Congress હવે વિરોધ પક્ષના નેતા તરીકે યુવા પાટીદારની નિમણુંક કરવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ Congress પક્ષની બેઠક આગામી તા. ચોથી અને પાંચમી જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તે બેઠકમાં કોંગ્રસ પક્ષે વિપક્ષ નેતાનું નામ નક્કી કરવાની સત્તા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપવામાં આવી છે. તેથી રાહુલ ગાંધી આજે ગુજરાત વિધાનસભાની વિપક્ષના નેતાનું નામ જાહેર કરે તેવી શક્યતા છે.

 

ત્યાર બાદ કોંગ્રેસનું મોવડીમંડળ આગામી દિવસોમાં ચૂંટાયેલા ૭૭ ધારાસભ્યો સાથે બેઠક યોજશે. આ બેઠક બાદ મોવડીમંડળ દ્વારા વિરોધપક્ષના નેતા અને ગુજરાતમાં પક્ષના દંડક (ચીફ વ્હીપ)ના નામ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર યુવા પાટીદાર નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી હાલમાં વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં સૌથી અગ્રેસર ચાલી રહ્યા છે. જયારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક તરીકે દલિત યુવા નેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને બનાવવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી બે સીનીયર નેતા કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમે પણ વિપક્ષના નેતા તરીકે દાવેદારી નોંધાવી છે. જો કે છેલ્લે તમામ બાબત હાઉકમાન્ડ પર મૂકી છે.

 

તેથી ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે મુખ્ય ત્રણ હોદ્દા રહેશે. જેમાં પહેલું અને મહત્વનું પદ વિરોધ પક્ષના નેતા તરીકેનું છે, જયારે બીજા ક્રમે વિરોધ પક્ષના ઉપનેતા અને દંડક તથા ત્રીજા ક્રમે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ના ચેરમેનના પદનો સમાવેશ થાય છે.

અહેવાલોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના મોવડીમંડળ દ્વારા નક્કી કરાયું છે કે પક્ષ પાટીદારને વિરોધ પક્ષના નેતા તરીકે અને દલિત નેતાને દંડક તરીકે નીમશે.

 

જો કે પક્ષના ઉપનેતા તરીકે ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશીયારા અથવા તો ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલના નામની ચર્ચા – વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં ઉપનેતા (ડેપ્યુટી લીડર)નો હોદ્દો કોઈ આદિવાસી નેતાને આપવા ઈચ્છે છે.

 

જયારે પક્ષનું મોવડીમંડળ કોળી નેતાને પણ વિધાનસભામાં કોઈ મહત્વનું સ્થાન આપવા માંગે છે. જેમાં પૂર્વ સાંસદ અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેનનું પદ ફાળવવામાં આવે સંભાવના બળવત્તર બની છે. જો કે આ પદ અત્યાર સુધી પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ સંભાળતા હતા.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનું મોવડી મંડળ વિધાનસભામાં બે મહત્વના પદ માટે સૌરાષ્ટ્રમાંથી નેતાઓની પસંદગી કરવામાં આવશે. કારણ કે આ વખતે કોંગ્રેસને સૌથી વધુ બેઠકો સૌરાષ્ટ્રમાંથી મળી છે. કોંગ્રેસ પક્ષને આ વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ગત ચૂંટણી કરતા ૧૩ જેટલી વધુ બેઠકો જીતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.