કેન્દ્રીય તપાસ એજન્સી જયાં સુધી ગુનાની તપાસ કરી રહી હોય ત્યાં સુધી રાજય સરકાર કે ગવર્નર
ગુનેગારને છોડી શકે નહીં: રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા કેન્દ્ર સાથે સહમતી સાધવી જરૂરી બનશે
તામિલનાડુની કેબીનેટે દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના સાત હત્યારાઓને છોડી મુકવાની ભલામણ રાજયપાલ બનવારીલાલ પુરોહિતને કરી છે. પરંતુ કાયદાનુસાર તામિલનાડુના ગવર્નર બનવારીલાલ રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી શકે નહીં આ મામલે ગવર્નરને કેન્દ્રની સલાહ લેવી પડશે તેવું સૂત્રોનું કહેવું છે.
રાજીવ ગાંધીની હત્યાની તપાસ સીબીઆઈની ટીમે કરી હતી. માટે ગવર્નરને કેન્દ્ર સરકારને વિશ્ર્વાસમાં લેવી પડશે ત્યારબાદ જ તેઓ હત્યારાઓને છોડવાનો નિર્ણય લઈ શકશે. ક્રિમીનલ પ્રોસીઝર, ૧૯૭૩ની કલમ ૪૩૫ અનુસાર કેન્દ્ર સરકારની પરવાનગી બાદ જ રાજય સરકાર આવા કેસમાં હત્યારાઓને છોડવાનો નિર્ણય લઈ શકે.
આ કેસની તપાસ હજુ ચાલુ હોવાની દલીલ પણ થઈ છે. કેટલાક દેશોમાં તપાસ અર્થે પત્રો મોકલવામાં આવ્યા છે. તપાસ એજન્સી શ્રીલંકા સહિતના દેશોમાં કેટલાક વ્યક્તિઓ મામલે પુછપરછ કરી રહી છે. ત્યારે આવા કેસમાં હત્યારાઓને છોડાય નહીં તેવી દલીલ થઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, તામિલનાડુ સરકારે ગત રવિવારે રાજયપાલને ભલામણ કરી હતી કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવામાં આવે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશનુસાર જયાં સુધી કેન્દ્રીય તપાસ એજન્સી તપાસ ચલાવી રહી હોય ત્યાં સુધી રાજય સરકાર જે તે કેસમાં દખલગીરી કરી શકે નહીં. હત્યારાઓને છોડવા કે જેલમાં બંધ રાખવાનો પ્રયાસ કરી શકે નહીં જેથી તામિલનાડુના ગવર્નરને પ્રથમ તો કેન્દ્રની મંજૂરીની આવશ્યકતા રહેશે. જયાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી આ હત્યારાઓને છોડી શકાશે નહીં.