રાજ્યની તમામ ૬ મહાનગરપાલિકામાં મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનના નામ નક્કી કરવા સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તેવી સંભાવના
રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓ માટે ગત રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ ગઈકાલે હાથ ધરવામાં આવેલી મત ગણતરીમાં ફરી છ મહાપાલિકામાં કેસરીયો લહેરાયો છે. ગઈકાલે મોડી સાંજે તમામ ૫૭૬ બેઠકો પૈકી ૫૭૫ બેઠકોના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન જે તે મહાનગરના ચૂંટણી અધિકારીના વિજેતા બનેલાના નામો રાજય ચૂંટણી પંચ સમક્ષ મોકલ્યા છે. નગર સેવક તરીકે ચૂંટાયેલા લોકોના નામ સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવશે અને તમામ ૬ મહાનગરપાલિકાના મેયર અને ડે.મેયરની વરણી કરવા માટે આવતા સપ્તાહે ચૂંટણી યોજવા માટે બોર્ડ બેઠક યોજાશે. છ મહાપાલિકાના પદાધિકારીઓ નક્કી કરવા સોમવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે તેવી સંભાવના જણાય રહી છે.
સામાન્ય પ્રક્રિયા મુજબ મત ગણતરી પૂર્ણ થયા બાદ જે ઉમેદવારો વિજેતા બન્યા છે તેના નામ જે તે જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા રાજ્ય ચૂંટણી પંચને વિજેતા ઉમેદવારોના નામ મોકલી દેવામાં આવતા હોય છે અને ત્રણ દિવસમાં સરકારી ગેજેટમાં વિજેતાના નામ પ્રસિધ્ધ કરી દેવામાં આવતા હોય છે. ત્યારબાદ પદાધિકારીઓની વરણી કરવા માટે જે તે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર દ્વારા બોર્ડ બેઠક બોલાવવામાં આવતી હોય છે. ગઈકાલે મોડી સાંજે છ મહાનગરપાલિકાના પરિણામ આવ્યા બાદ આજે તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીના વિજેતા બનેલા ઉમેદવારોના નામ રાજ્ય ચૂંટણીપંચને મોકલી દેવામાં આવ્યા છે. દરમિયાન આગામી શનિવાર સુધીમાં સરકારી ગેઝેટમાં ચૂંટાયેલા ઉમેદવારોના નામ પ્રસિધ્ધ કરવામાં આવશે અને રાજ્યની તમામ છ મહાપાલિકામાં મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીના ૧૨ સભ્યોની વરણી કરવા માટે બોર્ડ બેઠક બોલાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ છ મહાપાલિકામાં ભાજપને મળેલી જીત બાદ પક્ષ દ્વારા આજથી જ મેયર, ડે.મેયર અને સ્ટે.કમીટીની પસંદગી માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આગામી સોમવારે અથવા મંગળવારે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવામાં આવશે જેમાં પદાધિકારીઓના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવશે. તમામ મહાનગરોના પ્રમુખોને અલગ અલગ પદ માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવા પણ સુચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવી રહ્યાં હોય રાજકોટ મહાપાલિકામાં મેયર પદ, ડે.મેયર પદ અને સ્ટે.કમીટીના સભ્યનું પદ કોને સોંપવું તે અંગે તેઓ સ્થાનિક સંકલન સમીતીના સભ્યો સાથે બેઠક યોજો તેવી સંભાવના જણાય રહી છે. ટૂંકમાં આવતા સપ્તાહે તમામ છ મહાપાલિકામાં મેયર સહિતના પાંચેય પદાધિકારીની નિમણૂંક કરી દેવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ ૧૫ ખાસ સમીતીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમીતી રચના કરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. ચૂંટાયેલ બોડીનું પ્રથમ કામ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ મંજૂર કરવાનું રહેશે.