ત્રણ વર્ષ પહેલાં થયેલી લૂંટના બનાવની સ્યુસાઇડ નોટમાં લખેલી સ્ટોરી પોલીસના ગળે ઉતરી નથી
શહેરના નાના મવા સર્કલ નજીક રાજનગર પાસેની લક્ષ્મી સોસાયટીમાં સાડા પાંચ વર્ષના પુત્રની પિતાએ હત્યા કરી પોતે ગળેફાંસો ખાઇ કરેલી આત્મહત્યાની ઘટના અંગે મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડનોટમાં ત્રણ વર્ષ પહેલાં થયેલી લૂંટના બનાવ અંગેની વિગતોથી પોલીસ ચક્રાવે ચડી છે. પણ સ્યુસાઇડનોટની સ્ટોરી ગળે ઉતરે તેવી ન હોવાથી હત્યા અને આત્મહત્યાના બનાવ અંગે માલવીયાનગર પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીનગરમાં હેમાંકનું દોરી બાંધી ગળુ દાબી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના પિતા પરેશ દિનેશભાઇ સાગઠીયાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની માલવીયાનગર પોલીસમાં જાણ થતા પી.આઇ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની તપાસ દરમિયાન મૃતક પરેશ સાગઠીયાના ખિસ્સામાંથી સ્યુસાઇડનોટ મળી આવી હતી તેમાં ત્રણેક વર્ષ પહેલાં ભરવાડ જેવા શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી પૈસા પડાવી લીધા હોવાથી તેનો પોતાને સતત ડર લાગતો હતો અને પોતાને કંઇ થશે તો પોતાના પુત્ર હેમાંકનું શું થશે તેવો ઉલેખ કર્યો હતો. ત્રણ વર્ષ પહેલાં થયેલી લૂંટ અંગે પોલીસે અંકોડા મેળવવા પ્રયાસ કર્યા છે. પણ હજી સુધી કોઇ ઠોસ વિગતો પ્રાપ્ત થઇ નથી બીજી તરફ ત્રણ વર્ષ બાદ કેમ ડર લાગ્યો અને પત્ની કિરણબેન જૂનાગઢ ડીલીવરી કરવા ગઇ હતી ત્યાં તેણીને મળીને આવ્યા બાદ મોટા પુત્રની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હોવાથી પોલીસને સ્યુસાઇડનોટની વિગતો ગળે ઉતરી ન હોવાથી હત્યા અને આત્મહત્યા પાછળ અન્ય કોઇ કારણ હોવાની શંકા સાથે તપાસ હાથધરી છે.
મૃતકના પિતા દિનેશભાઈ સાગઢીયા જામનગર ખાતે કોર્પોરેશનના કોન્ટ્રાકટનું કામ કરતા હોવાનું અને પરેશ સાગઠીયા ભૂપેન્દ્ર રોડ પર ઇકેલટ્રીકનું કામ કરતા હોવાનું અગાઉ વેરાવળમાં સીઆઇડીમાં પી.આઇ. તરીકે ફરજ બજાવી તાજેતરમાં જ રાજકોટ બદલી થયેલા એસ.એલ. દાફડા મૃતક પરેશભાઇ સાગઠીયાના સસરા થતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.