર્ક કરી દેતા રસ્તો સાકડો થઈ જાય છે.
અને સામસામેથી આવતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પસાર થવામાં મુશ્કેલી પડે છે. ટ્રાફીકની સમસ્યા એટલી હદે ગંભીર બની છે કે ઈમરજન્સી સારવાર આપતી ૧૦૮ને પણ રસ્તો મળતો નથી. મુખ્ય દરવાજેથી મેડીકલ કોલેજ સુધીનાં મુખ્ય માર્ગ પર નાના મોટા વાહનો તોઠીક પણ લોકોને ચાલવાની અને દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં રીફર કરતી વખતે દર્દીઓનાં ટ્રેશર ચાલકને પણ હાલાકી ભોગવવી પડે છે.
અહી ગેરકાયદેસર થઈ રહેલા આડેધડ પાર્કિંગને કારણે તબીબો પોતાના વાહનો પાર્ક કરવામાં મુશ્કેલીઓ ઉભી થાય છે. સીવીલ હોસ્પિટલ અંદર સાયલન્સ ઝોન હોવા છતાં પણ અહી બેરોકટોક એરહોર્ન મારતા વાહન ચાલકો પસાર થતા હોય છે. જેના કારણે દાખલ દર્દીઓને પરેશાની ભોગવી પડે છે. હોસ્પિટલ તંત્ર આવા વાહન ચાલકો સામે કયારે કડક પગલા લઈ આડેધડ થતા પાર્કિંગનું નિરાકરણ લાવશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.