સત્તા એ સાધ્ય નહીં લોકસેવાનું સાધન છે એ વાજપેયીજીએ સાબિત કર્યું છે : રાજુભાઇ ધ્રુવ
પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી બાજપેયીજીની પ્રથમ માસીક પુણ્યતિથી નિમિત્તે સુરેન્દ્રનગરના વઢવાણ મેડીકલ હોલ ખાતે કાવ્યાંજલી કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદ પરથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ શબ્દાંજલીમાં પાઠવતા જણાવ્યું કે, અટલજી પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને ભારત માતાના સાચા સપૂત હતા. રાષ્ટ્રહિત અટલજી માટે સૌપ્રથમ-સર્વોપરી હતું. તેઓ કહેતા કે, રાજનીતિ રાજકીય સત્તા આપણા માટે સાધ્ય નહીં, સેવાનું સાધન છે. રાષ્ટ્રનું પરમ કલ્યાણ અને સમૃદ્ધિ એ જ આપણા સૌનું લક્ષ્ય છે. અટલજીને આ દેશે સદાય એક જીવંત અને જીવતા જાગતા રાષ્ટ્રપુરુષ તરીકે જોયા છે.
રાજુભાઇ ધ્રુવએ ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીને સ્વરાંજલી આપતા વધુમાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી માટે તેમના ઉમદા જીવન-કવનમાંથી સમાજ અને રાષ્ટ્ર સેવાના ગુણો પ્રેરણાસ્ત્રોત બની રહેશે. બાજપેયીનો રાષ્ટ્ર ઉત્થાન ભાવ, દેશહિત અને સમાજ માટેની સેવા પરાયણતા હંમેશા સૌને પ્રેરણા આપતા રહેશે. પ્રેમ અને મમતાની સાથોસાથ અનુશાસન, માનવતાના મૂલ્યો અને સદાચારના સંસ્કાર અટલજીને વારસામાં મળ્યા હતા. એમણે ભારતમાતાની સેવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી હતી. તેઓ એક કવિ હ્દયના માનવી અને પ્રખર વકતા હતા. અટલજીના ભાષણો સાંભળવા એક લ્હાવો ગણાતો.
રાજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે તા.૧૫ ઓગષ્ટ ૧૯૯૮ના દિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા કહેલું કે, એક સામાન્ય પરિવારમાં જન્મેલો, શાળાના શિક્ષકનો પુત્ર ભારતના વડાપ્રધાનપદે પહોંચે એ ભારતીય લોકતંત્રની મજબૂતીનું પ્રતીક છે. રાજનીતિ માં આદર્શો,નૈતિક મૂલ્યો ના પ્રખર ઉપાસક તેઓને લોકતંત્ર અને સંવિધાનમાં ગજબની આસ્થા હતી. આ પ્રસંગે રાજુભાઇ ધ્રુવે બાજપેયીની કવિતાઓમાં રહેલા હાર્દ-ભાવ-સંવેદનાની વિશેષ છણાવટ કરી હતી. સ્મરાંજલીના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ,દિલીપભાઈ પટેલ સાંસદ દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢિયાર, રતિલાલ યાદવ સત્યજીતસિંહ, મનહરસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ ટોળીયા, પી કે સિંધવ, મીડીયા સેલના હર્ષદ ગાંધી, પદાધિકારીઓ, આગેવાનો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાના ચૂંટાયેલા સભ્યો, કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.