ડાયરેકટ પમ્પીંગ કરતા ૩૭૭ અને ૮૧ ભુતિયા નળ જોડાણ કાપી નખાયા
રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે.
જેમાં તા. ૧૩-૩-૨૦૧૯ થી તા. ૧૩-૦૫-૨૦૧૯ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગનાં ૩૭૭ કિસ્સા અને ૮૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેક્ટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૦૪,૮૩,૨૫૦/-નો દંડ વસૂલ કરાયો હતો.
દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૩૪૬૦૩ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૧૯૭ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.