રાજ્યના ચીફ સેક્રેટરી ચાર નામની યાદી સાથે પહોંચ્યા દિલ્હી
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા આવતીકાલે નિવૃત થતા ડીજીપીનો ‘તાજ’ કોનું શિર શોભાવશે તે અંગેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. નવા ડીજીપીના નામની સાંજ સુધીમાં જાહેરાત થાય તેવો તખ્તો ગોઠવાયો છે. ચાર સિનિયર આઇપીએસ અધિકારીના નામની યાદી સાથે રાજયના ચીફ સેક્રેટરી દિલ્હી દરબારમાં પહોચી ગયા છે. સાંજે અથવા તો આવતીકાલ સુધીમાં રાજયના પોલીસ વડાના નામની જાહેરાતનો આખરી નિર્ણય શહેનશાહ કરશે તેવું મનાઇ રહ્યું છે.
રાજયના પોલીસ વડા તરીકે સિનિયર આઇપીએસ અધિકારીઓ પૈકીના એ.કે.શર્મા અને રાકેશ આસ્થાના દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર સીબીઆઇમાં મહત્વની ફરજ બજાવી રહ્યા છે. આશિષ ભાટીયા, અજયકુમાર તોમર અને વિનોદ મલ સહિતના આઇપીએસ અધિકારીઓ ડીજીપીની રેસમાં છે ત્યારે સીબીઆઇની મહત્વની ફરજ પર રહેલા અણકુમાર શર્મા છ માસ બાદ નિવૃત થવાના હોવાથી તેઓ આ રેસમાંથી સ્વૈચ્છીક રીતે હટી ગયા તે જો કે તેઓની નજર ચીફ વિઝીલન્સ કમિશનરના હોદા પર હોવાથી તેઓ છ માસ સુધી જ સતાનું સુકાન સંભાળીને નિવૃત થવાના બદલે આગામી પાંચ વર્ષ સુધી વિઝીલન્સ કમિશનર તરીકે સત્તાનો દોર સંભાળવા પર હોવાથી તેઓ ડીજીપીની રેસમાંથી હટી ગયા છે.
રાજયના પોલીસ વડાની રેસ અંગે સિનિયર આઇપીએસ અધિકારીઓમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આશિષ ભાટીયા, વિનોદ મલ ઉપરાંત અજયકુમાર તોમરના નામની ચર્ચા થઇ રહી છે. જો કે, સિનિયર આઇપીએસ અધિકારીઓને તાજેતરમાં જ પ્રમોશ આપવામાં આવ્યા હતા તેમાં કેશવકુમાર અને સંજય શ્રીવાસ્તવના નામની પણ ચર્ચા ચાલી રહી છે. રાજયના પોલીસ વડા કોનું શિર શોભાવશે તે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં થઇ જશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યું છે. વય મર્યાદાથી નિવૃત થતા ડીજીપી શિવાનંદ ઝાને એકટેશન આપવામાં આવે તેવા કોઇ સંકેત મળતા નથી ત્યારે સાંજે અથવા આવતીકાલે નવા ડીજીપીની નિમણુંક થઇ જશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.