- શનિવારે મળેલો મૃતદેહ લાલપરી યુવાનનું હોવાનું ખુલ્યું: પરિવારજનોને હત્યાની શંકા
- બે દિવસથી લાપતા યુવાનના મૃત્યુના સમાચાર વ્હોટસએપ ગૃપમાંથી મળ્યા
શહેરમાં નવાગામના તળાવમાં ગત શનિવારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા તેની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથધરી હતી. જેમાં વોટસએપ ગ્રુપમાં મેસેજ વાયરલ થતાં પરિવારજનોને જાણ થઈ હતી.
મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે યુવાનને તરતા આવડતુ હોવા છતાં તે ડૂબી ગયા તેની શંકા છે અને મૃત્યુ બાદ પણ તેની રીક્ષા ગાયબ હોવાથી હત્યાની પણ શંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપરી મફતીયાપરામાં રહેતાં રાજુભાઇ શિવાભાઇ દાદરેચા (ઉ.વ.45) નામના કોળી આધેડ શુક્રવારે સવારે રિક્ષા લઇને નીકળ્યા બાદ ગૂમ થતાં અને બીજા દિવસે તેની નવાગામ રાણપુર નજીક વાંકાનેર રોડ નાયરા પંપ પાછળ સંઘા ડેમ તળાવમાંથી લાશ મળી આવતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. રાજુભાઇની રિક્ષા, મોબાઇલ, પર્સ ગાયબ હોઇ પરિવારજનોએ મૃત્યુ અંગે શંકા દર્શાવી છે. તેમને તરતા આવડતું હોઇ જાતે ડૂબે જ નહિ તેવું જણાવી કોઇએ ડૂબાડી દીધાની શંકા તેમના ભાઇ સહિતના સ્વજનોએ દર્શાવતા પોલીસે તપાસ આદરી છે.
આ ઘટનાની ક્રમશ: વિગત મુજબ શનિવારે તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીએઅસાઇ જે. કે. પાંડાવદરા અને સંજયભાઇએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કઢાવી પોસ્ટ મોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. વ્હોટ્સએપ ગ્રુપમાં ફોટા વાયરલ થતા લાલપરીમાં રહેતાં વ્યક્તિએ આ લાશ લાલપરીના રાજુભાઇ દાદરેચા (કોળી)ની હોવાનું ઓળખી બતાવતા તેમના સગાને જાણ કરી હતી. સગા સંબંધીઓ પણ શુક્રવારથી રાજુભાઇને શોધતા હોઇ ગઇકાલે જ પોલીસને ગૂમ થયાની જાણ કરવા ગયા હતાં ત્યારે મૃતદેહ દેખાડવામાં આવતાં લાશની ઓળખ થઇ હતી.
મૃત્યુ પામનાર રાજુભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. રાજુભાઇના ભાઇ બિપીનભાઇ દાદરેચાએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે રાજુભાઇ જીજે-03બીયુ-9661 નંબરની રિક્ષા લઇને નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યા હતાં. બપોરે બે વાગ્યા આસપાસ પત્નિ મધુબેને ફોન કરી ઘરે જમવા ક્યારે આવો છો? તેવી પૃછા કરતાં રાજુભાઇએ પોતાને એક ભાડુ મળ્યું હોઇ ઘરે નહિ આવી શકે તેમ કહ્યું હતું.
ત્યાર બાદ અઢી વાગ્યા આસપાસ ફરીથી મધુબેને ફોન કર્યો ત્યારે પતિ રાજુભાઇનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. રાત સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ પત્તો મળ્યો ન હતો. બીજા દિવસે સાંજે તળાવમાંથી લાશ મળી હતી. જો કે તેની ઓળખ ન થઇ હોઇ પરિવારજનોને ગઇકાલે સાંજે રાજુભાઇ હયાત નહિ હોવાની જાણ થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
મૃતકના ભાઇ બિપીનભાઇએ કહ્યુ હતું કે મારા ભાઇ રાજુભાઇને તરતાં આવડતું હતું. તે જાતે ડૂબે જ નહિ, કોઇએ ડૂબાડી દીધાની અમને શંકા છે. વળી તેમની રિક્ષા ગૂમ છે અને તેમનો મોબાઇલ ફોન અને પર્સ પણ ગાયબ હોવાથી હત્યાની શંકા પણ વ્યક્ત કરી છે.