કુહાડાના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો
જૂનાગઢના બિલખા તાલુકાના ઉમરાળા ગામની સીમમાં આજે બપોરે લાકડા કાપવા જેવી નજીવી બાબતે સાથે બેસીને ચા-પાણી પીવા સમયે મોણીયાના એક શખ્સે ૪૫ વર્ષના એક આધેડની માથામાં કુહાડાના ત્રણ ઘા ઝીંકીને હત્યા કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.
મૂળ વિસાવદરના સરસઈ ગામના બીપીનભાઈ કાળાભાઈ રાઠોડ (ઉ.૪૫) બિલખાના ઉમરાળા ગામની સીમમાં ભાગવું રાખીને રહેતો હતો. આજે બપોરે તે વાડીના શેઢે લાકડા કાપતો હતો, ત્યારે મોણીયા ગામનો ભૂપત કોળી નામનો શખ્સ પણ લાકડા કાપવા આવ્યો હતો.
બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બધા સાથે બેસીને ચા-પાણી પીવા બેઠા હતા. જેમાં બન્ને વચ્ચે વાડમાં લાકડા કાપવા મામલે ઝગડો થતાં ઉશ્ર્કેરાઈને ભુપતે બાજુમાં પડેલ લાકડા કાપવાનો કુહાડો ઉપાડી બીપીનના માથામાં ઉપરા છાપરી ત્રણ ઘા ઝીંકી દેતા બીપીન સ્થળ ઉપર જ લોહીલુહાણ હાલતમાં મોતને ભેટયો હતો. આ બનાવ વખતે અન્ય એક યુવાન પણ હાજર હતો, તેને પણ ભૂપત મારવા દોડતા તે યુવાન જીવ બચાવી નાસી ગયો હતો. હત્યા કરી ભુપત ફરાર થઈ ગયો હતો.
બાદમાં તે યુવકે ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં ૧૦૮ આવી પહોંચી હતી. તેણે તપાસ કરતા બીપીનભાઈ મૃત્યુ પામેલ હતા. બિલખા પીએસઆઈ વી.યુ.સોલંકી ઘટના સ્થળે આવીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે હત્યા કરીને નાસી ગયેલ ભુપત કોળી અગાવ પણ એક હત્યાના કેસમાં પોલીસ દફતરે નોંધાયેલ છે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.