દેવાંગ માંકડ અને અશ્ર્વિન પાંભરને ખાસ સમિતિના ચેરમેન બનાવાય તેવી સંભાવના
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદ માટે વોર્ડ નં.7ના કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ અને વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ પાંભરનું નામ પ્રબળ દાવેદારોમાં હતું. પરંતુ પક્ષે ફરી અઢી વર્ષ બાદ ચેરમેન પદ હાલ મહાપાલિકામાં સૌથી સીનીયર નગરસેવક એવા પુષ્કરભાઈ પટેલને સોંપ્યું છે. ચેરમેન પદ માટે પ્રબળ દાવેદારો માનવામાં આવતા બે નગરસેવકોને સમીતીના સભ્યપદે પણ રાખવામાં આવ્યા નથી. તેઓને ખાસ સમીતીના ચેરમેન બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે સૌથી વધુ દેવાંગભાઈ માંકડના નામની ચર્ચા છેક સુધી ચાલી હતી. પાર્લામેન્ટરી બોર્ડમાં મુકવામાં આવેલી ચાર નામોની પેનલમાં પણ તેઓનું નામ પ્રથમ મુકાયું હતું. આટલું જ નહીં તેઓને પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે સ્ટેન્ડિંગ ચેરમેન બનાવાશે તેવું ખુદ શહેર ભાજપના હોદ્દેદારો માની રહ્યાં હતા. પરંતુ આજે જ્યારે પ્રદેશમાંથી આવેલા બંધ કવર ખુલ્યા ત્યારે ચેરમેન પદે પુષ્કરભાઈ પટેલનું નામ નિકળ્યું હતું. ચેરમેન ન બનાવવામાં આવ્યા તે વાત દૂર રહી પરંતુ સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યો માટે જે નામો જાહેર કરવામાં આવ્યા છે તેમાં પણ દેવાંગભાઈનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત અશ્ર્વિનભાઈ પાંભરને પણ કદ મુજબ વેંતરી નાખવામાં આવ્યા છે. પક્ષના સીનીયર નેતા એવું કહી રહ્યાં છે કે, માંકડ અને પાંભરને હવે ખાસ સમીતીના ચેરમેન બનાવવામાં આવનાર હોવાની સંભાવના રહેલી છે.