તેરા ચહેરા કિતના સુહાના લગતા હૈ: સાચો અને શુધ્ધ પ્રેમ કોને કહેવાય?
સાથે રહેતા હોય એટલે પ્રેમ હોય જ એવું નથી પણ અલગ-અલગ વર્ષોથી જુદા રહેતા બે પાત્રો વચ્ચે અફાટ પ્રેમનો દરિયો વહેતો જોવા મળે છે: પ્રેમમાં હૂંફ અને લાગણી ભળે ત્યારે તેની દિવ્યતાનું તેજ વધે છે
પૃથ્વી પર વસતો કોઇપણ માનવી પ્રેમ વગર જીવી ન શકે: આજનો યુવા વર્ગ પ્રેમની સાચી પરિભાષા જ સમજતો નથી: આકર્ષણ અને પ્રેમ બંને વસ્તુ અલગ છે
પ્રેમ, લવ, ઇશ્ક જેવા શબ્દો સાથે રૂપકડો ચહેરો સદા કાળથી જોડાયેલો છે. પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થતાં જ માનવીને બધું જ શ્રેષ્ઠ દેખાવા લાગે છે. પ્રેમ, હૂંફ અને લાગણી સાથેના અણી શુધ્ધ પ્રેમની સામે ‘લીવઇન’ રીલેશનમાં ચહેરા બદલાય જાય છે. પ્રેમ આંધળો છે એ નાત-જાત કે વય કશું જ જોતો નથી. પ્રેમમાં બે વિજાતીય પાત્રો ડૂબી જાય ત્યારે નામ જ ગુમ થઇ જાયને ચહેરો બદલાય જાય છે. મુગ્ધાવસ્થાનો પ્રેમ સાથે પાકી ઉંમરે થતાં પ્રેમ ઘણીવાર પરિવારોમાં તોફાનો સર્જે છે. પ્રેમમાં મૂળ તો ડૂબવાની વાત કરે છે અઢી અક્ષરના આ શબ્દને મોટામોટા પંડિતો પણ સમજી શક્યા નથી. નિર્દોષ પ્રેમ અને ચતુરાઇની ભેળસેળવાળો પ્રેમ બંને અલગ-અલગ બાબત છે. પ્રેમમાં આંખ, ચહેરો, હોઠ, ગાલ, કેશ જેવા વિવિધ શબ્દોને સાહિત્યકારો-કવિઓ બહુ સુંદર રીતે જોડીને તેને ઉંચાઇ આપી છે. પ્રેમ કશું જ જોતો નથી એ થાય ત્યારે બે વિજાતીય પાત્રો બધું જ ભૂલી જાય છે. નામના નાશ સાથે ચહેરા પણ બદલાય જાય છે.
આજના નવાયુગના નવયુવાનનો પ્રેમની પરિભાષા સમજી શક્યો નથી. ફિલ્મો જોઇને આંધળું અનુકરણ થાય તેને પ્રેમ ન કહેવાય. અઢી અક્ષરના આ ‘પ્રેમ’ અક્ષર કે શબ્દ જુજ લોકો જ સાચા અર્થમાં સમજી શક્યા છે. માણસ જન્મે ત્યારથી પ્રેમનો શુભારંભ થાય અને મૃત્યુ સુધી કે તે બાદ પણ કોઇકના દિલમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરે છે. આપણાં જીવનનો પ્રથમ પ્રેમ માતાનો પુત્ર કે પુત્રી સાથેનો ગણાય છે. ઇશ્ર્વર સાથેનું પૂર્ણ શ્રધ્ધાથી જોડાવું તે પણ એક આધ્યાત્મિક પ્રેમ જ ગણાય છે. પિતા-પુત્ર, ભાઇ-બેન, મિત્રો વચ્ચે, પાડોશી વચ્ચે કે અન્યો સાથેના અખૂટ સંબંધો પ્રેમના તાતણે આજીવન બંધાયેલો છે.
આજનો પ્રેમ ‘તેરા ચહેરા કિતના સુહાના લગતા હૈ’ ની જેમ આકર્ષણ જ છે તેને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં આઇ લવ યુ કહેવું જ ન પડે જો કહેવું પડતું હોય તો એ પ્રેમ નથી માત્ર સંબંધો છે. આકર્ષણ અને પ્રેમએ બંને અલગ વસ્તુ છે. પતિ-પત્નિ વચ્ચેનો પ્રેમ સેતુમાં એકબીજાની હૂંફ, લાગણી ભળે ત્યારે ઘર સ્વર્ગ બને છે. સાચી જોડી જ પ્રેમ સભર જોડી છે. સાથે રહેતા હોય એટલે તેને પ્રેમ હોય જ એવું માનવું ભૂલ ભર્યું છે. ઘણીવાર તો વર્ષોથી અલગ-અલગ રહેતા બે વિજાતીય પાત્રો વચ્ચે પણ અણી શુધ્ધ પ્રેમ જોવા મળે છે. આપણે પ્રેમનો એટલો બધો ચાવીના ખેલ છે કે પ્રશ્ન થાય કે સાચો અને શુધ્ધ પ્રેમ કેને કહેવાય? પ્રેમમાં બે પાત્રો વચ્ચેની દિવ્યતાનું તેજ તેને ઊંચાઇ આપે છે.
આજનો લવ….લવ…..લવેરીયામાં બે વિજાતીય પાત્રો વચ્ચે ગમતુંપાત્ર, આકર્ષણ, જીજ્ઞાસા, ઇચ્છાઓ જેવી વિવિધ બાબતોથી વધુ નથી. પ્રેમને સ્પર્શ સાથે જોડીને તેને અપવિત્ર કર્યો છે. પ્રેમ એટલે બે આત્માનું મિલન હોય એમાં આપણી ઇચ્છા તૃપ્તી ન હોય શકે. ફિલ્મોમાં બતાવાતો પ્રેમ વાસ્તવિક જીવનથી અલગ છે પણ આજે આપણે તેને માનીને ચાલીએ છીએ તેજ મોટી ભૂલ છે. જીવનમાં આપણી સામે જન્મથી મૃત્યુ વચ્ચેની સંસારપાત્રામાં જે કોઇ આવે છે તેને આપણે પ્રેમ કરતાં જ હોયએ છીએ પણ તેની પરિભાષા અલગ-અલગ હોય છે. નાનકડા બાળક કે બાળકીમાં તેનો શારિરીક-માનસિક અને સામાજીક વિકાસ થાય તેની સાથે બે પાત્રો વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે પણ તેમાં આવેગ આવવાથી તે પ્રદૂષિત થાય છે.
મુગ્ધાવસ્થા એવી એઇજ છે જેમાં વિજાતીય આકર્ષણ થતાં જીવન રંગીન દેખાવા લાગે છે અને ગમતા ચહેરાનો ગુલાલ ઉડે છે પણ તે માત્ર વયને કારણેનું આકર્ષણ માત્ર છે. આપણાં ઇતિહાસના પન્નાઓ તપાસો તો તેમાં લૈલા-મજનું, શિરી-ફરહાદ, રેશ્મા-શેરા, રોમિયો-જુલીયટ, હિર-રાંઝા જેવા વિવિધ પાત્રોની પ્રણયકથા આવે છે. ઇતિહાસના આ પન્નાઓ શુધ્ધ અણી શુધ્ધ પ્રેમની ગાથા છે. રાધા-કૃષ્ણ અને મીરા-કૃષ્ણ વચ્ચેનો પ્રેમ દિવ્યતાની અનુભૂતિની વાત કરે છે.
પ્રેમ વિશેની ઘણી ગેરસમજણોમાં માનવી પોતે પ્રેમ કરવાનું જ ભૂલી જાય છે. સૌ પ્રથમ તો દરેક માનવીએ પોતાની જાત સાથે પ્રેમ કરવો પડે છે. તો જ તે બીજી વ્યક્તિને પ્રેમ આપી શકે છે. સાચો પ્રેમ ક્યાં મળે? તેવા પ્રેમના ઘણા પ્રશ્ર્નોને કારણે જીવનભર માનવી પ્રેમ શોધ્યા જ કરે છે. પ્રેમ પામવા માટે પ્રેમ આપવો પડે છે આટલી નાનકડી સમજ બહું મોટી વાત કરે છે. બહાર ફરવા જવું કે મોંઘી ગીફ્ટ આપવી તે પ્રેમ નથી.
બે વિજાતીય પાત્રો લગ્ન સંસ્થાથી જોડાઇ પછી પણ બંને જીવનભર પ્રેમમય વાતાવરણમાં અખૂટ ઓક્સિજન સાથે શ્ર્વાસો આનંદથી લે છે. એમને ક્યારેય વેન્ટિલેટરની જરૂર જ નથી પડી. આજના યુવાનોમાં દિવાનગી છે. તે જીવન જીવી લેવા માંગે છે, ઉતાવળ જ તેનું જીવન નષ્ટ કરે છે. સેક્સ શબ્દ આપણે જાતિ માટે પ્રયોગ કરીએ છીએ. જેમાં સ્ત્રી કે પુરૂષની વાત આવે પણ આપણે તેને પ્રેમ સાથે જોડીને લાગણી, હૂંફના સ્પર્શને પણ નાશ કરી નાખ્યો છે. પ્રેમમાં માત્ર દોઢ ફૂટનું અંતર કાપવા વર્ષોને વર્ષો લાગી જતાં હોય છે. પ્રેમએ સેક્સ નથી ને સેક્સએ પ્રેમ નથી. બે પાત્રોનું સમજદારી, લાગણી, સથવારો સાથ કે સંગાથ સાથે મિલન એટલે પ્રેમ. આવી જોડીને ‘પ્રેમ લગ્ન’ કહેવાય. આજકાલ પ્રેમલગ્ન થાયને પછી તૂટે તે પ્રેમ લગ્નની વાત નથી.
આજે તો લગ્નનાં ચોથા દિવસે છૂટા પડતા બે હૈયાઓ પણ જોવામાં આવે છે ત્યારે પ્રશ્ન થાય કે સમજદારી, સહનશીલતા કે સંધિયારો જેવા શબ્દોની આજના યુવાનને સમજ જ નથી. આ વાત છોકરો હોય કે છોકરી બંનેને લાગુ પડે છે.
શહેરના ગાર્ડનમાં ઢળતી સંધ્યાએ વૃધ્ધ કપલનો અફાટ પ્રેમ સૌને સ્વર્ગની અનુભૂતિ કરાવી જાય છે. ચહેરાને પ્રેમને સંબંધ જ નથી. કદરૂપો કે બેડોલ ચહેરો પણ અફાટ પ્રેમ કરી શકે છે પણ આપણે તો ચહેરાને જોઇને થતાં આકર્ષણને પ્રેમ સમજી બેઠા છે. પ્રેમએ અનુભૂતિ છે. પ્રેમની સાચી વ્યાખ્યા તો કોઇ પ્રેમ મૂર્તિ જ આપણને આપી શકે છે. એક વાત નક્કી છે કે વધે નહીને ઘટે નહી તે પ્રેમ છે. આત્માને તેના સંપૂર્ણ સુંદરતા અને વૈભવ સાથે જાણ્યો હોય તેજ સાચો પ્રેમી હોય શકે.
પ્રેમ વિશે લખવું કે બોલવું તેના કરતાં સૌ પોતાના જીવનમાં પ્રેમમય રહી શકે તેજ સાચુ જીવન છે. જન્મોજન્મની અભિલાષાઓની અનુભૂતિ થાય અને તેનો અહેસાસ થાય તે જરૂરી છે. પ્રેમ ગમે તે ઉંમર ગમે તે વ્યક્તિ સાથે, ગમે ત્યારે થઇ શકે છે. તેની ભાષા જ ન હોય શકે. આધિપત્ય નહીં પણ સમર્પણની ભાવના હોય ત્યાં જ પ્રેમના અંકુર ફૂટી શકે છે, નિર્મળા અને પવિત્રતા પણ હોવી જ જોઇએ. પ્રકૃતિ પ્રેમી માણસ કુદરતને પણ પ્રેમ કરે છે. મુલાકાત અને ઇન્તજાર, વિરહ અને મિલન સાથે વિવિધ ઋતુઓ વાતાવરણ જ્યારે સોળે કલાએ ખીલે ત્યારે પ્રેમની મૌસમ શરૂ થાય એવું નથી તે કાળ ચોઘડીએ પણ થઇ શકે છે. આંખોથી આંખો મળે ને પ્રેમ થાય તો હળવો સ્પર્શ પણ તન-મનમાં સ્પંદનો પેદા કરી શકે છે.
પ્રેમને સકારાત્મક અને નકારાત્મક પણ મનાય છે. તેના ગુણોમાં દયા, કરૂણા અને સ્નેહનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રેમના પ્રકારોમાં કુલ છ પ્રકારો પ્રાચીન ગ્રીક ફિલ સૂફોએ વર્ણવ્યા છે, જેમાં પારિવારિક પ્રેમ, મૈત્રીપૂર્ણ પ્રેમ, પ્લેટોનિક પ્રેમ, રોમેન્ટિક પ્રેમ, સ્વ પ્રેમ, અતિથિ પ્રેમ અને દૈવીપ્રેમ. જો કે તેમાં પ્રેમ (લવ), ખાલી પ્રેમ, સાથી પ્રેમ, પૂર્ણ પ્રેમ, મોહક પ્રેમ, સ્વ પ્રેમ અને નમ્રપ્રેમની વાત પણ અમુક સંસ્કૃતિમાં કરી છે.
ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એટલે માત્ર સારા મિત્રો !!
પ્રેમ માટે ગ્રીક સંસ્કૃતિમાં વિશેષ શબ્દો છે. જો કે ઘણીવાર પ્રેમ શબ્દ ગાઢ મિત્રતા અથવા પ્લેટોનિક પ્રેમ માટે લાગૂ પડે છે. ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ એટલે માત્ર સારા મિત્રો પણ આજના યુગમાં આપણે તેના વિવિધ અર્થો માનીએ છીએ. પ્રેમ કે લવ એક મજબૂત સ્વરૂપ જે એક વ્યક્તિ તરફની અભિવ્યક્તિ છે, હકારાત્મક ભાવના છે. પ્રેમ સામાન્ય રીતે વાસના સાથે વિરોધાભાષી પણ છે. પ્રેમએ એક અનુભવ છે. તેને સમજવા માટે આંતર સાંસ્કૃતિક તફાવતો ઉપરાંત પ્રેમ વિશેના વિચારો પણ સમયના બદલાવમાં ઘણા બદલાઇ ગયા છે. મધ્યયુગ બાદ રોમેન્ટિક પ્રેમનો આધુનિક યુગ શરૂ થયો ગણાય છે. વિશ્ર્વના ઘણા ધર્મોમાં તેના વિશેના મંતવ્યો આપ્યા છે, જેમાં યહુદી, ખ્રિસ્તી, ઇસ્લામ, બહાઇ, બૌધ્ધ, હિન્દુ ધર્મ પણ તેની વાત કરી છે. દાર્શનિક કૃતિ નારદભક્તિ સૂત્રમાં પ્રેમના અગિયાર સ્વરૂપો બતાવાયા છે. કૃષ્ણ પ્રેમને ભગવાન માટેનો પ્રેમ કહેવાય છે.