અર્જૂનભાઇ મોઢવાડિયાએ વિરોધપક્ષના નેતા બનવા માટે અનિચ્છા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભાના નવા વિપક્ષી નેતા તરીકે હાલ કોંગ્રેસમાં બે નામોની ચર્ચા ચાલી રહી છે. પૂર્વ વિપક્ષી નેતા અર્જૂનભાઇ મોઢવાડિયાએ વિરોધ પક્ષના નેતા બનવા માટે અનિચ્છા વ્યક્ત કરતા હવે સી.જે.ચાવડા અને શૈલેષભાઇ પરમારના નામોની ચર્ચા થઇ રહી છે. આગામી 20મી ડિસેમ્બરના રોજ મળનારા વિધાનસભાના એક દિવસીય સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા વિપક્ષી નેતાના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
વિરોધપક્ષના નેતાનું પદ મેળવવા માટે કુલ સભ્યોના 10 ટકા બેઠક મેળવવી જરૂરી છે. ગુજરાત વિધાનસભાની સભ્ય સંખ્યા 182ની છે. આવામાં કોઇપણ પક્ષે માન્ય વિપક્ષ બનવા માટે ઓછામાં ઓછી 18 બેઠકો જીતવી જરૂરી છે. 15મી ગુજરાત વિધાનસભાની રચના કરવા માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીત્યું છે. માન્ય વિરોધપક્ષ બનવા માટે એક બેઠક ખુંટી રહી છે. જો કે સત્તાધારી પક્ષ ભાજપ લોકશાહીને જીવંત રાખવા માટે મોટુ મન રાખીને કોંગ્રેસને વિરોધ પક્ષ આપશે અને વિરોધ પક્ષના નેતાને મળતી તમામ સુવિધાઓ આપશે.
હાલ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હારની સમીક્ષા કરવામાં આવી રહી છે. દરમિયાન પોરબંદર બેઠક પરથી વિજેતા બનેલા અર્જૂનભાઇ મોઢવાડિયાએ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા બનવા માટે અનિચ્છા વ્યક્ત કરતા હવે કોંગ્રેસમાં વિપક્ષી નેતા તરીકે વીજાપુર બેઠકના ધારાસભ્ય સી.જે.ચાવડા અને દાણી લીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષભાઇ પરમારના નામોની ચર્ચા થઇ રહી છે. વિધાનસભાના પ્રથમ સત્ર અર્થાત 20મી ડિસેમ્બરે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતાના નામની ઘોષણા કરી દેવામાં આવશે.