કુહાડાના ઘા ઝીંકી પાંચ શખ્સોએ ઢીમઢાળી દીધું: બે દિવસથી ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ
ગોંડલ તાલુકાના ગોમટા ગામે પ્રેમ પ્રકરણ બાબતે બે દિવસથી ચાલતા ઝઘડામાં નિર્દોષ યુવક પર પાંચ શખ્સોએ કુહાડાના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોમટા રહેતા પ્રદિપભાઇ ચંદુભાઇ મુળીયા નામના ૨૪ વર્ષના રજપૂત યુવાન પર નવાગામના અશોક રવિ સોલંકી, સાગર અને ત્રણ અજાણ્યા શખ્સોએ કુહાડાથી હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ગોમટાના વિજય મનસુખ કોળી અને અશોક વચ્ચે યુવતી બાબતે ઝઘડો થયો હોવાથી પ્રદિપભાઇ મુળીયાના ભાઇ વિરલે બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતુ. તેમ છતાં અદાવત રાખીને અશોક તેમજ વિરલની હત્યા કરવા માટે અશોક પોતાના સાગરીતો સાથે ઝઘડો કરવા આવ્યાની જાણ થતા પ્રદિપ ત્યાં વચ્ચે પડવા જતા તેના પર અશોક અને તેના સાગરીતો કુહાડીથી હુમલો કરી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.