પી.ડી. માલવીયા કોલેજ ખાતે એનસીસી યુનિટ, નેવી યુનિટના લોકાર્પણ પ્રસંગે રમેશભાઈ ઓઝાનું યુવાનોને સંબોધન
સાંસ્કૃતિક શિક્ષણ સમાજ રાજકોટ સંચાલિત પી.ડી.માલવીયા કોલેજ ઓફ કોમર્સ દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં એનસીસી યુનિટ, નેવી યુનિટનું લોકાર્પણ સાથે નવી ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તથા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જવાબદાર યુવા પેઢીના નિર્માણ માટે શિક્ષણ જગતની ભૂમિકા પર વકતવ્ય આપ્યું હતું. આ અવસર પર વિવિધ મહાનુભાવો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યુવાનોએ કોઈપણ રાષ્ટ્રની કોઈપણ પરિવારની શકિત છે. એ શકિત જેટલી કેળવાયેલી હોય સમજદાર, સકારાત્મક અને સર્જનાત્મક હોય તેટલો જ પરિવાર અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, સમજ અને સ્નેહ અને યોગ્ય માર્ગદર્શન સતત યુવાનોને અપાય તો નિશ્ર્ચિતપણે આપણા દેશની માટી ફળદ્રુપ છે તે ધરોહર બને સંપતિ બને. આજે હું પી.ડી.માલવીયા ખાતે યુવાઓને સંબોધવાનો છું. હું પી.ડી.માલવીયા કોલેજની વાત કરું તો શિક્ષણ ક્ષેત્રમાં છ દસકાથી સુંદર કાર્ય કરી રહ્યા છે. આજે મને ઘણો આનંદ થયો. આજના યુવાઓ પાસે સમાજ, રાષ્ટ્ર ખુબ જ મોટી આશા રાખે છે અને મને વિશ્ર્વાસ છે કે આપ સૌ આ આશાઓ પર ખરા ઉતરશો. તમારામાં તે માટેની શકિત, સામર્થય છે. માત્ર સંકલ્પ કરો અને સંકલ્પ સિદ્ધિ માટે પુરુષાર્થમાં લાગી જાવ.
પી.ડી.માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વસંતભાઈ માલવિયા જેમના પિતાજીએ ૬૦ વર્ષ પહેલા કોલેજની સ્થાપના કરી હતી ત્યારે આ કોલેજનું સંચાલન કરવાનો મોકો મળ્યો તેનો અમોને આનંદ છે. સાથો સાથ સંસ્થામાં નવું નેવી યુનિટ શરૂ કર્યું જે ગ્રાન્ટેડ કોલેજમાં પી.ડી.માલવીયા કોલેજમાં પ્રથમ છે. અમોએ ગર્લ્સ એનસીસી યુનિટ શરૂ કર્યું. જે લોકો દેશની રક્ષા માટે જોડાવવા માંગે છે તેઓ એનસીસીમાં જોડાય છે. આઠ માર્ચના રોજ વિશ્ર્વ મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે સ્ત્રી સશકિતકરણ સ્ત્રી સશકત બને તે માટે સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીઓએ પી.ડી.માલવીયા કોલેજમાં આવતા વર્ષમાં એફવાય બીકોમમાં પ્રથમ ૧૦૮ દિકરીઓ પ્રવેશ લેશે. તે લોકોને બધા જ સેમની ફી જે સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ભોગવશે. દિકરીઓ વિનામુલ્યે અભ્યાસ કરશે. તે માટે અમો ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આજે આમંત્રિત કર્યા છે. તેમના વરદ હસ્તે એનસીસી યુનિટ, નેવી યુનિટનું લોકાર્પણ સાથે નવી ઓફિસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.