વિદ્યાભારતી સંસ્થા બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવે છે: મુખ્યમંત્રી
ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજીત વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ સન્માન સમારોહ સંપન્ન
આજે અત્રે પ્રમુખસ્વામિ ઓડિટોરીયમ ખાતે સરસ્વતિ વિદ્યા મંદિરના યજમાનપદે ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજિત પ્રદેશ વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકરણ-સન્માન સમારોહના અધ્યક્ષસ્થાનેથી રાજકોટના સપુત અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર એ સર્વોપરી છે, રાષ્ટ્ર માટે કાર્ય કરીએ, જીવીએ અને મરીએ આપણી ઋષિ પરંપરામાં ગુરુકુળોમાં રાજકુમારો અને સમાજના યુવાનોને શિક્ષણ સાથે ધર્મ જોડીને સંસ્કારીત અને દિક્ષીત કરવામાં આવતા હતા. આપણી સંસ્કૃતિ, રાષ્ટ્ર અને માનવતાના મૂલ્યો કઇ રીતે સુદ્રઢ થાય તે માટે પ્રયત્નો ઋષિમુનિઓ કરતા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાભારતી સંસ્થા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મૂળભૂત વિચારોને લઇને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. રાષ્ટ્રને પરમ વૈભવ ઉપર લઇ જવા અલગ-અલગ દિશામાં જે પ્રયત્નો થઇ રહયા છે તેમાં એક વિદ્યાભારતી છે. અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રસેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભારતને એક મહાસત્તા બનાવવા સતત પ્રયત્ન કરી રહયા છે ત્યારે આપણે સૌ ભારત માતાને મા દુર્ગા જેવી શકિતશાળી બનાવવા અને રાષ્ટ્રના પુનરોત્થાનમાં સૌ સહયોગ આપીએ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિદ્યાભારતી વિદ્યાલયના એસ.એસ.સી.માં એ ગ્રેડ લાવનાર ૫ પ્રતિભાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશેષ સિધ્ધી મેળવનાર ૪ વિદ્યાર્થીઓ તથા ૪ પૂર્વ વિદ્યાર્થીઓ અને એસ.એસ.સી.-૨૦૧૮માં સો ટકા પરિણામ લાવનાર ૪ વિદ્યાલયોનું નીચે મુજબની વિગતે છાત્ર અલંકરણ સન્માન કરવામાં આવ્યુ હતું.
આ સન્માન કરાયેલ વિદ્યાર્થીઓમાં સર્વ નિષ્ઠા કુંભાણી, ટીશા બુધ્ધદેવ, ઝીલ પટેલ, શિવમ ત્રિવેદી, કિંજલ પીઠડીયા, સૌમ્ય પંડયા, વેદ પટેલ, નંદકુમાર પટેલ, રૂદ્રા ઠાકોર, રુચા આશર, ઝંખના ગણાત્રા, જય શેઠ, તીર્થ મહેતા અને વિદ્યાલયોમાં મતી સંઘવી ગર્લ્સ હાઇસ્કુલ વાંકાનેર અને અંકલેશ્વર કાકડકુઇ અને પાટણની સરસ્વતી માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાલયના આચાર્યએ વિધેયાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
અતિથિ વિશેષપદે ઉદ્યોગપતિ જયંતિભાઇ જાકાસણીયા, અગ્રણીઓ સુભાષ દવે, નીતીનભાઇ પેથાણી, ડો. બાબુભાઇ અઘેરા વિગેરે ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત પ્રદેશ વિદ્યાભારતી સંસ્થાના મહામંત્રી નીતીનભાઇ પેથાણીએ જણાવ્યું કે, વિદ્યા ભારતી શિક્ષણ પ્રશિક્ષણ, સંશોધન સાથે દેશની સંસ્કૃતીનું સંવર્ધન અને સંરક્ષણ કરે છે., દેશમાં ૨૦ હજારથી વધુ શૈક્ષણિક એકમો છે અને ગુજરાતમાં ૭૧૫ જેટલા શૈક્ષણિક એકમો છે.
અક્ષર પુરૂષોતમ મંદિરના સંત અપૂર્વમુનિ સ્વામીએ વિદ્યાભારતીના સેવા, સંસ્કાર, શિસ્ત અને સમર્પણના અલંકારોની સરાહના કરીને તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી ઘડવા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મતી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ, પ્રદેશ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, ડો. વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઇ વસોયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરતથા વિદ્યાર્થીઓ, શિક્ષકગણ વગેરે ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અપૂર્વભાઇ મણીયાર, મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઇ જાની, ટ્રસ્ટીઓ પલ્લવીબેન દોશી, રમેશભાઇ ઠાકર, કેતનભાઇ ઠકકર, અનીલભાઇ કીંગર, હસુભાઇ ખાખી, અક્ષયભાઇ જાદવ, કીર્તીદાબેન જાદવ, રણછોડભાઇ ચાવડા, વ્યવસ્થાપક કમિટિના સભ્યો, પ્રધાનાચાર્ય, આચાર્યગણ, શિક્ષકો વિગેરેએ જહેમત ઉઠાવી હતી.