90 ટનનું વજન ધરાવતું ઉપકરણ બનાવી જામનગરના ઔદ્યોગિક એકમે ડીઆરડીઓ સાથે હાથ મિલાવ્યા: અગાઉ પણ સબમરીન, રેલ્વેના પાટર્સ અને બ્રહ્મોસ મિસાઇલમાં ઉપયોગમાં લેવાયેલ અમુક પાટર્સ અહીંથી જ નિર્માણ પામ્યા હતા
ક્રિકેટ વિશ્ર્વમાં જ જામનગર પ્રસિદ્ધ છે એવું જ નથી. હવે અવકાશ વિજ્ઞાન સાથે પણ જામનગરનો નાતો જોડાયો છે. ડીઆરડીઓના અતિ મહત્વાકાંક્ષી ચંદ્રયાન બે અને જામનગર વચ્ચે સબંધ છે. માનવામાં નહિ આવે પણ સાચી વાત છે. જે માનવ રહિત યાન અવકાશમાં મોકલવાનું છે તેમાં જામનગરની એક ફેક્ટરીએ યોગદાન આપ્યું છે. આ યાન બનાવવામાં ઉપયોગ લેવામાં આવેલ મશીનરીનો અમુક ભાગ અહીં બનીને હૈદરાબાદ પહોચી ગયો છે.
ભારતની અતિ મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનની બીજા તબ્બકાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ભારતીય અંતરીક્ષ સંસ્થા ડીઆરડીઓ દ્વારા આવતા વર્ષે આ મિશન લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન બે મિસનને લઈને દેશની અવકાસ સંશોધન સંસ્થા જ નહી પણ સમગ્ર વિશ્વ ભારત તરફ નજર કરીને બેઠો છે. પ્રથમ મિશનમાં લેન્ડીંગ સમસ્યા થવાના કારણે મિશનમાં અડચણ આવી. પરંતુ આ વખતે કોઈ કચાસ ન રહી જાય તેની તકેદારી સાથે દેશની સર્વોચ્ચ અવકાસ પ્રોગ્રામ સંભાળતી સંસ્થા દ્વારા ચંદ્રયાન બે મિશનની તૈયારીઓ શરૂ કરી છે.
ભારત માનવ રહિત ચંદ્રયાનને અવકાસમાં મોકલી નવો કીર્તિમાન સ્થાપશે. દેશના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે જામનગરનું નામ પણ ઉમેરાયું છે. ચંદ્રયાન બે મિશનમાં અતિ ઉપયોગી એવી મશીનરી જામનગરમાં બનાવવામાં આવી છે.
ક્રિકેટ અને બ્રાસ ઉદ્યોગમાં વિશ્વ સ્તરે ખ્યાતી મેળવ્યા બાદ અવકાશ મિશનમાં પણ જામનગરનું નામ જોડાયું છે. જામનગરના જ એક ખાનગી એકમે અવકાશ સંશોધન સંભાળતી દેશની સર્વોચ્ચ સંસ્થા ડીઆરડીઓ સાથે હાથ મિલાવ્યા છે.
જામનગરની ગીતા એન્જીનીયરીગ સંસ્થાએ ડીઆરડીઓના મિશન ચંદ્રયાન બેમાં યોગદાન આપ્યું છે. જામનગરના આ એકમ દ્વારા મિશનમાં અતિ મહત્વ ધરાવતી મશીનરી બનાવી છે. 90 ટન વજન ધરાવતી મશીનરી બનાવી, અહીથી નવ ટ્રક મારફતે હૈદરાબાદ રવાના પણ કરી દેવામાં આવી છે. આ મશીનરીમાં 90 ટકા વાપરવામાં આવેલ ધાતુ અહીથી જ તૈયાર કરાયું છે. જ્યારે અન્ય 10 ટકા હિસ્સો જર્મનીથી આયાત કરવામાં આવ્યો છે.
છેલ્લા આઠ મહિનાથી 25 થી 30 લોકોએ આ મશીનરી બનાવવામાં સક્રિયતા દાખવી હતી.ચંદ્રયાન બેમાં જ જામનગરના આ ઉદ્યોગનું યોગદાન છે એવું નથી પણ દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે પણ હાથ મિલાવ્યા છે. દેશની બ્રહ્મોસ મિસાઈલ હોય કે નેવીની સ્થાનિક ટેકનીકથી બનાવવામાં આવેલ સબમરીન હોય કે પછી રેલ્વેના એન્જીન બનાવવાની મશીનરી હોય, જામનગરની આ સંસ્થાએ ભુતકાળમાં અહીથી જુદી જુદી મશીનરી બનાવી. સપ્લાય કરી છે એમ ગીતા એન્જીની યરીંગના માલિક સરદારસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
એક સમય હતો જયારે દેશના પશ્ર્ચિમી છેવાડાના ભાગે આવેલ જામનગર જીલ્લાનો ઉલ્લેખ માત્ર ક્રિકેટ સાથે જ થતો, પણ ગ્લોબલાઈઝેશન બાદ આ ચિત્ર બદલાયું. જામનગરની બાંધણી બ્રાસ ઉદ્યોગે દેશના સીમાડા વટાવી આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે અવકાશ સંસોધન કરતી સંસ્થામાં પણ મહત્વનું યોગદાન આપી વધુ એક વખત જામનગરની ઓળખ વિશ્વ ફલક પર વિદ્યમાન થઇ છે.