દરેક માનવ જિંદગી બચાવવી જરૂરી
લોકડાઉન લંબાવાશે, જરૂરિયાતની વસ્તુઓને લઇ ‘દરવાજા’ ખુલ્લા મુકાશે ક્ષ રાષ્ટ્રીય આપદાને લઇ લોકડાઉન વધારવું જરૂરી
કોરોના વાયરસના સંક્રમણની સાયકલને રોકવા માટે દેશભરમાં ૨૧ દિવસના લોકડાઉનની અમલવારી થઈ રહી છે. છતાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ આગામી સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા હજુ લોકડાઉનની સમય અવધી વધારવામાં આવે તેવી શકયતા છે. જો કે, કોરોના વાયરસની સાયકલ તોડવાની સાથો સાથ જરૂરીયાતની સાયકલ તૂટે નહીં તે પણ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે તે દરમિયાન જીવન જરૂરી વસ્તુનું વહન પણ જળવાઈ રહે તે સુનિશ્ર્ચિત સરકાર કરી રહી છે.
ગઈકાલે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિને સામાજિક કટોકટી ગણાવી હતી. મુખ્ય પક્ષોના નેતાઓ સાથે વિડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ આગામી ૧૫ એપ્રિલે લોકડાઉન ખુલશે નહીં તેવા સંકેતો આપ્યા હતા. વિડિયો કોન્ફરન્સ દરમિયાન જિલ્લા તંત્ર, નિષ્ણાંતો અને રાજ્ય સરકારો દ્વારા લોકડાઉન વધારવાની હિમાયત કરવામાં આવી હતી. હજુ આગામી શનિવારે વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં લોકડાઉનની અવધી વધારવા સહિતના મુદ્દે નિર્ણયો લેવાશે.
વડાપ્રધાન મોદી સાથે વિડિયો કોન્ફરન્સીંગ સમયે એનસીપીના વડા શરદ પવાર, બીએસપીના સતીષ મિશ્રા, એસપીના રામગોપાલ યાદવ, ટીએમસીના સુદીપ બન્દોપાધ્યાય, બીજેડીના પિનાકી મિશ્રા અને ડીએમકેના ટી.આર.બાલુ પણ હાજર હતા. આ મીટીંગ દરમિયાન વડાપ્રધાન મોદીને લગભગ તમામ લોકોએ લોકડાઉન વધારવાની અરજ કરી હતી. પરિણામે આગામી સમયમાં લોકડાઉનની અવધી વધે તેવું પણ ફલીત થઈ રહ્યું છે. રાજકીય પક્ષો સાથેની બેઠકમાં લોકડાઉનની અસરને લગતા મુદ્દે પણ ચર્ચાઓ થઈ હતી.
અહીં નોંધનીય છે કે, ચીનના વુહાન શહેરમાંથી ફાટી નીકળેલા કોરોના વાયરસના કારણે વિશ્ર્વભરમાં હજ્જારો લોકોના મોત નિપજી ચૂકયા છે. ઈટાલી, ચીન અને સ્પેન જેવા દેશોમાં કોરોના વાયરસે ભારે તારાજી સર્જી છે. અમેરિકામાં પણ છેલ્લા અઠવાડિયાથી મોતની સંખ્યા સતત વધી રહી છે. અલબત અન્ય વિકસીત દેશની સરખામણીએ ભારતમાં મૃત્યુઆંકનું પ્રમાણ ઓછું છે જેની પાછળ અનેક કારણ જવાબદાર હોવાનું ફલીત થાય છે. આવા સમયમાં લોકડાઉનની અવધી વધારવામાં નહીં આવે અને બજારો રાબેતા મુજબ ફરી ધમધમી ઉઠશે તો વાયરસ લાખો લોકોને ભરડામાં લઈ લે તેવી વકી છે. જેથી સરકાર લોકડાઉન કઈ રીતે ઉઠાવવું અથવા લોકોની જરૂરીયાત પણ સંતોષાય જાય અને સોશિયલ ડિસ્ટન્સ બરકરાર રહે તે અંગે નિષ્ણાંતોની સલાહ લઈ રહી છે.
કોરોના વાયરસના કેસ બહુ ઝડપથી વધી રહ્યાં છે. વાયરસનો ચેપ લાગ્યો હોય તે આંકડો હવે ૫૫૦૦ને પાર થઈ ચૂકયો છે. જ્યારે મૃત્યુઆંક ૨૦૦ની નજીક પહોંચી ગયો છે. આંકડા મુજબ ૨૦ લોકોના મોત તાજેતરમાં નિપજયા છે. કેસોની સંખ્યામાં એકાએક આવેલા ઉછાળાએ લોકોને દહેશતમાં મુકયા છે. સુત્રો પાસેથી મળતા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના કુલ ૫૬૭૯ કેસ છે. જેમાંથી ૬૦૦ જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારબાદ તામિલનાડુમાં પણ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવા સંજોગોમાં લોકડાઉનની અમલવારી ખુબજ આવશ્યક બની જાય છે.
લોકડાઉન દરમિયાન હોમ કવોરન્ટાઈન રહેલા લોકોને બહાર ન આવવા અપીલ કરવામાં અવી રહી છે. પરંતુ કેટલાક ગણ્યા ગાંઠયા બેવકુફના કારણે કેસની સંખ્યામાં સતત વધારો થતાં સરકાર પણ મુંઝાય છે. વર્તમાન સમયે સરકારે કેસની વધતી સંખ્યાને રોકવા માટે લોકડાઉન વધારવાનો વિચાર કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
દેશની અર્થવ્યવસ્થાને યથાયોગ્ય રીતે જાળવી રાખવા મેન્યુફેકચરીંગ યુનિટોનું ચાલુ થવું અત્યંત જરૂરી છે. ભારત દેશમાં ઘણાખરા ઉધોગોમાં હિઝરત કરનાર શ્રમિકો કામ કરતા હોય છે ત્યારે આ સમયમાં તેઓ તેમના વતન ચાલ્યા ગયા હોવાથી લોકડાઉન બાદ જે ઉધોગો ધમધમશે તેમાં તેની માઠી અસર જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. લોકડાઉન ખુલતાની સાથે જ આ તમામ ઉધોગોને શ્રમિકો એટલે કે કારીગરોની તાતી જરૂર પડશે ત્યારે આ મુદ્દાને સરકાર સહેજ પણ હળવાશથી નહીં લ્યે. લોકડાઉન વધશે તો પણ જરૂરીયાતની વસ્તુઓની સાઇકલ તૂટે નહીં તે જરૂરી છે. દેશમાં મુખ્યત્વે જે ઉધોગો સ્થાપિત થયેલા છે તેમાં શ્રમિકોની સંખ્યા અનેકગણી વધુ જોવા મળે છે ત્યારે હાલ લોકડાઉન બાદ ઉધોગોને જો કોઈ મુંઝવતો પ્રશ્ર્ન હોય તો તે શ્રમિકોને પાછા કામ પર લઈ આવવા માટેનો હશે. આ મુદ્દાને ધ્યાને લઈ સરકારે અનેકવિધ પ્રકારની યોજનાઓ અમલી બનાવવી પડશે જેથી જરૂરીયાતની ચીજવસ્તુઓને લઈ કારખાના પણ ધમધમતા રહે અને માઈગ્રેટેડ એટલે કે હિજરત કરતા શ્રમિકોને પણ પુરતુ પ્રોત્સાહન મળી રહે.
લોકડાઉનના કારણે વર્તમાન સમયે બજારમાં ઉદ્યોગ ધંધા સદંતર બંધ છે જરૂરીયાતની વસ્તુઓ સીવાય અન્ય કોઇ ચીજવસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ અથવા સપ્લાય થઇ રહી નથી ત્યારે હાલ સરકાર બજારમાં તરલતા લાવવા માટે નાના ઉધોગકારો માટે રાહતનાં દરવાજા ખોલશે. એવી જ રીત નાણામંત્રાલય દ્વારા જે નાના ટેકસ પેયરો છે તેને રીફંડ નજીકનાં સમયમાં જ મળી રહે તે માટેની યોજના પણ અમલી બનાવવામાં આવી છે જેમાં નાણા મંત્રાલય ડાયરેકટ અને ઈનડાયરેકટ ટેકસ પેટે ૧૮ હજાર કરોડનું રીફંડ આપશે જેમાં ઈન્કમ ટેકસ દ્વારા ૫ લાખ સુધીનું રીફંડ અપાશે જેમાં ૧૪ લાખ કરદાતાઓને આ યોજનાનો લાભ પણ મળશે. નીતિન ગડકરીએ નેશનલ હાઈવેનાં બંધ કામોને ફરી ચાલુ કરવા પણ તાકિદ કરી છે. નાણા મંત્રાલય દ્વારા આવનારા નજીકના દિવસોમાં એક લાખ ઉધોગોને જીએસટી તથા કસ્ટમ્સમાં રીફંડ આપવાની જાહેરાત પણ કરી છે. માનવામાં આવે છે કે, સરકાર નાના ટેકસ પેયરોને પ્રોત્સાહિત કરી બજારમાં તરલતા લાવવા રાહતનો પટારો ખોલશે.
લોકડાઉનમાં ૩.૫ લાખ લોડેડ ટ્રકો માર્ગમાં ફસાયા
વિશાલ દેશ ભારતમાં ૮૫ ટકા ચીજવસ્તુઓનું એક સ્થાનેથી બીજા સ્થાને પરિવહન માર્ગો દ્વારા થાય છે. ત્યારે કોરોના વાયરસને ફેલાતો રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા લોકડાઉનની ૩.૫ લાખ ટ્રકો માર્ગો પર ફસાઇ જવા પામ્યા છે. આ ટ્રકોને તેમના ડિલેવરી સ્થાને પહોંચી શકયા ન હોય આશરે ૩પ હજાર કરોડ રૂા.નો માલસામાન અટવાઇ જવા પામ્યો છે. લોકડાઉનની સ્થિતિ દરમ્યાન માર્ગ પરિવહન સાવ નહિવત થઇ જવા પામ્યું હોય કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા જે નેશનલ હાઇવેના કામો ચાલુ છે જેને ઝડપભેર પૂર્ણ કરવાની
છુટ આપવા વિચારણા હાથ ધરી છે. માર્ગોમાં ફસાયેલા આ ટ્રકોમાં ભરાયેલા માલ સામાનોમાં મોટરો, એસયુવી, દ્વિચક્રી વાહનો અન્ય સાધન સામગ્રીમાં એસી, રેફીજરેટક, વોશિંગ મશીન, ઇલેકટ્રીકલ આઇટમ, ઓદ્યોગિક કાચી સામગ્રી જેવી કે સ્ટીલ, કેમીકલ અને સિમેન્ટ ભરેલા ખટારાઓનો સમાવેશ થાય છે. ટ્રક માલીકો અને ટ્રાન્સપોટરોએ જણાવ્યું હતું કે માલ સામાનના નુકશાનની સાથે સાથે ડ્રાઇવર કલીનરની સાથે સાથે કામદારોની ઘટ્ટ જેવા કેટલાંક જોખમો સામે આવીને ઉભા છે જમવાની વ્યવસ્થા અને પૈસાની અને સેમીટ્રાઇઝેશન પુરતી અવ્યવસ્થાને કારણે ડ્રાઇવર- કલીનર પણ ચાલ્યા ગયા છે નિશ્ર્ચિત જગ્યાએ પહોચેલા માન સામાનને ઉતારવા માટે સહાયક મજુરોની કારખાનાઓ અને ડિલરો અને ગોડાઉનની મોટી અછત ઉભી થઇ છે. ઓઇ ઇન્ડીયા મોગટર ટ્રાન્સોર્પોટેશનના પ્રમુખ કુલતરણ સિંહા અટવાલે જણાવ્યું હતું કે ટ્રક માલીકો માટે આ ખુબ જ પીડાદાયી પરિસ્થિતિ છે. હજારો કરોડો રૂપિયાનો માલ અત્યારે રસ્તા ઉપર પડેલો છે. આ માટે જલ્દીથી કોઇ પગલા ભરીને અમને મદદ કરવી જોઇએ. દેશનું સૌથી મોટા ટ્રક એસોસીએશન એ.ટી.એમ.ટી.સી. સંગઠન દ્વારા સરકાર પાસે ખાસ વળતરની માંગ કરી છે. અટવાલે જણાવ્યું હતું કે ટ્રકોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અનાજ, દવાઓ અને સેનીટ્રાઇજેશન પ્રોકટકની છુટ છે તેમ સરકારે અન્ય વસ્તુના પરિવહનને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડવાની છુટ આપવી જોઇએ. જેનાથી પરિવહન વ્યવસ્થા ચાલુ રહે અત્યારે દરેક રાજયની ચેક પોસ્ટ અને નાકાઓ પર ટ્રકના ખડકલાઓ અને વિવિધ જગ્યાએ પાકીંગ કરી દેવા પડયા છે. અમે ખુબ મુશ્કેલીમાં મુકાય ગયા છીએ તેથી પ્રતિબંધો હળવા કરવા જોઇએ. કેટલાક ટ્રક માલીકોએ એવી ફરીયાદ પણ કરી છે કે ઘણી જગ્યાએ ખાવાની, દવાની, શૌચાલયો, માસ્કની કોઇ સગવડતા ન હોવાથી અસંખ્ય ડ્રાઇવરો કલીનરો તેમના વાહનો મુકીને ઘરે જતા રહ્યા છે. કાર કેરીયર એસો.ના પ્રમુખ વિપુલ નેહાએ દાવો કર્યો છે કે ૧પ૦૦ ક્ધટેનરોમાં દસેક હજાર મોટરો અને અલગ અલગ બ્રાન્ડ એસ.જી.વી. રસ્તાઓ પર ફેકટરીઓમાં અને ગોડાઉનની બહાર ફસાઇ ગઇ છે. કારગોર્જ ક્ધટેનરમાં મોટા ટ્રકમાં સામાન્ય રીતે સાત વાહનો સમાય છે. તેમને સાચવીને દેશના વિવિધ વિસ્તારોમાં મોકલવામાં આવે છે. ઓટો ઉત્૫ાદન હબ, ગુરગાવં, માલેસર, પૂર્ણ પ્રદેશ અને ગુજરાત ઓટો ક્રસ્ટર અને ચેન્નાઇ વિસ્તારમાં આ ક્ધટેનર ફસાય ગયા છે.
બાંધકામ ક્ષેત્રના બે કરોડ શ્રમિકો માટે ત્રણ હજાર કરોડ ઢીલા કરશે સરકાર
બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકોની હાલત પણ કોરોના વાયરસના પગલે અમલમાં મુકાયેલા લોકડાઉનના કારણે ખરાબ છે. આર્થિક સ્તરે નબળા ગણાતા શ્રમિકોને રાહત મળી રહે તે માટે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂા.૩૦૦૦ કરોડની ફાળવણી રાજ્ય સરકારોને થઈ હતી. રાજ્ય સરકારો દ્વારા આગામી સમયમાં શ્રમિકોને રૂા.૧ હજારથી ૬ હજાર સુધીના લાભ આપવામાં આવશે. દેશમાં ૩.૫ કરોડ શ્રમિકો નોંધાયેલા છે. જેઓને રાજ્ય સરકારો તરફથી રોકડ સહાય મળશે. આ રોકડ સહાય રૂા.૧ હજાર થી ૬ હજાર સુધીની રહેશે. આ ઉપરાંત ૨ કરોડ
શ્રમિકોના કલ્યાણ માટે રૂા.૩ હજાર કરોડનું ફંડ અલગથી રાખવામાં આવ્યું છે. એકંદરે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિકો માટે ૩૧ હજાર કરોડનું ફંડ એકઠુ કરાયું હતું. બીજી તરફ બાંધકામ ક્ષેત્રના ૨૯ લાખ શ્રમિકોને ખોરાક મુદ્દે પણ કેટલીક રાહતો સરકાર દ્વારા આપવામાં આવી હતી. નોંધનીય છે કે, ગત તા.૨૫ માર્ચથી શરૂ થયેલું લોકડાઉન આગામી ૧૪ એપ્રિલે પૂર્ણ થવા જઈ રહ્યું હોવાની અપેક્ષા સેવાઈ રહી છે. જો કે આ લોકડાઉનનો સમયગાળો વધશે તો વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો શ્રમિકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી સરકાર અન્ય રાહત પેકેજની જાહેરાત કરે તેવી પણ શકયતા છે.
બાંધકામ ઉદ્યોગને જીવતો રાખવા સરકાર ટૂંકા ગાળામાં ગાઇડલાઇન ઘડશે
રિયલ એસ્ટેટ સેકટર પણ કોરોનાના કારણે ઘેરી મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. મહામારીએ રિયલ એસ્ટેટ સેકટરને સદંતર ધીમુ પાડી દીધું છે. જેથી આગામી દિવસોમાં આ સેકટર ધમધમતુ રહે તે માટે વન ટાઈમ ડેપ્ટ રિસ્ટ્રકચરીંગ, રેરાના નિયમોમાં રાહત સહિતના મુદ્દે ગાઈડ લાઈન ઘડવામાં આવશે. તાજેતરમાં હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ સેક્રેટરી દુર્ગાશંગર મિશ્રાએ નવી ગાઈડ લાઈન મુદ્દે સંકેતો આપ્યા હતા. તેમણે બિલ્ડરોને શ્રમિકોની મદદ કરવા આહવાન પણ કર્યું હતું. ટ્વીટર પણ તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયે વિડીયો
કોન્ફરન્સના માધ્યમથી દેશના ૨૬૦૦ ટોચના રિયલ એસ્ટેટ ડેવલોપર્સ સાથે ચર્ચા થઈ રહી છે. લોકડાઉન દરમિયાન આ સેકટરને પડેલી અસર અંગે વાટાઘાટો થઈ છે. દેશના અર્થતંત્રની સાથો સાથ તમામ સેકટરને જીવતા રાખવા માટે કેટલાક પગલા કેન્દ્ર સરકાર દ્વારા લેવાશે. રેરા દ્વારા કેટલીક નવી જાહેરાતો કરવામાં આવશે. નોંધનીય છે કે, વર્તમાન સમયે ભારત સહિતના દેશોની આર્થિક હાલત કફોડી છે. આવા સંજોગોમાં દેશના ટોચના સેકટર ગણાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
બજારમાં તરલતા લાવવા નાના ઉદ્યોગકારો અને નાના કરદાતાઓ માટે રાહતના દરવાજા ખોલતી સરકાર
ઘણા સમયથી ભારત દેશની અર્થવ્યવસ્થા અત્યંત નબળી થઈ છે જેના કારણે જે તરલતાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. વિશ્ર્વ આખામાં જયારે કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે ત્યારે હાલના સમયે લોકડાઉનમાં ધંધા-રોજગારો પણ બંધ થઈ ગયા છે ત્યારે આ સમયગાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને કોઈ માઠી અસર ન પહોંચે તે માટે સરકાર રાહત પેકેજોની જાહેરાત ટુંક સમયમાં કરશે તેવું જાણવા મળી રહ્યું છે. નાના-મધ્યમ ઉધોગો માટે રૂા.૧ લાખ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરશે તેવું પણ લાગે છે ત્યારે સરકાર દ્વારા
જે બીજુ રાહત પેકેજ આપવામાં આવશે તે મધ્યમ વર્ગીય ઉધોગ માટે હોવાનું પણ સામે આવ્યું છે અને આ અંગેની માહિતી પણ સરકારનાં વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. તેમનાં જણાવ્યા મુજબ મોટા ઉધોગો માટે પણ અન્ય રાહત પેકેજો આવનારા સમયમાં આપવામાં આવે તો નવાઈ નહીં.
જરૂરિયાતની વસ્તુઓને લઇ કારખાના ઝડપથી ધમધમતા કરવા વાણિજ્ય મંત્રાલયની ભલામણ
કોરોના વચ્ચે દેશમાં જે લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી તમામ ઉધોગો બંધ થઈ ગયા છે. સાથોસાથ જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ માટેનો સ્ટોક પણ ખાલી થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવા અને કાબુ મેળવવા વાણિજય મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે કે, જીવન જરૂરીયાત વસ્તુઓને લઈ કારખાનાઓને ઝડપથી ધમધમતા કરવામાં આવે. વાણિજય મંત્રાલય દ્વારા વધુમાં વિકાસને વેગ આપતા મેન્યુફેકચરીંગ યુનિટોને ચાલુ કરવાની તાકિદ પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર કઠોળ, તેલીબીયાનો સ્ટોક ૯૦ દિવસમાં હસ્તગત કરી શકશે!
લોકડાઉન પીરીયડમાં સરકારે તમામ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ માટે રાહત આપી છે. જીવન જરૂરીયાત ચીજવસ્તુઓમાં ખાદ્ય સામગ્રીઓને લોકો ખરીદી શકે તે માટેનાં અનેકવિધ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે જેમાં સરકારે પુરવઠા વિભાગને તાકિદ કરી તમામ લોકોને જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ મળી રહે તે માટે પણ જણાવ્યું છે ત્યારે ખેત મંત્રાલયનાં મંત્રી નરેન્દ્રસિંહ તોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે, કઠોર તથા તેબીલીયા માટે જે હસ્તગત કરવાનો સમય છે તે ૯૦ દિવસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર ટેકાના ભાવે ખેડુતો
પાસેથી ૨૫ ટકા જેટલા તેબીલીયા અને કઠોર હસ્તગત કરતું હોય છે પરંતુ હાલ લોકડાઉનનાં સમયમાં ખેડુતો તેમની ઉપજ વહેંચી શકતા નથી ત્યારે ખેડુતોને કોઈપણ મુશ્કેલી કે તકલીફનો સામનો ન કરવો પડે તે માટે સ્ટેટ ગર્વમેન્ટ અને સ્ટેટ ઓથોરીટી તમામ ખેડુતો પાસેથી કઠોર અને તેલીબીયાના સ્ટોકને હસ્તગત કરવાની કામગીરી ચાલુ કરી શકશે. આ તકે નરેન્દ્રસિંહ તોમરે વિડીયો કોન્ફરન્સ મારફતે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ઉપજોને હસ્તગત કરવા માટેનું મોડેલ અપનાવવું જોઈએ. આ સમયગાળા દરમિયાન સરકાર ખેડુતોની વ્હારે આવી ખેતીનાં લગતા તમામ મુંઝવતા પ્રશ્ર્નોનું નિરાકરણ કરશે. વધુમાં જાહેરાત કરતા એગ્રીકલ્ચર મિનિસ્ટરે તાકિદ કરી છે કે આ લોકડાઉનનાં સમયમાં ખેડુતોને જે મંડી ટેકસ ભરવો પડતો હતો તેમાંથી પણ તેઓને મુકિત આપવામાં આવશે. તેઓનાં જણાવ્યા મુજબ તમામ કો-ઓપરેટીવ સોસાયટીનાં જણાવવામાં આવ્યું છે કે તેઓ સીધા જ ખેડુતો પાસેથી ઉપજોની ખરીદી કરે નહીં કે મંડીમાં જઈ તેમની ખરીદી થાય. આ તમામ વિકાસલક્ષી નિર્ણયો થકી એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, સરકાર ખેડુતોને પ્રોત્સાહિત કરવા માટે ૯૦ દિવસમાં કઠોર અને તેબીલીયાની ઉપજને હસ્તગત કરશે.
શું રેસ્ટોરન્ટ અથવા હોટલના ફૂડ પાર્સલને રોકી શકાય?
કોરોનાના પગલે સમગ્ર દેશમાં જયારે લોકડાઉન જોવા મળી રહ્યું છે ત્યારે જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ સિવાયની તમામ ઉધોગોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ તકે હોટલ અને રેસ્ટોરન્ટને પણ બંધ કરી દેવાની તાકિદ કરવામાં આવી છે ખોરાક તે લકઝરી નહીં પરંતુ જીવન જરૂરીયાત વસ્તુઓ માની એક છે. આ તકે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સરકારને આ અંગે રજૂઆત પણ કરી છે. સંવિધાનમાં પણ ખોરાકને બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાંથી ફુડ પાર્સલ સેવાને કોઈપણ રીતે રોકી ન શકાય તે વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે. ફુડ પાર્સલ જીવન જરૂરીયાત હોવાનાં કારણે તેને ચાલુ રાખી
શકાય તેવી પણ વાત સામે આવી છે. કલમ ૧૪૪નો ભંગ ન થાય તે માટે હોટલ તથા રેસ્ટોરન્ટમાં ડાઈન-ઈન ફેસેલીટીને બંધ કરી દેવામાં આવી છે ત્યારે કોઈપણ ખાદ્ય ચીજ-વસ્તુઓની ફુડ ડિલવરી કરી શકાય તેમાં કોઈપણ અડચણ ઉભી ન થાય તેવી પણ જોગવાઈ કરાઈ છે. હોટલ અને રેસ્ટોરન્ટ મુદ્દે ઘણીખરી રીતે ખોટા અને ભ્રામક મેસેજો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયા છે જેમાં આગામી ૧૫ ઓકટોબર સુધી હોટલ અને રેસ્ટોરન્ટોને બંધ રાખવાની વાત સામે આવી છે પરંતુ આ મેસેજને પ્રસાર ભારતી દ્વારા નકારવામાં આવ્યો હતો. ફુડ પાર્સલ સેવા જરૂરીયાતની ચીજ-વસ્તુઓમાં સામેલ કરવામાં આવી છે તેનું એક કારણ એ પણ છે કે રાજયમાં જે લોકો એકલા રહેતા હોય કે તેઓ રસોઈ બનાવી ના શકે તે માટે તેઓને ખોરાક યોગ્ય રીતે મળી રહે તે માટેની ફુડ પાર્સલ સેવા અત્યંત જરૂરી અને અનિવાર્ય છે પરંતુ હોટલ તથા રેસ્ટોરન્ટ ચાલુ ન રાખી શકાય તે પણ એક વાસ્તવિકતા છે. લોકો જો ફુડ પાર્સલ લેવા માંગતા હોય તો તેઓને આ સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
વિશ્વ વ્યાપાર ૩૦ ટકા ઘટી જશે: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન
કોરોના વાયરસના કારણે વિશ્વભરના અર્થતંત્રની કમર ભાંગી ચૂકી છે. પરિણામે આગામી સમયમાં વિશ્વ ૨૦૦૮-૦૯ કરતા પણ ભયાનક મંદીના ભરડામાંથી પસાર થાય તેવી દહેશત સેવવામાં આવી રહી છે. ૨૦૨૦માં કોરોના વાયરસના કારણે ૩૦ ટકા વ્યાપાર ઘટી જાય તેવી ભીતિ હોવાનું વિશ્વ વ્યાપાર સંગઠનનું કહેવું છે. વિશ્વ વ્યાપાર સંગઠનના મેનેજિંગ ડાયરેકટર રોબર્ટ એજેવેડોએ જણાવ્યા મુજબ ૨૦૨૦ના અંત સુધીમાં વૈશ્ર્વિક વ્યાપારને ગંભીર પરિણામો ભોગવવા પડશે. હોટલ, રેસ્ટોરન્ટ, રિટેલ ચેઈન, ટુરીઝમ અને મેન્યુફેકચરીંગ
ક્ષેત્રને ગંભીર અસરો થશે. આ ઉપરાંત ૨૦૨૧માં વિવિધ દેશોએ અંદાજીત રાખેલા વિકાસના આંકડા પણ કોરોના વાયરસના કારણે બગડશે તેવું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે. નોંધનીય છે કે, ગત ઓકટોબર મહિનામાં વિશ્ર્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને વેપારના વિકાસનો આંકડો ૨.૭ ટકા હોવાનો અંદાજ માંડ્યો હતો. ૨૦૧૯માં આ આંકડો ૧.૨ ટકાનો હતો. અલબત વર્તમાન સ્થિતિ જોતા ઓકટોબર મહિનામાં વિશ્ર્વ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને માંડેલો આંકડો યોગ્ય પરિણામો નહીં આપે તેવું કહી શકાય. કોરોના વાયરસના કારણે ચીન અને અમેરિકા જેવા મોટા વેપારી દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ચૂકયા છે. ભારતીય અર્થતંત્ર પર પણ કોરોના વાયરસથી લોકડાઉનની ગંભીર અસર પડી છે. જેના માઠા પરિણામો આગામી સમયમાં ભોગવવા પડશે તેવું માનવામાં આવે છે.