રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ સંચાલિત જ અને હાલના પૂરતી સુવિધા ઉપલબ્ધ હોય નવા ખર્ચ કર્યા વગર કોલેજ શરૂ કરવાની કવાયત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે એકેડેમિક કાઉન્સીલની બેઠક મળવાની છે ત્યારે રાષ્ટ્રીય શાળામાં ટ્રસ્ટ સંચાલિત કોલેજની મંજૂરી સહિતના નિર્ણયો લેવામાં આવશે. વર્ષોથી રાષ્ટ્રીય શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે હવે રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે વધુ એક ચાર કોર્ષ સાથેની કોલેજ શરૂ થવા જઇ રહી છે ત્યારે રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ સંચાલિત જ અને હાલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ હોય, અને નવા કોઇ ખર્ચ કર્યા વગર આ કોલેજ તૈયાર જ છે. મંજૂરી મળ્યે આ કોલેજ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવશે.
રાષ્ટ્રીય શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શાળા વર્ષોથી બાળકોને તેમજ મોટેરા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ જ છે અને તેવી તમામ વસ્તુઓ રાષ્ટ્રીય શાળામાં કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓની સુવિધા વધે તે માટે ચાર વર્ષ પહેલા જ નવી કોલેજ અને નવા ચાર કોર્ષ માટેની મંજૂરી માંગવામાં આવી હતી. જો કે, હવે ત્યારબાદ કોઇ નિર્ણય લેવાયો ન હતો. ફરી પાછું આજે એકેડેમિક બેઠકમાં અને બીયુટીની બેઠકમાં નવી કોલેજને જો મંજૂરી મળે તો અમારી પાસે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના રાષ્ટ્રીય શાળાની અંદર જ ટ્રસ્ટ સંચાલિત કોલેજ શરૂ થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શાળાની અંદર બિલ્ડીંગનું કામકાજ થઇ રહ્યું છે. 15 થી 20 દિવસમાં આ કામ પૂર્ણ થઇ જશે. ત્યારબાદ જો મંજૂરી મળે તો કોલેજ શરૂ થઇ જશે. પુરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે અદ્યતન કોમ્પ્યૂટર લેબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે અને જો મંજૂરી મળશે તો કોલેજ આ વર્ષથી જ શરૂ થઇ જશે.
રાષ્ટ્રીય શાળામાં કોલેજ શરૂ થાય તો તેમાં બી.કોમ, બી.બી.એ, બી.સી.એ. અને બી.એ.આઇ.ડી. સહિતના ચાર કોર્ષ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને કોઇપણ જાતની અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. બસ હવે મંજૂરીની મહોર મળે તેની જ રાહ જોવાઇ રહી છે.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળનારી એકેડેમિક કાઉન્સીલની બેઠકમાં રાષ્ટ્રીય શાળા ટ્રસ્ટ સંચાલિત કોલેજ સહિત નવા જોડાણમાં રાજકોટ મિરામ્બિકા કોલેજને બી.કોમ., મુરલીધર કોલેજને નર્સિંગ તથા એસ.વી.ગાર્ડી બી.એડ. કોલેજને બી.કોમ.ના નવા જોડાણ સહિતના નિર્ણયો લેવાશે.