પ્રત્યેક વ્યક્તિ નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરે તો જ તબીબી સારવારમાં માનવરક્તની વપરાતી ખોટ પૂરી થાય: રક્તદાતાની મહામૂલી સેવા થકી જ કોઇકની જીંદગી બચાવી શકાય છે
લોહી એક જીવંત પ્રવાહી છે, તેની સારવાર દ્વારા કરોડો લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી લેવાયા છે, તબીબી સારવારમાં સ્વૈચ્છિક રક્તદાતાનું વિશેષ મહત્વ છે
આજે સ્વૈચ્છિક રક્તદાન દિવસે આજે જ આપો, હમણાં જ આપો….લોહી આપો…રક્તદાન કરો, રક્ત જ આપણું જીવન છે
આજે 1લી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ, કોઇપણ તાત્કાલિક અને ગંભીર જરૂરીયાત માટે લોહીને બ્લડબેંકમાં સ્ટોક રાખવો પડતો હોય છે ત્યારે યુવા સ્વૈચ્છિક રક્તદાતા જે તે ઘટપૂરી કરીને મહામૂલી સેવા કરી શકે છે. આજના દિવસનો સંકલ્પ એટલે રક્તદાન. એક માનવીની લોહીની જરૂરીયાત બીજો માનવી જ પૂરી પાડી શકે છે. રક્તદાતાની મહામૂલી સેવા થકી જ કોઇકનું જીવન બચાવી શકાય છે.
ભારતમાં ટ્રાન્સફ્યુઝન મેડિસીનના પિતા ગણાતા ડોક્ટર જય ગોપાલ જોલીએ આપેલા યોગદાનની યાદમાં દર વર્ષે આજના દિવસે સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે. આજે સમગ્ર દેશમાં વિવિધ ઉજવણી થશે ત્યારે પુખ્ત વયના યુવાધન સ્વૈચ્છિક રક્તદાન કરીને ઉજવણી કરે તેવો શુભ હેતુ આજના દિવસનો છે. રક્ત તબદિલીના ક્ષેત્રમાં ડો.જોલીનું નામ વૈશ્ર્વિક સ્તરે જાણીતું હતું અને તેને જ સ્વૈચ્છિક રક્તદાનની ચળવળ સૌથી પહેલા કરી હતી.
માનવતાની મહેક છે…… લોહીમાં,
ઇશ્ર્વરની ઇબાદત છે….લોહીમાં,
દાન કહો તો દાન છે…..લોહીમાં,
પ્રાણ કહો તો પ્રાણ છે….લોહીમાં,
ફરજ છે, નિષ્ઠા છે, ઇમાન છે….લોહીમાં.
મોતને આરે બેઠેલા માટે જીવનદાન છે…લોહીમાં
આજે રક્તદાન કરો…
ભારત સરકારે પણ રાષ્ટ્રીય રક્ત નીતી બનાવીને આ પ્રયાસોને વેગ આપ્યો હતો. સૌના સહિયારા પ્રયાસો થકી આજે લોકો સામેથી બ્લડ બેંકમાં જઇને પોતાનું રક્તદાન કરે છે. રાજકોટની લાઇફ બ્લડ બેંકનાં છેલ્લા 4 દાયકાના જન જાગૃતિના પ્રયાસો સાથે ચંદ્રકાંતભાઇ કોટિચાની સક્રિય કામગીરીથી સૌરાષ્ટ્રમાં રક્તદાનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. આજે લગભગ દરરોજ બ્લડ ડોનેશન કેમ્પો યોજાય રહ્યાં છે. રક્ત ચિકિત્સાના શૈક્ષણિક વિકાસને કારણે થેલેસેમીયા-હિમોફીલીયા જેવા દર્દોમાં દર્દી નિયમિત સ્વૈચ્છિક રક્તદાતાને કારણે સરળતાથી રક્ત મળી શકે છે.
વ્યક્તિના જીવનમાં લોહીની જરૂરીયાત અને મહત્વના પ્રચાર-પ્રસાર માટે દર વર્ષે આજના દિવસે ઉજવણી કરાય છે. આજના દિવસની ઉજવણી આપણાં દેશમાં 1975થી શરૂ કરાય હતી. સ્વૈચ્છિક રક્તદાતાની અનન્ય સેવાને કારણે જ કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં પણ અખૂટ રક્ત સેવા કરી શક્યા હતાં. 1971માં બ્લડ ટ્રાન્સફ્યુઝન એન્ડ ઇમ્યૂનો હેમેટોલોજીની સ્થાપના કરવામાં આવી હતી. આજના દિવસે લોકોમાં રક્ત ઉપલબ્ધતા, બ્લડ બેંક, લોહીના ઘટકો , બ્લડ કમ્પોનન્ટ સેપરેશન યુનિટ, રક્તસંગ્રહ કેન્દ્રો-રક્તદાતા અને તેની વિવિધ સંસ્થા સાથે સરકારી-ખાનગી બ્લડ બેંકની વિવિધ માહિતી જાણવી જરૂરી છે. સમાજસેવી સંસ્થાની રક્તસેવા પ્રોજેક્ટ થકી પણ હજારો લોકોના આપણે જીવ બચાવી શક્યા છીએ. આજનો દિવસ જ તેના મહત્વની જાણકારી એકબીજાને આપવા માટેનો છે. ખાસ તો દેશનો યુવાધન આ બાબતે સક્રિય રીતે જોડાય તે ખૂબ જ જરૂરી છે.
આજના નેશનલ સ્વૈચ્છિક રક્તદાન દિવસનો મુખ્ય ઉદ્ેશ સ્વૈચ્છિક રક્તદાનના મહત્વ વિશે સમગ્ર દેશમાં લોકોમાં જાગૃતિ લાવવી અને જરૂરીયાતમંદ દર્દીઓની તાત્કાલીક જરૂરીયાત પૂરી કરવા માટે સ્વૈચ્છિક રક્તદાનનું લક્ષ્ય સફળતા પૂર્વક હાંસલ કરવાનો છે. આજના દિવસે સ્વૈચ્છિક રક્તદાતા તરફ આભારની લાગણી પણ પ્રગટ કરવાનો દિવસ છે. તંદુરસ્ત વ્યક્તિ હોવા છતાં રક્તદાન કરવામાં રસ ન ધરાવતા લોકોને પ્રોત્સાહિત કરવા એ પણ ઉત્તમ સેવા છે.
જરૂરીયાતમંદ વ્યક્તિને રક્ત અથવા તેના ઘટકોનું પરિવહન અથવા દાન આધુનિક સારવાર-આરોગ્ય સંભાળ પ્રણાલીમાં માનવતાનો મોટો ભાગ છે. બ્લડ ડોનર કે બ્લડ રિસીવર કોણ છે એ મહત્વનું નથી ભવિષ્યમાં રક્તદાન કરનારને પણ રક્ત ચડાવવાની જરૂર પડી શકે છે. સતત ત્રણ મહિને રક્તદાન કરનાર નિયમિત ડોનર સાથે તંદુરસ્ત ડોનર પણ છે. આજના દિવસે પરિવાર કે સગાસંબંધી માટે જ નહીં પણ કોઇપણ માણસ માટે રક્તદાન કરો.
રક્ત સંક્રમણ દ્વારા ફેલાના વિવિધ રોગોને રોકવા જેમકે એઇડ્સ, ગુપ્ત રોગોને રોકવા એકત્રિત લોહીના દરેક એકમની કાળજી પૂર્વકથી તપાસ પણ કરતી અતિ આવશ્યક છે. આજે તો ન્યુક્લિક એસીડ પરિક્ષણ જેવી અદ્યતન તકનીકો ઉપલબ્ધ છે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ 1940 મુજબ રક્તદતાઓ માટે વિવિધ માપદંડ છે. રક્તદાતાની ઉંમર 18 થી 60 વચ્ચે હોવી જોઇએ તે વજન 45 કિલોથી વધુ હોવુ જોઇએ. લોહી માનવ જીવનનો મહત્વનો ઘટક છે. કારણ કે તે શરીરની પેશીઓ અને અંગોને નિર્ણાયક પોષણ પુરૂ પાડે છે. આજના દિવસની ઉજવણી સમાજમાં મોટા ફેરફાર લાવવા માટે કરવામાં આવે છે, જેથી જીવન બચાવવાના પગલાઓ ઝડપી લઇ શકાય છે. હિંસા, ઇજા, બાળજન્મને લગતી મુશ્કેલીઓ માર્ગ ટ્રાફિક અકસ્માતો અને બીજી ઘણી પરિસ્થિતિઓને કારણે થતી ગંભીર બીમારીને રોકી શકાય છે. સુરક્ષિત રક્તદાન દર વર્ષે તમામ ઉંમરના અને જીવનનાં તમામ ક્ષેત્રોના ઘણા લોકોનું જીવન બચાવે છે.
આપણા દેશમાં ત્રિપુરા રાજ્યમાં સ્વૈચ્છિક રક્તદાતાનું 93 ટકા સાથેનું પ્રમાણ પ્રથમ નંબરે છે જ્યારે તામિલનાડું, બંગાળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો ટોપ-5 માં આવે છે. મણીપૂર રાજ્યમાં દેશની સૌથી નીચી ટકાવારી રક્તદાતાની જોવા મળે છે. આજે સ્વૈચ્છિક રક્તદાન અભિયાન પ્રત્યે સામાન્ય લોકોની અજ્ઞાનતા, ભય અને ગેરસમજો દૂર કરવાનો શુભાશય છે.
આજે દરેક સવારથી સાંજ સુધીમાં ઇચ વન ટીચ વન નીતી અનુસાર મિત્ર સર્કલમાં આનો પ્રચાર-પ્રસાર કરે અને રક્તદાન અવશ્ય કરે. આજે બ્લડ કોમ્પનન્ટ સિસ્ટમને કારણે લોહીમાંથી વિવિધ ઘટકો છૂટા પાડીને દર્દીની જરૂરિયાત મુજબ તેજ ઘટક ચડાવવાથી રીક્વરી ફાસ્ટ આવે છે તો સામે એક જ બ્લડમાંથી ત્રણ-ચાર લોકોની જીંદગી બચાવી શકીએ છીએ.