પ્રથમ તબકકામાં મતદાન માટે ભાજપે તમામ 89 ઉમેદવાર ઘોષીત કરી દીધા
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો સહિત જે 89 બેઠકો માટે 1લી ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. તે માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવારે અંતિમ દિવસ છે. સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ઉમેદવારોના નામની બે યાદીઓમાં રાજ્યની અલગ-અલગ 166 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા અલગ-અલગ ત્રણ યાદીમાં 95 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે 16 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાનું બાકી છે. જ્યારે સામે કોંગ્રેસ 87 બેઠકો માટે હજુ મનોમંથન કરી રહી છે. પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકોની ચૂંટણી માટે ભાજપ દ્વારા તમામ બેઠકોના ઉમેદવારોના નામ ઘોષિત કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસમાં હજુ કેટલીક બેઠકો માટે ગડમથલ ચાલી રહી છે. આવી બેઠકો માટે આજે મોડી રાત સુધીમાં અથવા આવતીકાલે સવારે કોંગ્રેસ ઉમેદવારી જાહેર કરે તેવું મનાઇ રહ્યું છે.
કોંગ્રેસ દ્વારા ચાર નવેમ્બરના રોજ ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરાઇ હતી. જેમાં અલગ-અલગ 43 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારે મોડી રાત્રે કરવામાં આવેલી બીજી યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરાયા હતા. જ્યારે કાલે મોડી સાંજે સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા. તે પૈકી ગણદેવી બેઠક માટે ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. આમ કુલ ત્રણ યાદીમાં કોંગ્રેસ 95 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. હજુ 87 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાનું બાકી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે 89 બેઠકો પૈકી 6 બેઠકો માટે ભાજપના ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર કરવામાં આવ્યા ન હતા.
આજે સવારે ભાજપે ધોરાજી, ખંભાળિયા, કુતિયાણા, ભાવનગર પૂર્વ, ડેડીયાપાડા અને ચોર્યાસી બેઠક માટે નામ જાહેર કરી દીધાં છે. હવે માત્ર ભાજપે 16 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. આ તમામ બેઠકો માટે બીજી તબક્કામાં મતદાન થવાનું છે અને તેના માટે ફોર્મ ભરવાની અંતિમ અવધિ 17 નવેમ્બર સુધીની હોય ભાજપ દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી આવતા સપ્તાહે ઘોષિત કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ 87 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી છે. જે પૈકી ત્રણ બેઠકો ગઠબંધનના ભાગરૂપે એનસીપીના ફાળે આવી છે. આમ કોંગ્રેસમાં હજુ 84 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરાયા નથી. જેમાં પ્રથમ તબક્કાના મતદાન માટે જે બેઠકોની ચૂંટણી થવાની છે એવી કેટલીક બેઠકો માટે પણ હજુ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા ન હોય આજે ગમે ત્યારે કોંગ્રેસ વધુ એક યાદી જાહેર કરે તેવી સંભાવના જણાઇ રહી છે.
- મહુવા, બોટાદ અને ગઢડામાં ભાજપ ઉમેદવારો બદલે તેવી ચર્ચા
- ત્રણેય બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોના નામ સામે સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં જબ્બર વિરોધ હોવાના કારણે ઉમેદવારો ફેરવવા પડે તેવી સ્થિતિ
ભાજપ દ્વારા સૌરાષ્ટ્રની મહુવા, બોટાદ અને ગઢડા બેઠક માટે ઉમેદવારોમાં ફેરફાર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. ગત ગુરૂવારે 160 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. જેમાં આ ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા બાદ સ્થાનિક સંગઠન અને કાર્યકરોમાં જબ્બરો રોષ ફાટી નીકળ્યો હોય પ્રદેશ દ્વારા ગઇકાલે ત્રણેય ઉમેદવારોને બીજી સૂચના ન મળે ત્યાં સુધી ફોર્મ ન ભરવા આદેશ આપવામાં આવ્યો હતો.
મહુવા બેઠક પરથી વર્તમાન મંત્રી આર.સી.મકવાણાના સ્થાને શિવાભાઇ ગોહિલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ગઢડા બેઠક પરથી આત્મારામભાઇ પરમારના સ્થાને રાજ્યસભાના પૂર્વ સાંસદ શંભુ પ્રસાદ ટૂંડીયાને ટિકિટ ફાળવવામાં આવી હતી. જ્યારે બોટાદ વિધાનસભા બેઠક પરથી પૂર્વ મંત્રી સૌરભભાઇ પટેલના સ્થાને ઘનશ્યામભાઇ વિરાણીને ટિકિટ મળી હતી. આ ત્રણેય ઉમેદવારો સામે કાર્યકરોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ધડાધડ રાજીનામા પડી રહ્યા હોવાના કારણે પ્રદેશ ભાજપ પણ સાવધાન થઇ ગયું છે. ગઇકાલે આ ત્રણેય ઉમેદવારોને હાલ ફોર્મ નહી ભરવાની સૂચના આપી દેવામાં આવી હતી. દરમિયાન સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મહુવા બેઠક પરથી રાજ્ય સરકારના વર્તમાન મંત્રી આર.સી. મકવાણાને ફરી ટિકિટ મળી શકે છે. જ્યારે આત્મારામ પરમારને પણ રિપીટ કરવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણીના સ્થાને સુરેશ ગોધાણીને ભાજપ મેન્ડેટ આપે તેવી સંભાવના નકારી શકાતી નથી.